બોલીવુડને પ્રથમ વેસ્ટર્ન સોંગની ગિફ્ટ આપનાર સંગીતકાર સી.રામચંદ્રની આજે જન્મજયંતિ

શોલા જો ભડકે… દીલ મેરા ધડકે…

 

અબતક, અરૂણ દવે, રાજકોટ

બોલીવુડની દુનિયામાં આઝાદી પહેલાના મુંગી ફિલ્મોના જમાનામાં હિરો બનવા આવેલા ગાયક-સંગીતકાર સી.રામચંદ્ર ફિલ્મ જગતમાં ગાયક ચિત્તલકરના નામથી જાણિતા હતા. આજે તેમની જન્મ જયંતિ છે. 1942માં સુખી જીવન ફિલ્મથી કારકિર્દી શરૂઆત કરનાર સી.રામચંદ્રએ ફિલ્મજગતને અમર ગીતો આપ્યા હતા. તેઓ અન્ના સાહેબના નામથી પણ બોલીવુડમાં જાણિતા હતાં.

તેમની સમાધી, અલબેલા, અનારકલી, આઝાદ, નવરંગ, આશા, અમરદિપ અને પૈગામ જેવી હિટ ફિલ્મો હતી. ‘યે જીંદગી ઉસી કી હે જો કિસી કા હો ગયા’ અનારકલીનું ગીત આજે પણ યુવાધન સાંભળી રહ્યા છે. સાવ જુદા વેસ્ટર્ન ગીતો આઝાદી પહેલા પણ બનાવીને તેની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

આના મેરી જાન, સન્ડે કો સન્ડે, ઇના મીના ડીકા જેવા ગીતો સાથે ધીરે સે આજા અખિયનમે જેવી સુંદર લોરી પણ તેમની ભેટ છે

માસ્ટર ભગવાનની ફિલ્મ ‘અલબેલા’માં શોલા જો ભડકે દિલ મેરા ધડકે’ જેવા વેસ્ટર્ન ડિસ્કો ટાઇપના ગીતો એ જમાનામાં યુવાધનને ઘેલુ કર્યું હતું. એ મેરે વતન કે લોગો જેવા બોલીવુડના અમરગીતો તેમણે લત્તા મંગેશકર પાસે ગવડાવીને પોતાની શ્રેષ્ઠત્તાનો પરિચય આપ્યો હતો. 1947માં શહેનાઇ ફિલ્મમાં ‘આના મેરી જાન સન્ડે કો સન્ડે’ જેવા વેસ્ટર્ન ટ્યુન્સના નખરાળા ગીતો બનાવ્યા જે યુવાધનને બહુ જ પસંદ પડ્યા હતા. ભોલી સુરત ‘દિલ કે ખોટે નામ બડે ઔર દર્શન છોટે’ જેવા અલબેલાના ગીતોએ 1951માં તહલકો મચાવી દીધો હતો. તેઓ એક સારા ગાયક પણ હતા. આજે તેમની 104મી જયંતિ છે.

સી.રામચંદ્રએ ભલે બહુ ઓછી ફિલ્મો કરી પણ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું કે પોતે ગીતો ગાયા તે લાજવાબ હતા. બોલીવુડના તે સૌથી પહેલા નોખા અને અનોખા સંગીતકાર હતા, જે એ જમાનામાં પણ આજના યુગ જેવા ગીતો બનાવી શકતા હતાં.