Abtak Media Google News

તમાકુના સેવનથી મોં, ગળા અને ફેફસાંને નુકસાન થાય છે. જેનાથી કેન્સર પણ થઈ શકે છે. જો તમાકુને સમયસર છોડી દેવામાં આવે તો આ રોગમાંથી છુટકારો મળી શકર છે.લોકોને તમાકુથી મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે.  આ વર્ષની થીમ આપણને ખોરાકની જરૂર છે તમાકુ નહીં એવી રાખવામાં આવી છે.

ધૂમ્રપાન અને તમાકુના સેવનથી પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે.  જેના કારણે બીમારીઓનો ખતરો વધી જાય છે.  આમાં શ્વાસ લેવામાં તકલીફ, ટીબી, માઇગ્રેન, માથાનો દુખાવો, બ્રોન્કાઇટિસ વગેરેનો સમાવેશ થાય છે. દર 100 દર્દીઓની ઓપીડીમાં સરેરાશ 40 લોકો ધૂમ્રપાનની સમસ્યા ધરાવતા હોય છે.   તમાકુનો ઉપયોગ માત્ર ચાવવા માટે જ નહીં પરંતુ ધૂમ્રપાન માટે પણ થાય છે.  તે વધુ ખતરનાક છે.  એક અભ્યાસ મુજબ, દર વર્ષે વિશ્વભરમાં તમાકુનું સેવન કરનારા 80 લાખ લોકો મૃત્યુ પામે છે.  જો કોઈ વ્યક્તિ સિગારેટ પીતી હોય અને તેની બાજુમાં ઉભી હોય, તો તે ધુમાડો અંદર જવાથી શ્વાસ લેવામાં તકલીફ પણ વધે છે, તેને પેસિવ સ્મોકિંગ કહેવાય છે.  આ એક એવો રોગ છે, તમે જેટલા દૂર રહેશો, તેટલા જ સુખી જીવશો.

દેશમાં કેન્સરથી મૃત્યુ પામેલા 100 દર્દીઓમાંથી 40 તમાકુના સેવનથી મૃત્યુ પામે છે.  તમાકુના સેવનથી માત્ર કેન્સર જ નથી થતું પરંતુ હૃદયરોગ, ડાયાબિટીસ, ટીબી જેવી બીમારીઓ પણ વધે છે.  તમાકુના વપરાશકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.  આવા લોકો મોં અને ગળાના કેન્સરથી પીડિત હોય છે.  તમાકુનું સેવન કરતી મહિલાઓની સંખ્યા શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ છે.

તમાકુના વ્યસને અત્યાર સુધીમાં અનેક લોકોના પરિવારને બરબાદ કર્યા છે. હકીકત જોઈએ તો જ્યાં સુધી વ્યસન ચાલુ હોય છે કોઈને પણ કઈ પરવા હોતી નથી. બાદમાં જ્યારે આ વ્યસનના કારણે કેન્સર આવે છે ત્યારે વ્યસને માત્ર પસ્તાવો સિવાય બીજી કોઈ અનુભૂતિ થતી નથી. માત્રને માત્ર 2થી 5 મિનિટના વ્યસનનો કોટો ચડાવવા માટે આપણે આપણા જીવનને જોખમમાં મૂકીને આપણા પરિવારના માળાને વિખી નાખવાના જાતે જ પ્રયાસ કરીએ છીએ જે ઉચિત નથી.

દુનિયામાં સૌથી વધુ કિંમતી આપણી સ્વસ્થતા છે. પૈસા સહિતની બધી વસ્તુઓ જો સ્વસ્થતા હશે તો જ ભોગવવા મળશે. સ્વસ્થતા નહિ હોય તો આ બધી વસ્તુઓનું સુખ પ્રાપ્ત કરવા આપણે લાયક રહેતા નથી. જો કે અનેક સંસ્થાઓ આ અંગે ખૂબ જાગૃતિ ફેલાવે છે સંકલ્પો લેવાય છે પણ વાસ્તવિકતા જોઈએ તો વ્યસની માણસ જ્યાં સુધી અંતરાત્મા ન કહે ત્યાં સુધી પોતાનું વ્યસન છોડતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.