Abtak Media Google News

વાવણી પર મેઘમહેરથી જગતાત ખૂશખૂશાલ

લોકલ ફોર્મેશનના કારણે સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના: ૧૯ થી ૨૧ જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજે સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. આગોતરી વાવણી કરી દેનાર ખેડૂતો મેઘમહેરથી ખુશખુશાલ થઈ ગયા છે. લોકલ ફોર્મેશનની અસરતળે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે લો-પ્રેસરમાં પરિવર્તીત થવાના કારણે આગામી ૧૯ થી ૨૧ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રીક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારે ભાવનગરમાં ૨ કલાકમાં ધોધમાર ૧ ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૪ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવા પામ્યું છે. છોટા ઉદેપુરના કવાટમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ભરૂચ, સુરત, દાહોદ, નર્મદા, પંચમહાલ, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે વરસાદનું જોર વધ્યું હતું. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટમાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાએ પહોંચી જવા પામ્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મેઘરાજા ગમે ત્યારે તૂટી પડે તેવો માહોલ જામ્યો છે. ગઈકાલે સાંજે જૂનાગઢ જિલ્લાના વંથલી અને મેંદરડા ગ્રામ્ય પંથકમાં માત્ર અડધો કલાકમાં સુપડાધારે ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી.

આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૪ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આજે સવારે ૬ થી ૮ સુધીના ૨ કલાકના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુકામ કર્યો હોય તેમ ભાવનગરમાં ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ઘોઘા, રાજુલા સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. સવારથી રાજ્યના ૨૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર લોકલ ફોર્મેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય આજે બપોરબાદ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આગામી ૨ દિવસમાં લો-પ્રેસરમાં પરિવર્તીત થાય તેવી સંભાવના જણાય રહી છે. જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૧૯ થી ૨૧ જૂન દરમિયાન સાર્વત્રીક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે અગાઉ સારો વરસાદ વરસી ગયો છે. આવામાં આગોતરી વાવણી કરી લેનાર ખેડૂતો પર મેઘરાજાએ મહેર ઉતારતા જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. જે રીતે મેઘાનો મુકામ જોવા મળે છે તે પરથી એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ધાનના ઢગલા ખડકાશે. આજે સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસથી સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો હોય જળાશયમાં નવા નીરની આવક ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આજી-૨ ડેમમાં ૦.૩ ફૂટ, મચ્છુ-૧માં ૦.૧૬ ફૂટ, ડેમી-૨માં ૦.૨૬ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૩ ફૂટ, વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા)માં ૦.૧૦ ફૂટ પાણીની આવક થવા પામી છે. સવારથી ભાવનગર, સુરત, તાપી, વડોદરા, નવસારી, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યાંના અહેવાલો મળી રહ્યાં છે.

વંથલી-મેંદરડા પંથકમાં ૩૦ મિનિટમાં સુપડાધારે ૩ ઈંચ

૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી: વાહન વ્યવહાર ઠપ્પ

Img 20200616 Wa0223

જુનાગઢ જિલ્લાના વંથલી અને મેંદરડાના ગ્રામ્ય પંથકમાં ગત સાંજે વાવાઝોડા સાથે અડધાથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જૂનાગઢ – વંથલી તથા મેંદરડા થી ઇટાડી સુધીના રસ્તામાં વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો.

જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાળી અને વંથલી તાલુકાના શાપુર, વાડલા પંથકમાં ગઇકાલે સાંજના પોણા પાંચથી સાડા પાંચ દરમિયાન લગભગ ૮૦ થી ૯૦ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા સાથે જાણે આભ ફાટ્યું હોય તેમ વરસાદ તૂટી પડયો હતો અને આ વિસ્તારમાં માત્ર ૩૦ મિનિટમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જોરદાર પવન અને ભારે વરસાદને કારણે મેંદરડા થી ઇટાળી સુધીના રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજપોલ પણ જમીન દોસ્ત થવા પામ્યા હતા આ જ રીતે જૂનાગઢ વંથલી હાઈવે પર વાડલા ફાટક થી શાપુર સુધીમાં પણ વૃક્ષો જમીન દોસ્ત થયા હતા જેને લઈને કલાકો સુધી વાહન વ્યવહાર રોકાઈ જવા પામ્યો હતો, આ અંગે પોલીસને જાણ થતા જૂનાગઢ પોલીસે જૂનાગઢ વંથલી વચ્ચેનો ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો જ્યારે મેંદરડા તાલુકાના ઇટાડી ગામના સરપંચ મકવાણાએ જેસીબી બોલાવી ધરાશાય થયેલ વૃક્ષો અને વીજપોલ દૂર કરાવી રસ્તો સાફ કરાવ્યો હતો.

બીજી બાજુ મેંદરડા સાસણ રોડ ઉપર પણ ગઇકાલે સાંજના સમયે તોફાની પવન સાથે વરસાદ ખાબકીયો હતો અને મેંદરડા નજીક એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઉપર વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને લોકોએ જાતે આ વૃક્ષને રોડ ઉપરથી દૂર કરતા રસ્તો પૂર્વવત થયો હતો.

જો કે, મેંદરડા અને વંથલી પંથકમાં ગઇકાલે સાંજના સમયે પડેલ ભારે વરસાદ જિલ્લા કંટ્રોલ રૂમના સતાવાર આંકડામાં નોંધાયો ન હતો. આવી જ રીતે બે દિવસ અગાઉ વિસાવદર અને જુનાગઢ પંથકના ચોકી સહિતના ગામોમાં વરસાદ સારો પડયો હતો પરંતુ ફ્લડ કંટ્રોલમાં આ સતાવાર આંકડા નોંધાયા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.