Abtak Media Google News

સોશિયલ મીડિયાના “વાયરલ” વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમોને લઈને ફેસબુક, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સરકાર વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. એમાં પણ ઉડાઉડ કરતી ટ્વિટરની ચકલી ફરી મુશ્કેલીમાં મુકાઈ છે.

નવા આઈટી નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરજિયાત ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ ઓફિસરની નિમણુક કરવી અનિવાર્ય છે. પરંતુ હાલ ઘણા વિવાદ બાદ ટ્વિટરે આખરે નિયમો માની ફરિયાદ નિવારણ અધિકારી તરીકે ધર્મેન્દ્ર ચતુરની નિમણૂક કરી હતી. પરંતુ નિમણૂકના થોડા દિવસોમાં જ ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું ધરી દેતા કંપનીની મુશ્કેલીઓ ફરી વધી છે.

ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ ટ્વિટર દ્વારા ભારત માટે વચગાળાના નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે તેનું નામ ટ્વિટરની વેબસાઇટ પર દેખાઈ રહ્યું નથી, જે ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 હેઠળ ફરજિયાત છે. ભારતમાં ફરિયાદ અધિકારીને બદલે કંપનીનું નામ, યુએસ સરનામું અને ઇમેઇલ આઈડી હવે દર્શાવવામાં આવી રહ્યા છે. મતલબ કે ટ્વીટર ફરી નિયમોના પાલનમાં ઉણું ઉતર્યું છે હવે સરકાર કંપની સામે ફરી કડક પગલાં ભરે તેવી શકયતા છે.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ચતુરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે નવા ઇન્ટરનેટ મીડિયા નિયમોને લઈને ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. દેશના નવા નિયમોની જાણી જોઈને અનાદર કરવા અને તેનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ સરકારે પણ ટ્વિટરને સામે આકરા પગલાં પણ લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.