આજે ડો. APJ કલામની જન્મજયંતિ: ‘લોકોના રાષ્ટ્રપતિ’ અને ‘મિસાઈલમેન’ની જાણો ભૂતો ન ભવિષ્યતી જેવી સિદ્ધિઓ

સૂરજની જેમ ચમક્વાં, પહેલાં સૂરજની જેમ બળવું પડે

સપનાઓ એ નથી જે આપણે સુતી વખતે જોઈએ, સપનાઓ તો એ છે જે આપણને સૂવા જ ના દે: ડો.કલામ

જો તમે સૂરજની જેમ ચમકવા માંગતા હોય તો પહેલાં સુરજની જેમ બળવું જ પડે… આ મહાન વિચારો છે આપણા મહાન વૈજ્ઞાનિક અને મિસાઈલમેન તરીકે જાણીતા ડો.એપીજે અબ્દુલ કલામના. ૧૫ ઓકટોબરને ૧૯૩૧માં તામિલનાડુના રામેશ્ર્વરમ્માં જન્મેલા ડો.અબ્દુલ કલામનો આજે ૮૯મો જન્મદિવસ છે. નાના એવા માચ્છીમાર પરિવારમાં જન્મેલા અબ્દુલ કલામ આજે કરોડો લોકો માટે એક ઐતિહાસિક જ્વંલત ઉદાહરણ સમાન છે. ભારતના વિજ્ઞાન, સંરક્ષણ, શિક્ષણ અને રાજનીતિ ક્ષેત્રે તેઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ ‘ભૂતો ન ભવિષ્ય’ સમાન છે. તેઓ હમેશા કહેતા સફળ થવાં માટે અથાગ પરિશ્રમ અનિવાર્ય શરત છે. સફળ થવા માટે સફળતાની નહીં પણ અસફળતાની કહાનીઓ વાંચવી જોઈએ. કારણ કે, સફળતાની વાર્તામાંથી માત્ર સંદેશ મળશે પણ અસફળતાની વાર્તામાંથી સફળ થવાનો માર્ગ મળશે.

ડો.એપીજે કલામ ભારતીય ઈતિહાસના પ્રથમ અને એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે કે જેઓ વૈજ્ઞાનિક હોય. તેઓએ વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપેલી. તેમના આ કાર્યકાળ દરમિયાન તેમને લોકસેવા કરી ખૂબ ચાહના મેળવેલી. આજ કારણસર તેઓ લોકલાડિલા રાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે. એટલું જ નહિ, તેઓને “લોકોના રાષ્ટ્રપતિના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.

ડો.કલામનું પૂરું નામ અવુલ પકિર જૈનુલાબદ્દિન અબ્દુલ કલામ છે. તેમણે તિરુચિરાપલ્લીની સેંટ જોસેફ કોલેજ ખાતે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી મદ્રાસ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એરોસ્પેસ ઈજનેરી કરી હતી. ત્યારબાદ સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન-ઈસરો સાથે જોડાઈ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ અને મિસાઈલ વિકાસ પર ધનિષ્ઠ કામ કર્યું હતું. બેલેસ્ટિક મિસાઈલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગીકીના વિકાસમાં તેમના અદ્ભૂત પ્રદાન બદલ ડો.કલામને “મિસાઈલમેન ઓફ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી. આજે ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે જે-જે ઉપલબ્ધીઓ હાંસલ કરી રહ્યો છે તે ડો.કલામની જ દેન છે. પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ના જનક ડો.કલામ જ ગણાય છે. વર્ષ ૧૯૭૦ થી ૧૯૯૦ના દશક દરમિયાન તેમને પીએસએલવીને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમની આ યોજના સફળ રહી. તેમણે આધુનિક મિસાઈલ કાર્યક્રમ વિકસાવ્યાં. પૃથ્વીથી પૃથ્વી પર માર કરનારી ભારતની પ્રથમ બેલેસ્ટિક મિસાઈલ “પૃથ્વીને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવેલી. આથી જ તેઓ ભારતના મિસાઈલમેન તરીકે ઓળખાય છે (પીએસએલવી એટલે રોકેટ લોન્ચ કરવા માટેનું એક વાહન).

