Abtak Media Google News

પાણીરૂમમાં ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી અરજદારો માત્ર જોઇને જ તરસ છીપાવી લે છે ! તંત્ર અજાણ ?

જનસેવા કેન્દ્રમાં એક જ ઓપરેટર હોવાથી લોકો કાળઝાળ ગરમીમાં રેબઝેબ : અરજદારોમાં રોષ

હળવદની મામલતદાર કચેરીમાં અનેક સમસ્યાઓની ભરમાર વર્તાઈ રહી છે જેમાં ખાસ કરીને પાણીની સુવિધા નહીવત હોતાં ગ્રામ્ય પંથકમાંથી આવતા અરજદારોને કચેરીની બહાર તરસ્યા ભટકવું પડે છે એટલું જ નહીં ૭/૧૨ ૮અ ની નકલો કઢાવવા આવતા ખેડૂતોને મોટી મોટી લાઇનોમાં તરસ્યા ઉભા રહીને તડકામાં સેકાવું પડે છે. આમ તંત્રના પાપે રઝડતા અરજદારોની તકલીફ કયારે દૂર થશે તેવું રોષ ઉઠવા પામ્યો છે.

હળવદની મામલતદાર કચેરીએ આવતા તગડા પગારદારો પોતાના કામ આળોટી નિકળી જાય છે જયારે અરજદારોની સમસ્યાઓ નજર સામે હોવા છતાં નજર અંદાજ કરી છટકી જાય છે. હળવદની મામલતદાર કચેરીએ ૭/૧૨ ૮અ નકલો કઢાવવા માટે અરજદારો કાળઝાળ ગરમીમાં લાઈનોમાં ઉભા રહીને સેકાવું પડે છે, ૭/૧૨ ૮અ માટે એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે.

તો બીજી તરફ મામલતદાર કચેરીમાં પાણીના નળ બંધ હાલતમાં હોવાથી અરજદારો તરસ્યા રહે છે તેમજ મામલતદાર કચેરીએ આવતા વાહન ચાલકો આડેધડ વાહન પાર્ક કરે છે આવી અનેક સમસ્યાઓની જાણે કચેરીમાં ભરમાર છવાઈ હોય તેમ દ્રશ્યમાન થાય છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ગ્રામ્ય પંથકમાંથી રાશન કાર્ડ, ચુટણી કાર્ડ, ૭/૧૨, ૮-અ કઢાવવા અરજદારો મોટી સંખ્યામાં હળવદ મામલતદાર કચેરીએ આવતા હોય છે ત્યારે જનસેવા કેન્દ્રમાં ખેડૂતોને લાઇનમાં ઉભુ રહીને આકરા તાપમાં સેકાવું પડતું હોય છે તેમજ કચેરીની અંદર પાણીરૂમમાં આવેલ આર.ઓ. પ્લાન્ટ બંધ હાલતમાં ધૂળ ખાઇ રહ્યો છે. આ અંગે તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન ધરી રહ્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સરકારની “વીજળી બચાવો” અભિયાનને ધોળીને પી જતાં સરકારી બાબુઓ !

એક બાજુ કેન્દ્ર સરકાર દ્વારા એલ.ઈ.ડી. બલ્બની જાહેરાત કરી વીજળી બચાવવા અભિયાન ચલાવામાં આવે છે અને બીજી બાજુ સરકારી બાબુઓ કચેરીની ઓફિસમાં ગેરહાજરી દાખવી પંખા ચાલું મુકીને ચાલ્યા જાય છે. સરકારી બાબુઓ આવા અભિયાનને ધોળીને પી જવામાં માનતા હોય તેમ હળવદની મામલતદાર કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં ચાલુ પંખા ગવાહી આપે છે.

જરૂર જણાશે તો વધુ એક ઓપરેટર મુકાશે : નાયબ મામલતદાર

આ અંગે ઈન્ચાર્જ મામલતદાર ધીરૂભાઇ સોનગ્રાએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં પાણીનું કનેક્શન આપેલું નથી. નગરપાલિકા દ્વારા પાણીના ટાંકા નાખી જાય છે અને ટુંક સમયમાં નગરપાલિકા દ્વારા જોડાણ આપી પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે. તેમજ જરૂર જણાશે તો ૭/૧૨, ૮-અના નકલો માટે નવા ઓપરેટરો ફાળવવામાં આવશે અને અરજદારો માટે ઠંડાપાણીની કેરબા હાલ મુકવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.