Abtak Media Google News

‘અબતક’ના મોભી સતીષભાઈ મહેતાના પિતા સ્વ.શાંતિભાઈ મહેતાએ જીવન ઘસીને ઉજાગર કરેલા સદાચારના પ્રકાશનો સમાજમાં આજે પણ ઝળહળાટ

ગાંધીવાદી વિચારધારાને વરેલા અને જેના જીવનમાં ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ના મંત્રને જીવનમાં મુર્તિમંત્ર કર્યો હતો તેવા ‘અબતક’ના મોભી, પથદર્શક શાંતિભાઈ મહેતાની આજે ગાંધી નિર્વાણ દિને જ યોગાનુયોગ ૧૨મીનિર્વાણતિથિનો ‘સંયોગ’ પણ તેમની જીવન સફરની ફલશ્રુતી બની છે.

Advertisement

કોઈપણ જાતિ, ધર્મ, ભેદ વિના કર્મને જ ‘ધર્મ’ સમજી કર્મની થીયરી પર લોકસેવાની ભેખ જેણે ધરી હતી. જેમની સાદગી વચ્ચે પણ મેરૂ પર્વત જેવી અડગતાને નીડરતા લોકહૃદયમાં અને ગ્રામ્ય પંથકમાં અલગ આભા ઉભી કરી હતી. નેતૃત્વના ગુણ તેમણે નાનપણથી, વિદ્યાર્થીકાળથી જ ખીલવ્યા હતા. કોઈપણ બાબતના નેતૃત્વમાં ક્યારેય પીછેહઠ કરતા નહીં. ધાર્મિક, સામાજિક પ્રસંગો અને કુદરતી આફતો જેવી દરેક બાબતોમાં સુમેળભર્યું નેતૃત્વ કરી લોકો પર આવેલી આફતો કે પ્રસંગોને દિપાવવાની કુનેહ ધરાવતા હતા. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના આદર્શ વહીવટ અને પંચાયતી રાજમાં પારદર્શકતાથી લોકસુવિધાઓ ગ્રામજનો સુધી પહોંચાડવામાં શાંતિભાઈ મહેતા હંમેશા યાદગાર બન્યા છે. સામાજિક સુધારા અને કુરિવાજ દૂર કરવા માટે પણ તેમણે જીવન ઘસીને સમાજમાં સદાચારનો પ્રકાશ ફેલાવ્યો હતો.

સમાજમાં નાનામાં નાના માણસોના મોટામાં મોટા સ્વજન એટલે શાંતિભાઈએ ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે પ્લોટોથી લઈ રૂ.૫૦,૦૦૦માં મકાનો વસાવી દીધા હતા તે આજે ૩૫ વર્ષે પણ આ મકાનો અડીખમ અને સુખદેણ બનીને ઉભા છે. ૧૯૮૬ના દુકાળમાં ૧૧ કેટલ કેમ્પોનું સફળ સંચાલન અને  પશુઓને સાચવતા સાચવતા સરકારી ગ્રાન્ટનું મેનેજમેન્ટ કરીને બચત કરી કરકસરથી વેલ મેનટેઈન કેટલ કેમ્પનું ઉદાહરણ ઉભુ કર્યું હતું. જૈન-જૈનેતર સમાજના નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોમાં નાના ગામમાં ઓછી સગવડતા, ટાંચા સાધનો વચ્ચે રસોઈ સહિતની વ્યવસ્થા ગોઠવી તેના સુપેરે સંચાલનથી નેતૃત્વ પૂરૂં પાડ્યું હતું.   આજે અમે જે કંઈ છીએ એ તેમની નીડરતા, નિ:સ્વાર્થ અને નેતૃત્વના ગુણ થકી જ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.