Abtak Media Google News

રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં હાલ રાત્રીના 1 થી સવારના 6 વાગ્યા સુધી છે રાત્રી કરફયુ અમલમાં: એકાદ પખવાડીયું હજી રાત્રી કરફયુ લંબાવાશે

રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં અમલમાં રહેલા રાત્રી કરફયુની મૂદતનો આજે છેલ્લો દિવસ છે. દરમિયાન કોરોનાના નવા વેરીએન્ટ સામેની સાવચેતી અને રાજયમાં દિવાળી બાદ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા રાત્રી કરફયુની અવધી હજી એકાદ પખવાડીયુંલંબાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આ અંગે રાજય સરકાર દ્વારા સાંજ સુધીમાં સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.

વૈશ્ર્વિક મહામારી કોરોનાનું સંક્રમણ રોકવા માટે માર્ચ 2020માં લાદવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં મહાપાલિકા વિસ્તરોમાં રાત્રી કરફયું અમલમાં છે. સમયાંતરે તેમાં થોડાઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ,અમદાવાદ, વડોદરા,સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રાત્રીનાં 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયું અમલમાં છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ગત મહિને રાજય સરકાર દ્વારા રાત્રી કરફયુની સમય અવધીમાં એક કલાકની છૂટછાટ આપવામા આવી હતી. અગાઉ કરફયુની અવધી રાત્રીનાં 12થી સવારના 6 વાગ્યા સુધી હતી જે 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી રાત્રીનાં 1થી સવારના 6 વાગ્યા સુધી કરવામા આવી હતી. આજે રાત્રી કરફયુનો અંતિમ દિવસ છે.

દરમિયાન ગઈકાલે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાત્રી કરફયું અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હાલ વિશ્ર્વના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવી રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુંમાં છૂટછાટ આપી કોઈ જોખમ ઉઠાવવાનાં મૂડમાં નથી.

આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે. જોક રાત્રી કરફયું માત્ર મહાપાલિકા વિસ્તારમાં હોવાના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તે નડરરૂપ બને તેમ નથી આવામાં રાજય સરકાર રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં રાત્રી કફર્યુની મૂદત એક પખવાડીયું વધારે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.