Abtak Media Google News

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક

હોદેદારોની પસંદગી અંગે કરાશે વિસ્તૃત ચર્ચા

રાજયની અલગ-અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખ તથા ઉપપ્રમુખની મુદત ટુંક સમયમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે પાછલા અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગી કરવા માટે આજે અમદાવાદ સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને ભાજપની બે દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નવા હોદેદારોની પસંદગી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

લોકસભાની ચુંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં હોદેદારોની પસંદગીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. આજથી બે દિવસ માટે મળનારી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજયની અલગ-અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના નવા હોદેદારોની પસંદગીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. જોકે કોઈપણ સ્થાનિક સ્વરાજયની સંસ્થા માટે નામ ફાઈનલ કરી દેવામાં આવશે નહીં. સ્થાનિક આગેવાનો પાસેથી નામોની પેનલ લેવામાં આવશે. આવતા સપ્તાહે રાજકોટ સહિત રાજયની ૬ મહાનગરપાલિકાઓના મેયર સહિતના પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી ૧૧ અને ૧૨ જુનના રોજ મહાપાલિકાઓના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવશે.

સામાન્ય રીતે સ્થાનિક સંગઠનના હોદેદારો દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાના હોદેદારો માટે અમુક નામોની પેનલ હાઈકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવે છે જેના આધારે અને જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી હાઈકમાન્ડ પદાધિકારીઓની નિયુકિત કરતું હોય છે. વિધાનસભાની ચુંટણીમાં માંડ-માંડ સતા હાંસલ કર્યા બાદ હવે ભાજપ લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી નવા હોદેદારોની પસંદગી કરશે. બે દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદેદારોની પસંદગી માટે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.