Abtak Media Google News

રૂ.૧૦ હજારથી લઈને ૧ લાખ સુધીના ખર્ચમાં થતા મેજર તેમજ માઈનોર ગણાતા ૨૩૭૪ ઓપરેશનો કરાયા.

આરોગ્ય વિભાગ દ્રારા ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે અધતન સાધન સુવિધાથી સજ્જ સરકારી હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તાર સાથે ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની છે. છેલ્લા ૧૦ માસમાં આ હોસ્પિટલમાં નિષ્ણાંત તબિબો દ્રારા ૧,૫૯,૦૭૪ બહારના દર્દીઓ તરીકે અને ૧૧૧૫૪ ઈન્ડોર પેશન્ટ એમ કુલ ૧,૭૦,૨૨૮ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ આપવામાં આવી છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ૧૦ હજાર થી એક લાખ સુધી થતાં મેજર અને માઇનોર ૨૩૭૪ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલની આરોગ્ય વિષયક સેવાઓની વિગતો આપતાં હોસ્પિટલના અધિક્ષક અને મનોરોગ નિષ્ણાંત ડો. જીજ્ઞેશ પરમારે કહ્યું કે, આ હોસ્પિટલમાં જનરલ સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાંત, એનેસ્થેટીક, કાન, નાક ગળાના સર્જન, બાળરોગ નિષ્ણાંત, મનોરોગ નિષ્ણાંત, ઓર્થોપેડીક સર્જન, ડેન્ટલ સર્જન, નેત્ર સર્જન, ફીઝીશ્યન, ચર્મ રોગ નિષ્ણાંત સહિતના નિષ્ણાંત તબિબો તેમની સેવાઓ આપે  છે. ઉપરાંત ૬ તબીબી અધિકારી પણ સરકારી હોસ્પીટલમાં સેવારત છે. જેમના દ્રારા ઈન્ડોર અને આઉટડોર પેશન્ટને સારવાર આપવા સાથે નિષ્ણાંત તબિબો દ્રારા માઈનોર અને મેજર ઓપરેશન કરવામાં આવે છે.

હોસ્પિટલ ખાતે એક્સે-રે, સોનોગ્રાફી, ઈ.સી.જી, લેબોરેટરી, સહિત ઓપરેશન થીયેટરની આધૂનિક સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત તાજેતરમાં ડાયાલીસીસ માટે પાંચ યુનીટ શરૂ કરવામાં આવ્યા છે. એક્સ-રે વિભાગ દ્રારા ૪૦૯૫ તેમજ ઈસીજી ૩૨૮૫ અને ૧,૪૨,૪૧૫ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુટુંબ નિયોજનના ૪૦૧ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. ફીજીયો થેરાપીની ૬૧૧૯ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે.

ડો.પરમારે વધુમાં જણાવ્યું કે, મા યોજના અંતર્ગત સરેરાશ દરરોજ ૨૦ થી ૨૫ નવા કાર્ડ કાઢી આપવામાં આવે છે તેમજ ટી.બી.ના સરેરાશ દરરોજ બે કેસ નોટીફાઇડ થાય છે. ટી.બી.ના. આ દર્દીઓને પ્રધાનમંત્રી યોજનાં અંતર્ગત દર માસે રૂ.૫૦૦ સહાય ચૂકવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.