Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ તાલુકામાં વરસાદ નોંધાયો: નવસારીનાં ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ, દેવભૂમિ દ્વારકાનાં ખંભાળીયામાં બે ઈંચ વરસાદ ખાબકયો

રાજયમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી પરંતુ પશ્ચિમ ઘાટીનાં પવનની દિશા બદલાવવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ છુટોછવાયો વરસાદ પડી શકે છે. ટ્રફ લાઈન સક્રિય થતા કર્ણાટકથી પશ્ચિમ રાજસ્થાન સુધી પવનનાં કારણે દિશા બદલાઈ જેને લઈ દબાણ ઉભું થાય અને તે એક જગ્યા પર કેન્દ્રીત થાય ત્યારબાદ વરસાદ આવવાની શકયતા વર્તાઈ રહી છે. બીજીબાજુ આગામી પાંચ દિવસ રાજયભરમાં વરસાદ નહિવત રહેશે.

ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનવાની શકયતા છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી રાજયભરમાં સારો વરસાદ થાય તેવા એંધાણ આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયભરમાં ૪૭ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં અત્યાર સુધી ૪૦ ટકા વરસાદ વરસ્યો છે. આગામી પાંચ દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઓગસ્ટનાં પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ નથી. રાજયમાં સામાન્ય ઘટ છે તે ઓગસ્ટમાં પુરી થઈ જાય તેવી પુરી શકયતા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ મળ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આવી છે. છેલ્લા ૨૪ કલાક રાજયભરનાં ૪૭ તાલુકામાં છુટોછવાયો વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ નવસારીનાં ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ખંભાળીયામાં બે ઈંચ વરસાદ, ધરમપુરમાં દોઢ ઈંચ વરસાદ, નવસારીમાં દોઢ ઈંચ, ચોયાર્સીમાં દોઢ ઈંચ, સુરતમાં મહુવામાં ૧ ઈંચ વરસાદ, વાસંદામાં ૧ ઈંચ, ચીખલીમાં ૧ ઈંચ વરસાદ, ભાવનગરનાં મહુવામાં ૧૭ મીમી, જામનગરનાં લાલપુરમાં ૧૬ મીમી, અમરેલીનાં બગસરામાં ૧૪ મીમી, ભાવનગરનાં જેસરમાં ૧૪ મીમી, રાજકોટમાં ૧૨ મીમી, રાજકોટનાં લોધીકામાં ૯ મીમી, અમરેલીનાં બાબરામાં ૯ મીમી, ભાવનગરનાં વલ્લભીપુરમાં ૮ મીમી, વાપીમાં ૬ મીમી, કલ્યાણપુરમાં ૫ મીમી, બારડોલીમાં ૫ મીમી, મોરબીમાં ૪ મીમી, પોરબંદરમાં ૨ મીમી અને વલસાડમાં ૧ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

આ સાથે જ રાજયમાં ત્રણ છુટો છવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજયમાં ૪૦ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુકયો છે અને હાલ પશ્ચિમ ઘાટીનાં પવનની દિશા બદલાવવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ સામાન્ય વરસાદની ધારણા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.