ડો.અબ્દુલ કલામે સંરક્ષણ ક્ષેત્રે ભજવેલી કામગીરી અવર્ણનીય છે. આ સાથે તેમણે ૧૯૯૨ થી ૧૯૯૯ સુધી વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ પ્રતિનિધિત્વ કરેલું. તેઓ શિક્ષક તરીકેની પણ સેવા આપતા હતા. પરંતુ તેમનો આજનો જન્મદિન વિશ્ર્વભરમાં ‘વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવાય છે. કારણ કે તેઓનો વિદ્યાર્થી સાથેનો પ્રેમ અતૂટ હતો. તેમનું સમગ્ર જીવનકાળ તેઓ એક વિદ્યાર્થી તરીકે જ જીવ્યા છે. વિદ્યાર્થીઓને દરેક તબક્કે પ્રેરણાત્મક સંદેશો આપતાં રહેલા. કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભાષણ દેવાની તક તેઓ ક્યારેય ચૂકતાં નહિ. ડો.કલામનું માનવું હતું કે, સમગ્ર જીવન દરમિયાન કંઈકને કંઈક શીખવાનું જ હોય છે. એટલે વિદ્યાર્થીની જેમ જ વર્તવું જોઈએ. વર્ષ ૨૦૧૨થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આજનો દિવસ વિશ્ર્વ વિદ્યાર્થી તરીકે ઉજવાય છે. એપીજે કલામને ૪૦ જેટલી યુનિવર્સિટીઓમાંથી માનદ ડોકટરની પદવી એનાયત થયેલ છે. તેમને પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત તો તેમને અલગ અલગ ઘણાં ખિતાબો મળેલાં.

અલગ-અલગ ૪૦ યુનિવર્સિટીઓની  ડોકટરની પદવી કલામને નામ

ડો.એપીજે કલામનું માન અપે વ્યક્તિત્વ અદ્ભૂત હતું. તેઓએ સાયન્સ, શિક્ષણ અને રાજનીતિ ક્ષેત્રે અનોખી છાપ છોડી છે. તેઓએ રોકેટ સાયન્ટિસ્ટની સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિ અને શિક્ષક તરીકેની પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને અલગ-અલગ ૪૦ જેટલી યુનિવર્સિટીઓમાંથી ડોકટરની પદ્વી પ્રાપ્ત છે. આજે આપણને એક યુનિવર્સિટીમાંથી ડોકટરની પદ્વી મેળવવી પણ અઘરું પડી જાય છે.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા ડો.કલામ હંમેશા તત્પર રહેતા

કહેવાય છે ને કે, બાળકો, વિદ્યાર્થીઓના રૂપમાં દેશનું ભવિષ્ય છે. દેશનું ભાવી મજબૂત અને સ્પષ્ટ કરવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે અને આ માર્ગદર્શન પૂરું પાડવા મિસાઈલમેન સદૈવ તત્પર રહેતા. તેઓ કોલેજ-યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાની તક ક્યારેય ચૂકતાં ન હતા. શાળામાં છેલ્લી પારીએ બેસતાં વિદ્યાર્થીઓ માટે તેઓનું એક વાક્ય આજે પણ ઘણું પ્રસિધ્ધ છે. તેઓ કહેતાં કે, દેશની સૌથી તેજ મગજ વાળા વિદ્યાર્થીઓ વર્ગખંડની છેલ્લી બેંચે જોવા મળે છે.

આપણી આદતો જ આપણા  ભવિષ્યનું નિર્માણ કરે છે

ડો.એપીજે અબ્દુલ કલામના વિચારો માત્ર આપણું પ્રેરકબળ અનેકગણું વધારી દે છે. તેઓ હંમેશા કહેતાં કે, એક સુંદર ભવિષ્યના નિર્માણ માટે સુંદર આદતો કેળવવી જરૂરી છે. જો કુટેવો હશે તો ભવિષ્ય અંધકારમય બની જશે. જેમ-જેમ કોઈ કામ માટેની આપણી મહેનત વધુ તેમ-તેમ આપણે તેમાં નિષ્ણાંત થતાં જઈએ છીએ. તેમણે એક પ્રેરક સંદેશ આપતા કહેલું કે, જે દિવસે તમારી સહી, ઓટોગ્રાફમાં પરિણમે ત્યારે માની લેવું કે તમે સફળ થઈ ગયા.