Abtak Media Google News

વિશ્વમાં કોરોના મહામારી અંતર્ગત દેશમાં લોકડાઉન અમલમાં છે. કોવીડ-૧૯ સામેની લડાઇમાં ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉન અમલી છે. લોકડાઉનની અવધિ સરકાર દ્વારા વધારવામાં આવી છે. તા. ૪ મે થી તા. ૧૭ મે સુધી ત્રીજા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશ દ્વારા કરેલા જાહેરનામા ત્રીજા લોકડાઉન સુધી અમલમાં રહેશે. ત્રીજા તબક્કાના લોકડાઉનમાં લગ્ન માટે ૨૦ વ્યક્તિઓની મંજુરી શરતોને આધીન ઇન્સીડન્ટ કમાન્ડર દ્વારા મળી શકશે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. મેડીકલ, દુધપાર્લર, દવાની દુકાનો વધુ સમય માટે ખુલી રાખી શકાશે.

ગીર-સોમનાથ જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થયેલ છે. જેના કારણે હવે નગરપાલિકા વિસ્તાર હેઠળ ઉદ્યોગો ભારત સરકારના તા. ૧લી મેના હુકમને ધ્યાને રાખી સલામતી ધોરણનું પાલન કરવાની શરતે સબંધિત ઇન્સીડન્ટ કમાન્ડર પાસેથી મંજુરી મેળવી શકાશે. ટુ વ્હીલરમાં ૧+૧ બે વ્યક્તિઓ અને ફોરવ્હીલરમાં ૧+૨ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે.
આપણાં જિલ્લાનાં ત્રણ પોઝીટીવ કેસ સંપૂર્ણ સ્વસ્થ થતા જિલ્લો કોરોનામુક્ત બનેલ છે. સાંજના ૦૭:૦૦ થી સવારના ૦૭:૦૦ સુધી અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જિલ્લાનાં લોકોના સહકાર અને સંયમના કારણે કોરોના સંક્રમણને અટકાવવાં સારી કામગીરી થઇ રહી છે. લોકડાઉનની મુદત તા. ૧૭ મે સુધી વધારતા લોકો વધુ બે અઠવાડીયા જિલ્લાતંત્રને સાથ સહકાર આપે અને લોકો પોતાના ઘરે રહે, કામ વગર બહાર ન નિકળે અને સુરક્ષિત રહે તેમ કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.