Abtak Media Google News

ભારત ધાર્મિક વૈવિધતાથી ભરેલો દેશ છે જ્યાં બધા જ ધર્મના તહેવારો અને ઉત્સવો ઉજ્વવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

Advertisement

ભગવાન બુદ્ધનો જન્મ ઇ.સ. પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુ પાસે લુમ્બિનીમાં થયો હતો. ઇતિહાસકારોના મતે, બુદ્ધ શાક્ય ગૌત્રના હતા અને તેમનુ સાચું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતુ. તેઓ શાક્ય ગણના પ્રમુખ હતા. જ્યારે તેમના માતાનું નામ માયા દેવી હતું. કહેવાય છે કે સિદ્ધાર્થના જન્મના 7 દિવસ બાદ જ તેમની માતાનું નિધન થતા, તેમનો ઉછેર તેમની સાવકી માતા પ્રજાપતિ ગૌતમીએ કર્યો હતો. સિદ્ધાર્થે માત્ર 29 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો.

બુદ્ધને બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. તેમણે વર્ષો સુધી કઠિન તપસ્યા અને સાધના કરી હતી. જે બાદ બોધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ . જે બોધિવૃક્ષ આજે પણ બિહારના ગયા જિલ્લામાં સ્થિત છે. તેમણે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનથી આલોકિત કરનાર ભગવાન બુદ્ધનું કુશીનગરમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે નિધન થયું અને તે જ દિવસ તેમનો પરિનિર્વાણદિન કહેવાય છે.

Images 17

બુદ્ધ પૂર્ણિમાના દિવસે લોકો સૂર્ય ઊગે તે પહેલા પૂજા સ્થળે એકઠા થઇ પ્રાર્થના અને નૃત્ય કરે છે. અમુક લોકો વ્યાયામ કરીને પણ બુદ્ધ પૂર્ણિમાંની ઉજવણી કરે છે. આ દિવસે સૂર્યોદય બાદ મંદિર અને ધાર્મિક સ્થળો પર બૌદ્ધનો ઝંડો ફરકાવવામાં આવે છે. આધુનિક બૌદ્ધ ઝંડો શ્રીલંકાએ તૈયાર કર્યો છે. જેમાં વાદળી, લાલ, સફેદ, પીળો અને નારંગી રંગ હોય છે. વાદળી રંગ પ્રેમ અને સન્માન દર્શાવે છે, જ્યારે લાલ રંગ આશીર્વાદનું પ્રતીક છે અને સફેદ રંગ ધર્મની શુદ્ધતા દર્શાવે છે. નારંગી રંગને બુદ્ધિમત્તાનું પ્રતીક મનાય છે અને સૌથી છેલ્લે પીળા રંગને મુશ્કેલ સ્થિતિમાંથી બચવાનું પ્રતિક મનાય છે.

 

આ દિવસે દાન-પૂણ્ય કરવાનું ખાસ મહત્વ છે. ઘણા લોકો પાંજરામાં કેદ પક્ષીઓ અને પશુઓને મુક્ત કરી આ દિવસ ઉજવે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 25 મે, 2021એ રાત્રે 8.29 કલાકે થશે અને 26 મે, 2021એ સાંજે 4.43 કલાકે પૂર્ણ થશે. આ દિવસ વિશ્વમાં બૌદ્ધ ધર્માવલંબિયો દ્વારા ખૂબ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ઉજવાય છે. વૈશાખ પૂર્ણિમાની તિથિ ભગવાન બુદ્ધના જીવનની પ્રમુખ ઘટનાઓ સાથે સારી રીતે સંકળાયેલ છે, તેથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસને ખૂબ માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.