Abtak Media Google News

200 વર્ષ પહેલાના ઇતિહાસનું થશે પુનરાવર્તન જ્યારે એકસાથે માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓ સ્વીકારશે ભાગવતી જૈનદીક્ષા

અબતક-રાજકોટ

વર્ષોની ઝંખના પૂર્ણ થશે 9 મુમુક્ષુ આત્માઓની જ્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં પરમ શરણમાં સંસારનો ત્યાગ કરીને પ્રતિકૂળતાને પડકાર આપવા સાધુત્વનો માર્ગ સ્વીકારવા 20મી ફેબ્રુઆરીના, મહારાષ્ટ્રના મુંબઈથી 70 કિ.મી. દૂર પડઘા ક્ષેત્રમાં સ્થિત પરમધામ સાધના સંકુલમાં  ભાગવતી જૈન દીક્ષા ગ્રહણ કરશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ અનેક સંત-સતીજી સાંનિધ્યે આ અવસરે, આ દિક્ષા મહોત્સવની પરમ પાવનકારી એક એક ક્ષણના સાક્ષીદાર બનવા ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 108થી વધુ સંઘો, અમેરિકાની ‘જૈના’ સંસ્થાના 70થી વધુ સેન્ટર્સ, દેશ-વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, કેનેડા, યુગાન્ડા, દુબઈ, સિંગાપોર, મલેશિયા, આબુધાબી, આદિ ક્ષેત્રોના મળીને 30 લાખથી વધુ ભાવિકો અંતરના અહોભાવ અને ભક્તિભાવ સાથે જોડાઈ જવા તત્પર બની રહ્યાં છે.

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર- ધૃવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતા કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતા તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ દીનેશકુમાર ચુનીલાલ મોદી લઈને ધન્ય બન્યા છે.

કાલે મંગલ દિવસે નવ-નવ આત્માઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને આત્મ અહિતકારી એવા અવગુણોથી પાછા ફરી આત્મગુણોના માર્ગ પર પ્રયાણ કરવા ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરશે. ત્યારે તે સર્વ સંઘ પરિત્યાગના શુભ દિવસે સવારના 8 કલાકે, સંસારની અંતિમ યાત્રા ‘મહાભિનિષ્ક્રમણ યાત્રા’ સાથે પ્રારંભ થશે દીક્ષા મહોત્સવ વિવિધ વિધિઓ યોજાશે.

વહેલી સવારે દિક્ષાર્થીઓની સંસારથી સંયમ તરફ લઈ જતી મહાભિનિષ્ક્રમણ યાત્રાના આયોજન સાથે, પરમધામના પ્રાંગણમાં રચાયેલાં વિશાલ પરમ પટાંગણમાં દિક્ષાર્થીઓની સંસારી અવસ્થામાં અંતિમવાર ભાવ અભિવ્યક્તિ થશે, સંયમની ઝંખના સાથે રજોહરણ પ્રાપ્તિની યાચના કરશે. સંયમ યાત્રામાં મોક્ષ મુક્તિને વરેને વિજયી બને તે ભાવ સાથે લાભાર્થીઓના હસ્તે દીક્ષાર્થીના ભાલ પર વિજય તિલક બાદ, રંગીન વસ્ત્રો અને સાજ શણગારને ત્યજી પ્રભુનો વેશ ધારણ કરવા દોટ મૂકીને અંતરના ઉત્કૃષ્ટ સંયમ તડપના અદભૂત દ્રશ્યો દ્રશ્યમાન થશે.

રંગીન વસ્ત્રના પરિત્યાગ સાથે, મસ્તકના વાળનું મુંડન કરાવીને, મુંડિત મસ્તકે, મુખ પર મુખ વસ્ત્રિકા અને દેહ પર શ્વેત વસ્ત્ર સ્વરૂપ પ્રભુનો વેશ-પછેડી ધારણ કરીને પધારનારા પ્રશમરસના ભાવોમાં લીન મુમુક્ષુ આત્માઓને આ અવસરે પરમ ગુરુદેવ બ્રહ્મનાદ પ્રગટ કરીને પોતાના શ્રીમુખેથી દીક્ષા મંત્રના કલ્યાણ દાન અર્પણ કરીને પ્રવર્જિત કરશે.

એ સાથે જ, સર્જાશે એવા દિવ્ય દ્રશ્યો જયારે સાધુ જીવનના ક્ષણ ક્ષણના સાથીદાર, જીવરક્ષાના ઉપકરણ એવા દિવ્યતાના વરદાન સમા રજોહરણના દિવ્ય દાન પરમ ગુરુદેવના હસ્તે નૂતન દીક્ષિત આત્માઓને અર્પણ કરવામાં આવશે. સંસારની દરેક સ્મૃતિને વિસ્તૃત કરાવતી આ સંયમ સાધનામાં સાધકનું સંસારી નામ માત્ર પણ પરિવર્તિત કરી દેવામાં આવે છે. તેથી નૂતન દીક્ષિત સંત-સતીજીને નૂતન નામ અર્પણ કરવામાં આવશે.

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનું આયોજન પરમધામ સાધના સંકુલ, વાલકસ ગામ, પડઘા ટોલનાકા પછી, મુંબઈ નાસિક હાઇવે, તાલુકો – કલ્યાણ, જીલ્લો – ઠાણે, મહારાષ્ટ્ર ખાતે સવારના 8:30 કલાકથી કરવામાં આવ્યું છે. આ દીક્ષા મહોત્સવમાં પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈ જવા દરેક ધર્મપ્રિય ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

અરિહંત, સોહમ અને આદિનાથ ચેનલ સાથે યૂટ્યૂબ, ફેસબુક અને ઝૂમ લાઈવ પર પણ દીક્ષા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.