Abtak Media Google News

2.20 કરોડની વસતીમાંથી અગાઉ 17 લાખ લોકો ખાદ્ય સંકટથી અસર ગ્રસ્ત હોવાનો અંદાજ લગાવાયો તો, હવે તે સંખ્યા વધીને 34 લાખ થઈ

સંયુક્ત રાષ્ટ્રએ શ્રીલંકામાં ગંભીર ખાદ્ય કટોકટી અંગે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે માનવતાવાદી સહાયની જરૂરિયાત ધરાવતા લોકોની સંખ્યા બમણી થઈને 34 લાખ થઈ ગઈ છે.

યુએન એજન્સીઓએ જૂનમાં અનુમાન લગાવ્યું હતું કે શ્રીલંકાની 2.20 કરોડની વસ્તીમાંથી 17 લાખ લોકોને મદદની જરૂર છે. કોલંબોમાં સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ જરૂરિયાતમંદોને ખવડાવવા માટે 79 મિલિયન ડોલર એકત્ર કર્યા છે, પરંતુ ગરીબ લોકોની વધતી સંખ્યાનો અર્થ એ છે કે તેમને વધારાના 70 મિલિયન ડોલરની જરૂર છે.

“શ્રીલંકામાં સતત બે સિઝનમાં નબળા પાક, વિદેશી હૂંડિયામણની અછત અને ઘટતી જતી સ્થાનિક ખરીદ શક્તિને કારણે ખાદ્ય અસુરક્ષા ઓચિંતી રીતે વધી છે,” એમ નિવેદનમાં જણાવાયું છે.શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેણે ગયા વર્ષથી ફુગાવો, પાવર બ્લેકઆઉટ અને ફ્યુઅલ રેશનિંગ સહન કર્યું છે.

દેશ એપ્રિલના મધ્યમાં તેના વિદેશી દેવુંમાંથી 51 બિલિયન ડોલર પર ડિફોલ્ટ થયો હતો અને 2.9 બિલિયન ડોલર બેલઆઉટ માટે આઈએમએફ સાથે વાટાઘાટ કરી રહ્યો છે. ઉંચી કિંમતો અને ખાદ્યપદાર્થો અને દવાઓની અછત સામે મહિનાઓના વિરોધને કારણે જુલાઈમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.

યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે તેની સુધારેલી યોજના સગર્ભા માતાઓ અને શાળાના બાળકો સહિત 2.1 મિલિયન લોકોને ખવડાવવાનો અને 1.5 મિલિયન ખેડૂતો અને માછીમારોને આજીવિકા સહાય પૂરી પાડવાનો છે. તેણે એમ પણ કહ્યું કે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં ગરીબીનો દર આ વર્ષે બમણો વધીને 25.6 ટકા થયો છે, જે ગયા વર્ષે 13.1 ટકા હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.