Abtak Media Google News

અલગ-અલગ બે તબકકામાં પરીક્ષા લેવાનો નિર્ણય: કાલે ૬ સેન્ટરો પર લેવાશે પરીક્ષા

રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ખાલી પડેલી વર્ક આસીસ્ટન્ટ અને આસીસ્ટન્ટ એન્જીનીયરની ૩૪ જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી હતી. રાજય સરકાર એક તરફ રોજગારીનું સર્જન કરવામાં આવી રહ્યું હોવાની ડંફાશો હાકી રહી છે તો વાસ્તવિક ચિત્ર કંઈક અલગ છે. બેકારીએ અજગરી ભરડો લીધો હોય તેવું

લાગી રહ્યું છે. કોર્પોરેશનમાં ખાલી ૩૪ જગ્યાઓ માટે ૧૩,૫૦૦થી પણ વધુ ઉમેદવારોએ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અલગ-અલગ બે તબકકામાં પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલે ૬ સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વર્ક આસીસ્ટન્ટ (સિવિલ)ની ૧૬ જગ્યા, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની ૧૦ જગ્યાઓ સહિત કુલ ૨૬ જગ્યાઓ માટે ૧૦ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. આવતીકાલે એવીપીટી, કણકોટ સ્થિત સરકારી એન્જીનીયરીંગ કોલેજ, લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ, વીવીપી કોલેજ, આત્મીય કોલેજ અને આર.કે.યુનિવર્સિટી ખાતે સવારે અને બપોરે એમ બે પાળીમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. જયારે વર્ક આસીસ્ટન્ટ (મીકેનીકલ) અને આસીસ્ટન્ટ એન્જીનીયર (મીકેનીકલ)ની ૮ જગ્યાઓ માટે ૩૫૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી છે જેની પરીક્ષા માટેની તારીખ હવે પછી ડિકલેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.