Abtak Media Google News

દક્ષિણ પૂર્વ એશિયામાં ડ્રેગન ભરડાને નાથવા અમેરિકા સૈન્ય મોકલવા તૈયાર: આતંકને પોષતા પાક.ને ભીંસમાં લીધું

અમેરિકાના ઘણા વર્ષોથી ભારત સાથેની દોસ્તીના દાવા કરતું આવ્યું છે. ત્યારે હવે ભારતને કનડતા ચીન અને પાકિસ્તાન સામે પગલા લેવાની તૈયારી દર્શાવી અમેરિકાએ પોતાના દાવાને હકીકતમાં ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાએ પોતાના સૈન્ય બળની સંખ્યા એશિયામાં વધારવા તખતો ઘડી કાઢ્યો છે. વર્તમાન સમયે ચીન અને ભારત વચ્ચે હુંસાતુસી ચાલી રહી છે. ઉપરાંત ચીનના ખોળામાં બેઠેલ પાકિસ્તાન પણ ભારતને યેનકેન પ્રકારે પરેશાન કરી રહ્યું છે. આવા સંજોગોમાં અમેરિકાએ ચીન અને પાકિસ્તાન એમ બન્નેને સબક શિખવાડવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળે છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિયોએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ડ્રેગન ભરડાને નાથવા માટે સૈન્ય મોકલવાની અગત્યની જાહેરાત કરી હતી.

અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની છે. અમેરિકા જર્મનીમાં તૈનાત ૫૨૦૦૦ અમેરિકન સૈનિકોમાંથી ૯,૫૦૦ સૈનિકો એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ  એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ (એલએસી)ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઇના સીમાં એક ખતરો બનેલો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને ભારત અને દક્ષિણપૂર્વ એશિયા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચીન તરફથી ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા એશિયન દેશોને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વિશ્વભરમાં તેના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી કરીને તેમને એવી રીતે તૈનાત કરી રહ્યું છે કે તેઓ જરૂર પડવા પર પીપલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના)નો મુકાબલો કરી શકે. પોમ્પિયોએ કહ્યું કે અમે નક્કી કરીશું કે અમારી તૈનાતી એવી હોવી જોઈએ કે પીએલએનો સામનો કરી શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે ખાતરી કરીશું કે અમારી પાસે તેને ઉકેલવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યા પર ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના અંતર્ગત અમેરિકા, જર્મનીમાં સૈન્યની સંખ્યા ૫૨ હજારથી ઘટાડીને ૨૫ હજાર કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ચીનમાં લેબરને લઇને કોઇ માનવાધિકાર નથી. અહીં બળજબરીપૂર્વક શ્રમિકોને કામ કરાવવામા આવે છે અને તેઓ જે પરિસ્થિતિમાં કામ કરે છે તે અત્યંત ભયજનક અને દયનીય છે. સીસીપી અને બેલ્ટ તેમજ રોડ પ્રોજેક્ટ્સમાં જે શ્રમિકો કામ કરે છે તે અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં કામ કરે છે.

યુરોપથી અમેરિકન સેનાને શિફ્ટ કરવામાં આવશે. ગુરુવારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના સૈનિકો શિફ્ટ કરશે. પોમ્પિયોએ કહ્યું- અમે યુરોપમાં અમારા સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યા છીએ.

બ્રેસેલ્સ ફોરમમાં પોમ્પિયોને સવાલ પુછવામાં આવ્યો કે, અમેરિકાએ જર્મનીમાં તેમના સૈનિકોની સંખ્યા ઓછી કેમ કરી? ત્યારે પોમ્પિયોએ કહ્યું કે, સૈનિકોને બીજી જગ્યાએ બીજી તૈયારી માટે લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના એક્શનનો અર્થ થાય છે કે, ભારતની સાથે વિયતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પેલેસ્ટાઈન અને સાઉથ ચાઈનાથી પણ જોખમ છે. અમેરિકન સેના આ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પોમ્પિયોએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસને બે વર્ષ પહેલાં અમેરિકન સેનાને સમગ્ર દુનિયામાં તહેનાત કરી હતી. આ દરમિયાન એ જાણવા મળ્યું કે, તેમને ઈન્ટેલિજન્સ, સૈન્ય અને સાઈબર વિભાગનો ઉપયોગ કરવો જોઈએ. વર્તમાન સ્થિતિએ ચીન અને ભારત વચ્ચેના ઘર્ષણમાં હવે અમેરિકા ભારતની પડખે આવીને ઉભું રહ્યું છે. ચીન દ્વારા એશિયન દેશો સાથે થઇ રહેલા દુવ્યવહારને રોકવા માટે અમેરિકા એશિયામાં સૈન્યબળ વધારશે.

