Abtak Media Google News

રાજકોનાં પૂર્વ મેયર વજુભાઈ વાળા કર્ણાટકનાં રાજયપાલ તો વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા

કોર્પોરેટર બન્યા બાદ મનસુખભાઈ જોષી, ઉમેશ રાજયગુરુ, ગોવિંદભાઈ પટેલે રાજય સરકારનાં મંત્રી સુધીની સફર ખેડી: ધનસુખ ભંડેરી અને નરેન્દ્ર સોલંકી બોર્ડ નિગમમાં ચેરમેન: સ્વ.ચીમનભાઈ શુકલ અને હરીભાઈ પટેલ દિલ્હી દરબાર સુધી પહોંચ્યા

સ્વ.અરવિંદભાઈ મણિયાર, સિઘ્ધાર્થ પરમાર, ઈન્દ્રનીલ રાજયગુરુ અને અરવિંદ રૈયાણી નગરસેવકથી લઈ ધારાસભ્ય સુધીની રાજકિય કારકિર્દી ઘડી

લોક સેવા અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે રાજકારણમાં ઝંપલાવનાર નેતાઓ માટે રાજકોટ એક બુસ્ટર ડોઝ અને આદર્શ પ્લેટફોર્મ સમાન સાબિત થાય છે. જેમાં નેતાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખરેખર સુક્ધયાળ સાબિત થઈ રહી છે. નગરસેવક તરીકે ચુંટાયા બાદ નેતાઓએ રાજયપાલ, મુખ્યમંત્રી, મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય અને બોર્ડ નિગમનાં ચેરમેન સુધીની સફર સફળતાપૂર્વક ખેડી છે. એક-બે નહીં પરંતુ મહાપાલિકાનાં ૧૩ નગરસેવકો એવા છે જે રાજનીતિમાં ટોચ પર પહોંચ્યા છે અને રાજકોટનું નામ પણ રોશન કર્યું છે.

હાલ કર્ણાટકનાં રાજયપાલ તરીકે ફરજ બજાવતાં વજુભાઈ વાળા રાજકોટ મહાપાલિકાની પ્રથમ નિયુકિત બોર્ડનાં સભ્ય હતા. તેઓ સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન અને મેયર પણ રહી ચુકયા છે. રાજકોટનાં ધારાસભ્ય અને રાજય સરકારનાં નાણામંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો વજુભાઈ વાળા રેકોર્ડ ધરાવે છે અને છેલ્લાં અઢી વર્ષથી કર્ણાટકનાં રાજયપાલ તરીકે સફળતાપૂર્વક જવાબદારી વહન કરી રહ્યા છે. ૧૯૮૭માં મહાપાલિકાનાં સભ્ય ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને મેયર બનેલા વિજયભાઈ રૂપાણી હાલ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન મુખ્યમંત્રી તરીકે તેઓએ અનેક લોકઉપયોગી કામો કરી રાજકોટનું નામ રોશન કર્યું છે.

વિજયભાઈ મહાપાલિકામાં સૌથી વધુ સમય સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનપદે રહેવાનો પણ રેકોર્ડ ધરાવે છે. ૧૯૭૫માં કોર્પોરેશનની પ્રથમ ચુંટણીમાં નગરસેવક તરીકે ચુંટાયેલા ચીમનભાઈ શુકલએ હજારો કાર્યકરોમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. એક થી એક ચઢીયાતા નેતાઓ બનાવવાની પાઠશાળા મનાતા ચીમનકાકાએ કોર્પોરેટરથી લઈ રાજસભાનાં સભ્ય સુધીની સફર ખેડી હતી. મનસુખભાઈ જોશીની વાત કરવામાં આવે તો તેઓ મહાપાલિકાનાં સભ્ય હતા. આ ઉપરાંત તેઓ મ્યુનિપિલ બરો વખતે પ્રમુખની જવાબદારી નિભાવતા હતા તેઓ રાજય સરકારમાં શ્રમ, રોજગાર અને ગૃહ રાજયમંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુકયા છે.

રાજકોટનાં ભૂતપૂર્વ મેયર અરવિંદભાઈ મણિયારે નગરસેવક બન્યા બાદ ધારાસભ્ય તરીકેની સફર ખેડી હતી તો ૧૯૮૧માં કોર્પોરેટર પદે ચુંટાયેલા અને બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકે સતત ૬ વર્ષ સુધી જવાબદારી નિભાવનાર હરીભાઈ પટેલે દિલ્હી સુધીની સફર ખેડવામાં સફળ રહ્યા હતા. તો ૧૯૮૭માં કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેનપદે આરૂઢ થયેલા ઉમેશ રાજયગુરુની રાજકિય કારકિર્દીને મહાપાલિકા થકી જ બુસ્ટર ડોઝ મળ્યો હતો. તેઓ રાજકોટ-૧ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ રાજય સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.

૧૯૮૭માં મહાપાલિકાનાં કોર્પોરેટર અને ત્યારબાદ ડે.મેયર બનેલા ગોવિંદભાઈ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી રાજકોટ દક્ષિણ બેઠકનાં ધારાસભ્ય છે. તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલની સરકારમાં રાજયકક્ષાનાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુકયા છે. ૧૯૯૫માં કોર્પોરેટર અને ત્યારબાદ મહાપાલિકાની સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન બનેલા સિઘ્ધાર્થ પરમાર પણ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય બની ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.

૧૯૯૫માં રાજકોટ મહાપાલિકાનાં નગરસેવક બનેલા ધનસુખભાઈ ભંડેરીએ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અને મેયર તરીકે સફળતાપૂર્વક જવાબદારી વહન કર્યા બાદ હાલ તેઓ રાજય સરકારનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે તો મહાપાલિકાનાં પૂર્વ ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી પણ હાલ રાજય સરકારનાં પછાત વિકાસ નિગમ બોર્ડનાં ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. ૨૦૧૦ અર્થાત છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવતા અરવિંદભાઈ રૈયાણી શાસક પક્ષના નેતા અને દંડક તરીકેની તેઓની કામગીરીની નોંધ લઈ ગત વિધાનસભાની ચુંટણીમાં પક્ષે તેઓને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ટીકીટ આપી હતી.

અને તેઓ આ બેઠક કોંગ્રેસનાં કબજામાંથી આંચકી લેવામાં સફળ બન્યા હતા અને હાલ તેઓ ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે સાથો સાથ વોર્ડ નં.૫નાં નગરસેવક એમ બેવડી ભૂમિકા અદા કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં કોંગ્રેસનાં કોર્પોરેટર તરીકે ચુંટાયા બાદ ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન બનેલા ઈન્દ્રનીલ રાજયગુરુને પણ ધારાસભ્ય બનવાનો યોગ પ્રાપ્ત થયો હતો. રાજકીય કારકિર્દી બનાવવા ઈચ્છુક નેતાઓ માટે રાજકોટ મહાપાલિકા ખરાઅર્થમાં એક પ્લેટફોર્મ સાબિત થઈ રહી છે. નગરસેવક બન્યા બાદ રાજયોગ ખુલતાં હોય તેમ એક-બે નહીં પરંતુ પુરા ૧૩ કોર્પોરેટરોએ રાજયપાલ, મુખ્યમંત્રી, મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય અને બોર્ડ નિગમનાં ચેરમેન બનવા સહિતની સફર સફળતાપૂર્વક પાર કરી છે અને હાલ અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.