Abtak Media Google News

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની અસર તળે સેન્સેક્સ અને નિફટીએ લાઇફટાઇમ હાઇ સપાટી હાંસલ કરી: રોકાણકારોને બખ્ખા.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતાને પગલે આજે શેરબજારમાં રીતસર તેજીની સુનામી આવી હતી. નિફટીએ પ્રથમવાર ૯૦૦૦ની સપાટી કૂદાવી હતી તો સેન્સેક્સે પણ નવી લાઇફટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી. રોકાણકારોના બખ્ખા બોલી ગયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૨૩ અને નિફટી ૧૫૭ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ટ્રેડ કરી રહી છે.

શનિ, રવિની રજા અને સોમવારે ધુળેટીની જાહેર રજા બાદ આજે ત્રણ દિવસની રજા પછી ખુલેલા શેરબજારમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીના પરિણામોની અસર વર્તાશે તેવી સંભાવના સેવાઇ રહી હતી. રોકાણકારોની અપેક્ષા આજે સાચી ઠરી હતી અને મંગળવારનો દિવસ ભારતીય શેરબજાર માટે ખરા અર્થમાં મંગળ સાબિત થયો હતો. સેન્સેક્સ અને નિફટી તોતિંગ ઉછાળા સાથે ખુલ્યા હતા. તમામ સેકટરોના ઇન્ડેક્સમાં આજે તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો .નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ નિફટીએ આજે પોતાના તમામ રેકોર્ડ તોડતા પ્રથમવાર ૯૦૦૦ની સપાટી ઓળંગી હતી તો સેન્સેક્સ પણ ૩૦,૦૦૦ સુધી પહોંચી ગયો હતો. ઓઇલ એન્ડ ગેસ, સુગર, બેન્કીંગ, રીયલ એસ્ટેટ સહિતના સેકટરોમાં આજે ભરખમ ઉછાળા જોવા મળ્યા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૨૩ પોઇન્ટના ઉછાળા સાથે ૨૯૪૬૯ અને નિફટી ૧૫૭ પોઇન્ટના ઉછાળા સાથે ૯૦૯૨ પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.