Abtak Media Google News

વતન પહોંચી માછીમારોએ ગુજરાત સરકારને પાઠવ્યા અભિનંદન

કલેકટર અજય પ્રકાશ સાથે વિડિયો કોલથી કરી વાત

ગુજરાત લગભગ ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયાકાંઠે ધરાવે છે. દેશના આ પશ્વિમ કાંઠે મત્સ્યોદ્યોગ ખૂબ જ સારો વિકસ્યો છે. જેના કારણે અહીં ફીસીંગ માટે અને તેની સાથે સંકળાયેલા ખલાસી જેવા કામો માટે અન્ય રાજયોમાંથી રોજગારી અર્થે અનેક લોકો આવે છે. કોરોનાની મહામારી ફેલાતા દેશભરમાં લોકડાઉન થયું જેના પગલે બધા જ ધંધા – રોજગાર અને કામો બંધ થયા. રોજગાર – ધંધા બંધ થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠે અન્ય રાજયોમાંથી પેટિયુ રળવા આવેલા અનેક લોકોને ફરજીયાત રોકાણ કરવું પડયું.

આવા સમયમાં આંધ્રપ્રદેશ રાજયમાંથી ખલાસી તરીકે આવેલા અનેક લોકો વતન જઈ ન શક્યા. પરંતુ ગુજરાત સરકાર અને સ્થાનિક ગીર સોમનાથ જિલ્લાના પ્રશાસને સંનિષ્ઠ પ્રયાસો કર્યા જેથી આ પર પ્રાંતિયો આજે તેમના વતન – ઘર સુધી પહોંચ્યા છે. તેઓ વતન પહોંચ્યા પછી જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ સાથે વિડીયો કોલથી વાત કરી ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ વિડીયો કોલમાં કલેકટરને જણાવ્યું હતુ કે, ‘‘ ગુજરાત સરકારે અમારા જેવા પર પ્રાંતિયોની પણ પુરતી સંવેદના સાથે ચિંતા કરી અમને અમારા વતન સુખરૂપ પહોંચાડયા છે. પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. ગુજરાત સરકારનો આ સંનિષ્ઠ પ્રયાસ અમે જીવનભર નહિ ભૂલીએ.’’
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહયું છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં અન્ય રાજયોના લોકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકારે કરેલા નિર્ણયના પગલે ગીર સોમનાથ અને વેરાવળ બંદરમાં ફસાયેલા આંધ્રપ્રદેશના ખલાસીઓને ગત દિવસોમાં બસ મારફતે તેમના વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ખલાસી ભાઈઓ આંધ્રપ્રદેશ વતન પહોંચી જતા તેમણે તેમના વતનથી વિડિયો કોલના માધ્યમથી ગીર સોમનાથ કલેકટરશ્રી સાથે વાત કરી કોરોના મહામારીના આવા કપરા સમયમાં પણ ગુજરાત સરકારે તેમના માટે કરેલી વિશેષ સુવિધા બદલ ગુજરાત સરકારનો ખાસ આભાર માન્યો હતો.

Screenshot 3

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના લ્પ્પિલી ગામના રહેવાસી અને વેરાવળમાં માછીમારી સિઝનમાં ફિશીંગ બોટમાં ખલાસી તરીકે આવતા છીએકટી દાનયએ બોટ એસોસીએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, મારે કલેકટરશ્રી સાથે વિડિયો કોલ કરી ગુજરાત સરકાર અને વહિવટીતંત્રને અભિનંદન પાઠવવા છે. ત્યારબાદ છીએકટી દાનયએ વિડિયો કોલના માધ્યમથી કલેકટરશ્રી સાથે વાતચીત કરી તેમને વતન પહોંચાડવા માટે કરવામાં આવેલ વ્યવસ્થાથી ગદ્દગદ્દીત સ્વરે જણાવ્યું હતુ કે, આંધ્રપ્રદેશના તમામ ખલાસીઓ ગુજરાત સરકાર, કલેકટરશ્રી અજયપ્રકાશ, તુલસીભાઈ ગોહેલ, માછીમાર સમાજના આગેવાનો, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી અને અમને મદદ કરનાર તમામ લોકોને દિલથી યાદ કરીએ છીએ. ગુજરાત સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને અમે બધા ખલાસીભાઈઓ કયારેય ભૂલી નહી શકીએ.

Screenshot 4

જિલ્લા કલેકટરશ્રીએ ખલાસી છીએકટી દાનયના ખબર અંદાજ પુછતા કહ્યું હતું કે, કેમ છો ? તમે સુરક્ષિત પહોંચી ગયા છો ને ? સરકાર અને અમે વહિવટીતંત્ર આપના માટે છીએ. આપને સુરક્ષિત પહોંચાડવાની અમારી જવાબદારી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, વેરાવળ બંદરમા ૬૧૦ જેટલી ફિશીંગ બોટમાં ફિશીંગ કરવા માટે આવેલા આંધ્રપ્રદેશના ૪ હજારથી વધુ ખલાસીઓ લોકડાઉનના કારણે વેરાવળ બંદરે ફસાયેલા હતા. આ તમામ ખલાસીઓના આરોગ્યની ત્રણ વખત તપાસ કરવામાં આવી હતી. તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આ તમામ ખલાસીઓને તેમના વતન મોકલવા માટે તા. ૨૮ માર્ચના રોજ ૫૦ થી વધુ ખાનગી બસને સેનેટાઈઝ કરી તેમાં તેમને તેમના વતન જવા રવાના કરાયા હતા. બસમાં મુસાફરી દરમ્યાન ખલાસીઓ માટે પાણી, નાસ્તો અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.