Abtak Media Google News

દૂધ એ સંપૂર્ણ આહાર તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન સી સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે થાય છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે, કારણકે દૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરનાં સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે. દૂધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શીયમ મળે છે. દૂધમાં પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં છે. સામાન્યરીતે તેમાં 85% જેટલું પાણી હોય છે અને બાકીનાં ભાગમાં તમામ પોષક તત્વો હોય છે.

દૂધમાં પ્રોટીન, કેલ્શીયમ તેમજ રીબોફ્લેવીન (વિટામીન બી) સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વીટામીન એ, ડી, કે અને ઈ તથા ફોસ્ફરસ, મેગ્નેશીયમ, આયોડીન તેમજ અન્ય ખનીજો અને ચરબી હોય છે. દૂધમાં રહેલું પ્રોટીન ઈન્ફેકશનથી પણ બચાવે છે. ઘણી એવી માન્યતાઓ છે કે દુધ કેલ્શિયમનાં કારણે સફેદ હોય છે, પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે 1.27 ગ્રામ કેલ્શિયમ અને 33 ગ્રામ કે તેથી વધુ પ્રોટીન હોય છે. પ્રોટીનની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાતનું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થમાં હોતું નથી. કેસીનની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયનાં દૂધ કરતાં ભેસનાં દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે. આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયનાં દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે.

ચરક સંહિતામાં જણાવ્યા મુજબ ગવ્યં દશગુણં પય: એટલે કે ગાયનાં દૂધમાં દશ ગુણ છે. મહર્ષિ ચરક અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય 27)માં દૂધને ક્ષીરં જીવયતિ કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે. દુધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરનાં સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે. દુધમાં તમામ પોષક તત્વો હાજર હોય છે. આયુર્વેદ પ્રમાણે કહેવાય છે કે સવારે ખાલી પેટ દૂધ ન પીવું જોઈએ. સવારે દૂધ પીનારને ગેસની સમસ્યા થઈ શકે છે, પણ જેમની પાચનશક્તિ સારી છે તે સવારે નિયમિત રીતે દૂધ પી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.