Abtak Media Google News

ઋષિ મહેતા

ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે ત્યારે તમને અચાનક જ ખબર પડે કે તમને જે વરીયાળી આપવામાં આવતી હતી તે ભેળસેળયુક્ત હતી ત્યારે તમે આશ્ચર્ય ચકિત થઈ જશો !! આવી જ એક ઘટના હળવદમાં ઓરકાશમાં આવી છે જેમાં અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનાથી માનવ સ્વાસ્થ્યને નુકશાનકારક કેમિકલયુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળીના ૧.૧૨કરોડના જંગી જથ્થા સાથે એક આરોપીની મોરબી એલસીબીએ અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના હળવદની છે જ્યાં મોરબી એલસીબી પોલીસ ટીમને મળેલ ખાનગી બાતમીને આધારે, હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ નંબર-૩,૪ માં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રેઇડ કરતા હીતેશભાઇ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ, કિશોરભાઇ ઠકકર, વસુન્ધા એરીયા ગાજીયાબાદ (ઉપ્ર.)પાસેથી આધાર બીલ વગરનો માનવ સ્વાસ્થ્યને નુકશાનકારક કેમીકલયુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી તથા સાદી વરીયાળીનો જથ્થો તથા કેમીકલ યુકત પાવડર મળી કુલ કી.રૂ. ૧,૧૨,૮૨,૧૫૦ નો મુદામાલ મળી આવતા શંકાસ્પદ મિલકતની સીઆરપીસી કલામ 102 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પકડાયેલ આરોપી છેલ્લા બે એક વર્ષથી હળવદ વિસ્તારમાં કારખાનુ/ગોડાઉન ભાડે રાખી માર્કેટીંગ યાર્ડમાંથી ખેડુતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદ કરી તેમાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલયુકત પાવડરની ભેળસેળ કરી ઉંચા ભાવે વેચવા માટે પેકીંગ કરી બહારના રાજયમાં વરીયાળીનુ વેચાણ કરતો હતો.

 

પોલીસના દરોડા દરમિયાન આરોપીના ગોડાઉનમાંથી કેમીકલ યુકત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી ૪૯,૧૩૦ કી.ગ્રા. કી.રૂ. ૧,૦૦,૭૧,૬૫૦, સાદી વરીયાળી ૬૪૦૦ કી.ગ્રા. કી.રૂ. ૧૦,૨૪,૦૦૦ કેમિકલયુકત અલગ અલગ કલરનો પાવડર ૩૦૨૫ કી.ગ્રા. કી.રૂ. ૧,૮૧,૫૦૦, એક મોબાઇલ ફોન કી.રૂ. ૫,૦૦૦ મળી કુલ કી.રૂ. ૧,૧૨,૮૨,૧૫૦ નો મુદામાલ કબજે કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.