Abtak Media Google News

કચ્છના અંજાર મોટા શહેર છે જી રે….

વૈશ્વિક માંગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતાને ૨૦% સુધી વધારવા યોજના ઘડાઈ

વેલસ્પન ઇન્ડિયા આગામી બે વર્ષમાં તેના હોમ ટેક્સટાઇલ અને ફ્લોરિંગ બિઝનેસના ક્ષમતા વિસ્તરણ પર લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા વિચારી રહી છે.

દેશની સૌથી મોટી હોમ ટેક્સટાઇલ ઉત્પાદક વેલસ્પન ઇન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન તેના હોમ ટેક્સટાઇલ બિઝનેસ વિસ્તરણ પર ૬૫૬ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.  તેની યોજનાઓમાં વિદેશી ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા તેની ટુવાલ ઉત્પાદન ક્ષમતામાં ૨૦ ટકાનો વધારો કરવાનો સમાવેશ થાય છે.

કંપનીના બોર્ડે શનિવારે યોજાયેલી બેઠકમાં તેના અંજાર-કચ્છ આધારિત પ્લાન્ટમાં ટુવાલ ઉત્પાદન ક્ષમતાને હાલના ૮૫,૪૦૦ એમટીપીએથી વધારીને ૧,૦૨,૦૦૦ મેટ્રિક ટન વાર્ષિક (એમટીપીએ) કરવાની યોજનાને મંજૂરી આપી છે.

વેલસ્પને જણાવ્યું હતું કે, ગ્રાહકોના તાજેતરના વલણને ધ્યાનમાં રાખીને સમગ્ર વેલ્યુ ચેઇન એટલે કે ‘ફાર્મ ટુ શેલ્ફ’ પર નજર રાખવા માટે બોર્ડે અંજારમાં ટુવાલ ફેબ્રિક માટે ૪૦ લૂમમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે જે સ્થાપિત ક્ષમતાના ૭ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યારે તેના વાપી, વલસાડ સ્થિત પ્લાન્ટ માટે બોર્ડે ઓછા ખર્ચે ઝડપી ઉત્પાદન ટર્નઅરાઉન્ડ માટે ઓટોમેશન સંબંધિત વધારાના રોકાણને મંજૂરી આપી છે. વાપીમાં કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ગાદલાની ક્ષમતાના વિસ્તરણમાં ૮૦ ટકાનો વધારો શરૂ કર્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાંકીય વર્ષ ૨૦૨૩ માં ઉપરોક્ત વિસ્તરણ માટે ૬૫૬.૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ધારણા છે. આ વિસ્તરણના લાભો નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ક્વાર્ટરથી તબક્કાવાર એકત્ર થવાનું શરૂ થશે.

ઉપરાંત કંપની તેની પેટાકંપની વેલસ્પન ફ્લોરિંગ લિમિટેડના બોર્ડે ૧૪૩.૬ કરોડના કેપેક્સને પણ મંજૂરી આપી છે. સંપૂર્ણ માલિકીની પેટાકંપની કંપની વેલસ્પન ફ્લોરિંગ લિમિટેડના બોર્ડે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ​​રોજ મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૩ માં રોકાણ કરવા માટે રૂ. ૧૪૩.૬ કરોડના કેપેક્સને મંજૂરી આપી હતી.

વેલસ્પન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં તેણે કેપેક્સમાં ૨૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ રોકાણ ૭૫૦ કરોડ રૂપિયા હશે. જેમાં બોર્ડે શનિવારે હોમ ટેક્સટાઇલ અને ફ્લોરિંગ બિઝનેસ માટે મંજૂર કરેલા રોકાણનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.