Abtak Media Google News

અઠવાડિયા પહેલા ગયેલી ૧૮ તબીબોની ટીમનાં બે તબીબો કોરોનાની ઝપટે

અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ દરરોજ પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં બેફામ ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે રાજય સરકારનાં આદેશથી  ૭ મેડિકલ કોલેજમાંથી તબીબો અમદાવાદ ખાતે કોરોનાની સારવાર માટે પહોંચ્યા હતા જેમાં ગત અઠવાડિયે જામનગરની જી.જી. મેડિકલ કોલેજનાં ૧૮ તબીબોની ટીમ અમદાવાદ ખાતે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે ગઈ હતી જેમાં બે તબીબોને કોરોનાના લક્ષણ જણાતા તેમના સેમ્પલ મેળવી રીપોર્ટ કરાવવામાં આવતા બંને તબીબોને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

અમદાવાદમાં કોરોના વાયરસનાં કારણે વણસી રહેલી પરિસ્થિતિને પહોંચવા માટે રાજય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં માત્ર શહેરીજનો જ નહીં પરંતુ કોરોના સામે લડતા તબીબો, પોલીસ અધિકારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો જેવા યોદ્ધાઓની કોરોના સંક્રમણમાં આવી ગયા છે ત્યારે રાજય સરકાર દ્વારા અલગ-અલગ ૭ જિલ્લાઓની મેડિકલ કોલેજમાંથી તબીબોને અમદાવાદ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ગત અઠવાડિયે જામનગરની જી.જી.મેડિકલ કોલેજમાંથી ૧૮ તબીબોની ટીમ અમદાવાદ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે ગઈ હતી.

જેમાં બે તબીબોમાં કોરોનાનાં લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓનાં સેમ્પલ મેળવી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે બંને તબીબોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જામનગરમાંથી ગયેલી તબીબોની ટીમના ડો.જીલ પટેલ અને ડો.કેતન મકવાણા બંને કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાથી તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા આ સાથે જામનગરમાં વધુ ૧૭ શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ મેળવી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

કોટડાસાંગાણીમાં આવતા તમામ લોકોનું ચેકઅપ કરાવવું જરૂરી: ગ્રામજનોની માંગ

એક તરફ રાજયભરનાં મહાનગરોમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે રાજય સરકાર દ્વારા વતન પરત જવાની મંજુરી મળતા જ સુરત અને અમદાવાદનાં અનેક રત્ન કલાકારો કોટડાસાંગાણી અને માણેકવાડા ગામમાં પ્રવેશવા માટે મંજુરી મેળવી રહ્યા છે ત્યારે કોરોનાગ્રસ્ત જિલ્લાઓમાંથી ગામમાં પ્રવેશ કરતા પહેલા તે લોકોને કોરોન્ટાઈનમાં રાખી તેઓના સેમ્પલ મેળવી રીપોર્ટ કરાવવા અને તેનું સ્ક્રીનીંગ કરી તમામ લોકોનું ચેકઅપ કર્યા બાદ જ ગામમાં પ્રવેશવાની પરવાનગી મળે તેવી માંગ ગ્રામજનોએ આરોગ્ય વિભાગને કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.