Abtak Media Google News

હ્રીમ ચિંતના શ્રીજી
[email protected]

જીવનમાં જ્ઞાનનું અદભૂત અને અનેરૂ મહત્વ રહેલું છે. કોઈ પણ ક્ષેત્ર હોય જ્ઞાન જરૂરી છે. જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ છે કે पढमं नाणं तओ दया અથૉત્ પ્રથમ જ્ઞાન પછી દયા. જીવાત્માને  જો ખબર જ ન હોય કે કયું કાયૅ કરવાથી પૂણ્ય થાય અને કયું કાયૅ કરવાથી પાપ થાય તો તે ધમૅ કઈ રીતે નિભાવી શકે…?? બસ એ જ રીતે કોઈ પણ ક્ષેત્રમાં જે વ્યક્તિ પાસે જે તે વિષયનું જ્ઞાન હોય તો તે સહેલાઈથી અને ઝડપથી  કાયૅ કરી શકે છે.

84 લાખ યોનિના ચક્કરમાંથી મુક્ત થઈ મોક્ષમાં જવા માટે પણ જ્ઞાનાદિ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે ” અંધ અને અજ્ઞ, એ બેમાં ઓછો શાપિત આંધળો…અંધ એકાંગે પાંગળો, અજ્ઞ સર્વાંગે પાંગળો.” મહાપુરુષો કહે છે માત્ર માહિતીથી જ મોક્ષ ન મળે. જ્ઞાન પણ સમયક્ જ્ઞાન હોવું જોઈએ. આગમકાર ભગવંતો જ્ઞાનનુ ફળ બતાવતા કહે છે… झानस्य फलं विरती અથૉત્ જ્ઞાનનું ફળ વિરતી એટલે કે ત્યાગ છે. પ્રભુ મહાવીરે પોતાની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના 28માં અધ્યયનમાં મોક્ષના ચાર માગૅ જ્ઞાન, દશૅન, ચરિત્ર અને તપ બતાવ્યા..તેમાં પણ જ્ઞાનને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

“અજ્ઞાન તિમિરાન્ધાસ્ય, જ્ઞાનાંજન શલાકાયા”… અજ્ઞાન રૂપી અંધારા દૂર કરવાના છે. આ જ્ઞાન પાંચમે સંકલ્પ કરીએ કે અમારે આવતી જ્ઞાન પાંચમ સુધીમાં નવું-નવું જ્ઞાન શીખવું છે. સામાયિક ન આવડતી હોય તેઓએ સામાયિક કંઠસ્થ કરવી, પ્રતિક્રમણ ન આવડતું હોય તેઓ રોજના પાંચ-દશ શબ્દો કંઠસ્થ કરશે તો પણ એક વષૅમાં સંપૂર્ણ પ્રતિક્રમણ આવડી જશે.

જો આવું બધું કંઠસ્થ હશે તો મહામારી કે બિમારીના સમયે પથારીવશ થઈએ ત્યારે પણ જ્ઞાન અંતિમ સમયની આરાધનામાં મિત્ર બની બાજુમાં સતત સાથે ને સાથે રહેશે. અરે ! પરભવમાં પણ સાથે આવશે. ચિત્ત પ્રસન્ન રહેશે અને સુંદર મજાની ધમૅ આરાધના થઈ શકશે. જ્ઞાની ભગવંતો સમજાવે છે કે આ જ્ઞાન પંચમીએ આપણે સૌ પણ આગમ જ્ઞાન મેળવવાનો યત્કિંચીત સુપ્રયત્ન કરી મળેલ માનવ ભવને સફળ કરીને જ્ઞાન પાંચમને આત્માને લાભ આપનારી મંગલકારી પાંચમ બનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.