શેરબજારમાં સુનામી: સેન્સેકસમાં 1000 પોઈન્ટનો તોતિંગ કડાકો

નિફટી પણ પડીને પાદર: બેંક નિફટી અને નિફટી મિડકેપમાં પણ જબરૂ ધોવાણ: અમેરિકી ડોલર સામે ભારતિય રૂપિયો 22 પૈસા તૂટ્યો

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજીને આજે અચાનક બ્રેક લાગી જવા પામી હતી. ગત સપ્તાહે 60,000ની સપાટી ઓળંગી નવુ શિખર સર કરનાર સેન્સેકસ આજે 1000થી વધુ પોઈન્ટ પટકાયો હતો. નિફટી પણ પડીને પાદર થઈ ગઈ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ જબરૂ ધોવાણ થયું હતું. ઉંચા મથાળે વેંચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં તોતિંગ કડાકો બોલી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

ગઈકાલે ઉઘડતા સપ્તાહે સેન્સેક્સે તોતિંગ ઉછાળા સાથે 60,412.32ની સર્વોચ્ચ સપાટી હાસલ ર્ક્યા બાદ વેંચવાલીનું દબાણ વધતા માર્કેટમાં મંદીનો ઓછાયો જોવા મળ્યો હતો. આજે પણ બજાર સતત મંદીમાં કામ કરતું નજરે પડ્યું હતું. એક તરફી તેજી બાદ આજે શેરબજારમાં 1200થી વધુ પોઈન્ટની અફરાતફરી જોવા મળી હતી.

ઈન્ટ્રા-ડેમાં આજે સેન્સેકસે 60,288.44ની સપાટી હાસલ કર્યા બાદ એક તબક્કે માર્કેટ 59,081ના લેવલ પર પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે, આજે જ સેન્સેકસ 59000ની સપાટી તોડી નાખશે. ઉંચા મથાળે વેંચવાલીના કારણે બજારમાં છેલ્લા બે ટ્રેડીગ સેશનથી મંદી જોવા મળી રહી છે. ઈન્ટ્રા-ડેમાં નિફટી પણ 17912.85ની હાઈ સપાટીએ પહોંચ્યા બાદ 17586.44ના તળીયે આવી ગઈ હતી.

બજારમાં સતત ઘટાડો ચાલુ રહેતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ આજે પડીને પાદર થઈ ગયો છે. બેંક નિફટીમાં પણ 800 પોઈન્ટનો કડાકો બોલી ગયોહતો. જ્યારે નિફટી મિડકેપ 100 ઈન્ડેક્ષ પણ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. આજે બજારમાં જોવા મળેલી ભયંકર મંદીમાં પણ પાવર ગ્રીન કોર્પો., એનટીપીસી, કોલ ઈન્ડિયા, આઈઓસી સહિતની કંપનીઓના શેરોના ભાવમાં 5 ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો.

જ્યારે ભારતી એરટેલ, ડેવીસ લેબ, બજાજ ફાય. અને ટેક મહિન્દ્રા જેવી કંપનીના શેરના ભાવ 5 ટકા સુધી તૂટ્યા હતા. ગત સપ્તાહે સેન્સેક્સે 60,000ની સપાટી ઓળંગ્યા બાદ બજારમાં થોડુ ઘણુ કરેકશન આવશે તેવું જાણકારો માની રહ્યાં હતા. પરંતુ એક જ દિવસમાં 1200થી વધુ પોઈન્ટની અફરા-તફરી થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી.

આ લખાય છે ત્યારે સેન્સેકસ 1003 પોઈન્ટના ઘટાડા સાથે 59074 અને નિફટી 272 પોઈન્ટના કડાકા સાથે 17582 પર કામ કાજ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 22 પૈસાની નબળાઈ સાથે 74.6 પર ટ્રેડ કરી રહ્યો છે. સામાન્ય રીતે શેરબજારમાં મંદી હોય ત્યારે બુલીયન બજારમાં તેજી રહેતી હોય છે પરંતુ આજે આશ્ર્ચર્યજનક રીતે શેરબજાર સાથે બુલીયન બજારમાં પણ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીના ભાવમાં પણ કડાકા બોલ્યા હતા.