Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુવાનપુર ગામે બનેલી ઘટના

છ માસ પહેલા દુકાનને આગ ચાંપી નુકશાન પણ કર્યું હતુ : પોલીસમાં નોંધાતો ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે એગ્રોના વેપારી પાસેથી ખંડણી પડાવવા આરોપીઓએ નવતર પ્રયોગ કરી વેપારીની દુકાનમાં બે વખત 50 હજારની ખંડણી માંગતી ચીઠ્ઠી મુકી ઇ-મેઇલ પર પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા વેપારી જયંતિભાઇ લાલાભાઇ પરમાર (ઉ.31)એ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જુવાનપુર ગામના હિરેન બારાઇ અને અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને જુવાનપુર ગામમાં મેઇન બજારમાં પૂજા એગ્રો નામની દુકાન ધરાવે છે. ગત તા.11/3/21ના રોજ રાત્રીના એગ્રોની દુકાનમાં આગ લાગેલ જે અંગે વેપારીએ પોલીસમાં જાણવા જોગ કરી હતી.ત્યારબાદ ગત તા.8/9/21ના રોજ વેપારી સવારે સાત વાગ્યે દુકાન ખોલી તો શટર નીચે હાથેથી લખેલી ધમકી ભરી ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં તારી દુકાનનું પુરૂ થાશે, લાયસન્સ કે દુકાન બેમાંથી એકનું પુરૂ થાશે. એકવાર તો થયું 50 હજાર તૈયાર રાખજે  અને નીચે ઇ-મેઇલ એડ્રેસ લખ્યું હતું.

ધમકી ભરી ચીઠ્ઠીને વેપારીએ અવગણી પોતાનો ધંધો કરવા લાગ્યા બાદ ફરી તા.14/9/21ના રોજ સવારે દુકાન ખોલતી વખતે શટર નીચેથી હાથેથી લખેલી ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે “જયંતિ તું અને તારી દીકરી ધ્યાનમાં છો, ધ્યાન રાખજે રામ… રામ…. બે દિવસમાં 50 હજાર રાખજે. છેલ્લીવાર છે નીચે અંગ્રેજીમાં ઇ-મેઇલ એડ્રેસ લખ્યું હતું” બાદમાં વેપારીના મેઇલ એડ્રેસ પર પણ ધમકી ભર્યોે ઇ-મેઇલ આવ્યો હતો.જેમાં પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બે-બે વખત ધમકી ભરી ચીઠ્ઠી અને ઇ-મેઇલ આવતા વેપારીએ દેવભૂમિ દ્વારકા સાયબર સેલમાં અરજી આપી હતી. જેમાં તપાસ કરતા ધમકી ભર્યા ઇ-મેઇલ આઇ.ડી. હિનેર બારાઇનું હોવાનું જાણવા મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ગુંનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.