Abtak Media Google News

મહેસુલ તંત્રએ દલાતરવાડી બની જમીનની લ્હાણી કરવા પ્રકરણમાં જિલ્લા પંચાયત સુધી ફરિયાદનો મારો તા નવાજૂનીના એંધાણ

સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર મહેસુલ વિભાગના ચકચારી લોઠડા જમીન કૌભાંડમાં રાતોરાત ૫૧ એકર જમીનની લ્હાણી કરી કળા કરનારાઓ બદલી થઈને જતાં રહ્યાં બાદ હવે કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતમાં લોઠડાકાંડ જોરશોરી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સોનાની લગડી જેવી હાઈવે ટચની જમીન હસ્તગત કરી લીધા બાદ હવે બિનખેતી કરાવ્યા વગર જ તિરૂમાલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટના નામે કૌભાંડીયા તત્ત્વોએ જમીનનું વેંચાણ શરૂ કરતા આ પ્લોટ ખરીદનારાઓને ભવિષ્યમાં છેતરપિંડીનો ભોગ બનવું પડે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. કારણ કે આ મામલે કાનૂની વિવાદની શકયતા વચ્ચે ૩-૩ માલીકો કાગળ ઉપર જ ફરી ગયા હોય અહીં રોકાણ કરનારાઓને રોવાનો વારો આવે તેવી સ્થિતિ પેદા થઈ છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ પડધરી તાલુકાના ખીજડીયા ગામના રાજવીના વારસદારોને જમીન આપવાના નામે મહેસુલ વિભાગ અને રાજકીય વગદારોએ મોટો ખેલ પાડી દઈ કોડીની કિંમતની ખીજડીયા ગામની જમીનની સામે દાયકાઓ બાદ અચાનક જ રાજવી પરિવાર ઉપર જાણે પ્રેમ ઉભરાઈ ગયો હોય તેવી નીતિ અપનાવી ફટાફટ મંજૂરીની મહોર મારી રાજકોટ-કોટડા સાંગાણી હાઈ-વે ટચની લોઠડા ગામની મોકાની જમીન ફાળવવા હુકમ કરી દીધો હતો.

બીજી તરફ મહેસુલ વિભાગની ખાસ સુચનાને પગલે રાતો-રાત ખનખનીયા ગજવા ભેગા કરી દલાલની ભૂમિકામાં રહેલા શખ્સો જયાં આંગણી મુકે ત્યાંની જમીન માપી દેવા માટેના આદેશનું પાલન કરી જિલ્લા પૂર્વ ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર કચેરીના લાગતા-વળગતા અધિકારીઓ ઉપરાંત ડીઆઈએલઆર કચેરીના સર્વેયરોએ પણ મોજ પડે તેવા ભ્રષ્ટાચારનું પેકેજ હાથ વગુ કરી રાતોરાત કમીજાસ્તી પત્રકો તૈયાર કરી દીધા હતા જેના આધારે રાજકોટ મામલતદાર કચેરીમાં રાજવી પરિવારના નામે ૭/૧૨ના પાનીયા પણ બની ગયા હતા.

દરમિયાન ઉંચા પોટેન્સીયલવાળી રાજકોટ નજીકની અને રૂડા બહારની લોઠડા ગામની જમીન પસંદ કરવામાં પણ રાજકીય માણસો અને ઉચ્ચ મહેસુલી અધિકારીઓએ સોગઠી મારી દઈ એક સો ૫૧ એકર જગ્યા ફાળવવાના બદલે ગોંડલ પંકના એક નેતાના ઈશારે જયાં જયાં મોકાની જગ્યા જણાય તેવી હાઈ-વે ટચની જમીનની માપણી કરાવી લીધી છે અને હાલમાં બિનખેતી કરાવ્યા વગર જ તિરૂમાલા ઈન્ડસ્ટ્રીયલ એરીયાના નામે લોકોને મુળા બટકાવવાની નીતિ સાથે સુચિતની માફક ખુલ્લેઆમ સરકારી નીતિ નિયમોનો ભંગ કરી વેંચાણ વેપાર પણ ચાલુ કરી દીધા છે. આ સંજોગોમાં હાલમાં લોઠડાકાંડને ઉજાગર કરવા જિલ્લા પંચાયતના નેતાઓ અને કેટલાક અસંતુષ્ટ દલાલો મેદાનમાં આવ્યા છે અને સમગ્ર જમીન ફાળવણીની ગેરકાયદે પ્રક્રિયાને કોર્ટમાં પડકારવા તજવીજ શરૂ કરી છે જેને પગલે હવામાં રહેલી તિરૂમાલા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ ખરીદનારાઓને આવનાર દિવસોમાં માથે ઓઢીને રોવું પડે તેવી સ્થિતિત નિર્માણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અધિક કલેકટરની ચેમ્બરમાં અડીંગો જમાવી બેસી રહેતા નેતાએ લોઠડા કાંડને જન્મ આપ્યાની ચર્ચા

રાજકોટની ભાગોળે ઈન્ડસ્ટ્રીયલ હબમાં ફેરવાઈ રહેલા લોઠડા ગામની અબજો રૂપિયાની કિંમતી જમીન રાજવી પરિવારને નામે ફાળવી લઈ રાતોરાત માલામાલ થઈ જનાર રાજકીય નેતાઓએ મહેસુલ વિભાગના અધિકારીઓને થોડી ઘણી પ્રસાદી આપી બદલામાં ૫૧ એકર જમીન ખંડી લીધી છે ત્યારે આ જમીન કૌભાંડને જન્મ આપવાથી લઈ ૭/૧૨ બનાવવા સુધીના પ્રકરણમાં જિલ્લા કલેકટર કચેરીમાં અધિક નિવાસી કલેકટર સાહેબની ચેમ્બરમાં જ પડયા પાર્યા રહેતા વિવાદિત આગેવાનનું નામ જોરશોરી ચર્ચાઈ રહ્યું છે.

લોઠડા જમીન કૌભાંડમાં માહિતી અધિકારનાં કાયદા હેઠળ અરજીઓના ઢગલા

રાજયના મહેસુલ વિભાગ દ્વારા રાજવી પરિવારના નામે રાજકીય માણસોને લાભ અપાવવા રાતોરાત લોઠડા ગામની કિંમતી જમીન જમીન ફાળવી દેવામાં આવતા આ મામલે રાજકોટ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં ભારે ચકચાર જાગી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં એએલસી શાખામાં રોજેરોજ નવા-નવા અરજદારો ઉમટી રહ્યાં છે અને માહિતી અધિકાર હેઠળ લોઠડાકાંડની માહિતી મેળવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.