ટ્વિટરનું પંખી ફફડયું; ભારતીય લોકોની લાગણી દુભાવવા બદલ FIR નોંધાઈ!!

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. આ નવા આઈટી નિયમો હેઠળ ટ્વીટર સામે પ્રથમ ફરિયાદ નોંધાઇ છે. નવા નિયમો મુજબ સ્ટેચ્યુટરી ઓફિસરની નિમણૂક ન કરતા હજુ ગઈકાલે જ સરકારે ટ્વીટર પાસેથી ઈન્ટરમિડીયેટનો દરજ્જો છીનવતા હવે ટ્વીટરનું પંખી ફફડી ઉઠ્યું છે. હવે તેના પ્લેટફોર્મ પર જે પણ કઈ પોસ્ટ, કન્ટેન્ટ કે કમેન્ટ  થશે તે માટે થર્ડ પાર્ટીની સાથે ટ્વીટર પણ જવાબદાર ગણાશે. અને આવા જ એક કેસમાં તાજેતરમાં ટ્વીટર સામે ભારતીય લોકોની લાગણી દુભાવવાનો આરોપ મુકાયો છે અને ફરિયાદ નોંધાઈ છે.

ગાજીયાબાદના મુસ્લિમ વૃધ્ધનો જબરદસ્તી હજામત કરાવતો વિડીયો વાયરલ થતા ટ્વિટરે કેમ ન રોકયો? 9 લોકો સામે ફરિયાદ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્ધની જબરદસ્તીથી હજામત કરવામાં આવી રહી હતી. અને આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર વાયરલ થયો. વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિએ વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે 5 જૂને તેના પર હુમલો થયો હતો. બીજા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે તેની દાઢી કાપી નાખવામાં આવી હતી અને તેમને “વંદે માતરમ” અને “જય શ્રી રામ”ના નારા જોર જબરદસ્તી કરી બોલાવડાવવામાં આવ્યા હતા. આવો ધાર્મિક લાગણી દુભાવવાનો વીડિયો વાયરલ થતો ટ્વિટરે અટકાવ્યો કેમ નહીં ?

આ પ્રશ્નાર્થ સાથે ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઉપરાંત અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સામે કેસ નોંધ્યો છે. બધા પર “સાંપ્રદાયિક લાગણીઓને ભડકાવવાનો” આરોપ છે. આ કેસમાં પત્રકારો રાણા અયુબ, સબા નકવી અને મોહમ્મદ ઝુબૈરનું નામ પણ સામેલ છે.