Abtak Media Google News

ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર કરશે લેન્ડિંગ, બે કલાક પૂર્વે પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યા બાદ લેન્ડિંગનો નિર્ણય લેવાશે

ભારત માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે સાંજે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડિંગ થવાનું છે. આ લેન્ડિંગને લઈને દેશભરના લોકોની ધડકનો તેજ બની ગઈ છે. સૌ કોઈ ઇસરોના આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisement

ભારત ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે.  ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સાંજે 6:40 વાગ્યે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે તેવી અપેક્ષા છે અને 2019માં ચંદ્રયાન-2ના હાર્ડ લેન્ડિંગ પછી મિશન પર દેખરેખ રાખનારા ઈસરોના વૈજ્ઞાનિકોને સોફ્ટ લેન્ડિંગની આ અપેક્ષાએ વિશ્વાસ અપાવ્યો છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે તે સફળ મિશન હશે.  તેઓએ કહ્યું, અમે તૈયાર છીએ.

ઈસરોના વડાએ કહ્યું કે, ચાર વર્ષ થોડો સમય નથી.  અમે અમારા મિશનને સુધારવા અને બેકઅપ પ્લાન બનાવવા માટે તેનો દરેક ભાગ કામે લગાવીએ છીએ.  તેમણે કહ્યું કે અમે બેકઅપ પ્લાનનો બેકઅપ પણ તૈયાર કર્યો છે.  અત્યાર સુધી આ મિશનમાં બધું અમારી યોજના મુજબ જ થયું છે.  અમે અનેક સ્તરે સિસ્ટમની ચકાસણી કરીને લેન્ડિંગની તૈયારી કરી છે અને લેન્ડરની તબિયત બિલકુલ ઠીક છે.

ચંદ્રયાન-2ની નિષ્ફળતામાંથી શીખેલા બોધપાઠ પર ઈસરોના વડા સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-2 છેલ્લા સ્ટેજ સુધી સારી રીતે ચાલ્યું, પરંતુ અમે સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા નહીં.  અમે ખૂબ ઝડપથી ઉતર્યા.  ચંદ્રયાન-2 દરમિયાન અમારી એક ભૂલ એ હતી કે અમે લેન્ડિંગ સાઇટને 500 મીટર ડ્ઢ 500 મીટરના મર્યાદિત વિસ્તારમાં રાખી હતી.

તેણે કહ્યું કે અમને કેટલીક ખામીઓ મળી હતી જેનો વાહન સામનો કરી રહ્યું હતું અને જ્યારે તે થઈ રહ્યું હતું ત્યારે અમે તેને ઉકેલ્યા ન હતા.  અહીંથી લેન્ડિંગ કરતી વખતે લેન્ડર મોડ્યુલ નિયંત્રણની બહાર થઈ ગયું હતું.  આ વખતે અમે વધુ સારી રીતે તૈયાર છીએ.  અમે અમારી ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા છીએ અને તે ભૂલોને સુધારી છે.  ઈસરોના વડાએ કહ્યું, અમે તૈયાર છીએ.

જો પરિસ્થિતિ અનુકૂળ નહિ હોય તો 27મીએ લેન્ડિંગ થશે

ચંદ્રયાન 3 મિશન આજે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરવાના માત્ર 2 કલાક પહેલા વાહનને લેન્ડિંગ કે લેન્ડિંગ ન કરવા અંગે અંતિમ નિર્ણય લેશે.  આ નિર્ણય લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્ય, ટેલિમેટ્રી ડેટા અને તે સમયે ચંદ્રની સ્થિતિના આધારે લેવામાં આવશે.  જો તે સમયે એવું કોઈ કારણ સામે આવ્યું કે  ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે અનુકૂળ નથી, તો પછી લેન્ડિંગ મોકૂફ રાખવામાં આવશે અને 27 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે.  બીજી તરફ, જો કોઈ સમસ્યા જોવા નહીં મળે, તો લેન્ડરને 23 ઓગસ્ટે જ લેન્ડ કરવામાં આવશે.

ચંદ્રયાનની સફળતા માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ

ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે દેશભરમાં ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે. ઉપરાંત ઘણા લોકોએ રાષ્ટ્રીય ભાવનાથી માનતાઓ પણ રાખી હોવાનું સામે આવ્યું છે. અનેક રાજ્યોમાં મુખ્ય મંદિરોમાં ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. હાલ દેશવાસીઓ સાંજના ચંદ્રયાનના સફળ લેન્ડિંગની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.