ચીનને લદ્દાખ સરહદેથી સેના હટાવી લેવા ભારતની ચેતવણી

લદ્દાખની એલએસીમાં ચીન દ્વારા સૈન્યની પીછેહટ સંધી મુજબ ન કરવામાં આવતા ભારત દ્વારા ચીનને ચેતવણી આપવામાં આવી છે. ચીન મે મહિનાથી વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર મોટી સંખ્યામાં સૈનિકો અને યુદ્ધ સામગ્રી એકઠી કરી રહ્યું છે. ઉપરાંત ચીનના સૈનિકોનું વલણ પણ પારસ્પરિક સહમતીના નિયમો તોડવાનું રહ્યું છે. વર્તમાન સ્થિતિ જો આમને આમ રહેશે તો બન્ને દેશો વચ્ચે સંબંધો વધુ ખરાબ થશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરોગ શ્રીવાસ્તવે ચીનને આ મુદ્દે આડે હાથ લીધુ છે. થોડા દિવસ પહેલા ચીને ગલવાન ખીણમાં થયેલા હિંસામાં ભારતને જવાબદાર ગણાવ્યું હતું. હવે બન્ને દેશો પારસ્પરિક સંમતી સાધી લેવાયેલા નિર્ણયનું પાલન કરે તે જરૂરી છે પરંતુ ચીન દ્વારા સંધી મુજબ સૈન્ય પરત ખેંચવાનું તો દૂર વધારે યુદ્ધ સામગ્રી અને સરહદે બાંધકામ થતાં મામલો બીચકે તેવી દહેશત સેવાઈ રહી છે. બન્ને દેશો વચ્ચે થયેલી સહમતીનું ચીન ઈમાનદારીથી પાલન કરે તેવું ભારતનું વલણ છે.

ભારતની જેમ વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલીપાઈન્સ સહિતના દેશો ઉપર પણ ચીનનો ડોળો

વર્તમાન સમયે ભારત સાથે ચીન આડોડાઈ ઉપર ઉતરી ગયું છે. ત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ ચીનને વિયેતનામ, ઈન્ડોનેશીયા, મલેશિયા અને ફિલીપાઈન્સ સહિતના દેશો સાથે વાંકુ પડ્યું છે. એશિયામાં ચીનના વધતા જતાં ડ્રેગન ભરડાને ખાળવા માટે અમેરિકા સક્રિય થયું છે. ચીન સામેના પગલામાં અમેરિકાના ઘણા હિત સમાયેલા છે. ભારતને સાથ આપવા જ નહીં પરંતુ ચીન સાથેની હુંસાતુંસીમાં ભારતના નામે ચીન સાથે બાખડી પડવાનું પણ અમેરિકા પાસે મોટુ કારણ છે. પીપલ્સ લીબ્રેશન આર્મી સામે સીધો જંગ છેડવાની જગ્યાએ અમેરિકા અન્ય દેશોને વચ્ચે રાખી ડ્રેગનને પછાડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. જો કે, ચીન પણ પાડોશી દેશોને યેનકેન પ્રકારે દબાવવા મથી રહ્યું છે. ત્યારે બન્ને વચ્ચેનો સંઘર્ષ ગાઢ બને તેવી દહેશત છે.

ગલવાન ખીણ બાદ હવે દેપસંગ વિસ્તારમાં ચીની સૈન્યના ધામા

ભારત અને ચીનની સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. ચીનની સેનાની અવર-જવર હવે દેપસાંગ સેકટરમાં પણ વધી ગઈ  છે. એમ કહેવાઈ રહ્યું છે કે ચીનના સૈનિકો ઘુસખોરીની કોશિષમાં છે. ચીને પૂર્વી લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી એર સ્ટ્રીપથી ૩૦ કિલોમીટર અને દેપસાંગથી ૨૧ કિલોમીટર દૂર મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે. અહીં કેમ્પોમાં સેનાની ગાડીઓ અને તોપ પણ પહોંચવા લાગી છે. ચીન આ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ ૧૦થી ૧૩ની વચ્ચે ભારતીય સેના માટે મુશ્કેલી ઉભી કરવા માંગે છે. તે કારાકોરમની નજીકના વિસ્તારોમાં કબ્જો કરવા માંગે છે, જેથી પાકિસ્તાન જતા હાઈવે પર રસ્તો મળી જાય. ભારતે આ પ્રોજેકટના નિર્માણને રોક્યું હતું. જોકે આ પહેલા જ ચીન અને ભારતની વચ્ચે ગલવાન ઘાટી, પૈંગોગ સો અને હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં તણાવ ચાલુ છે.

નાપાક ઈમરાને ઓસામાને ‘શહીદ’ ગણાવ્યો!!!

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં અલ કાયદાના ચીફ રહેલા આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવતા ચકચાર મચી જવા પામી છે. ઈમરાને કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં અમેરિકાનો સાથ આપવો જોઇતો ન હતો. ઈમરાને કહ્યું કે, અમેરિકાની આર્મીએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને શહીદ કરી નાખ્યો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ આખું વિશ્વ પાકિસ્તાનની ટીકા કરી રહ્યું હતું અને દેશ શરમમાં મુકાઇ ગયો હતો. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં ૨મે ૨૦૧૧ના ઠાર થયો હતો. અમેરિકાના સુરક્ષાદળોએ એક સ્પેશ્યલ ઓપરેશનના માધ્યમથી તેને પાકિસ્તાનમાં ઘુસીને માર્યો હતો. લાદેન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલાનો દોષિત હતો. લાદેનનો મૃતદેહ સમુદ્રમાં ફેંકી દેવાયો હતો. ડાયરેક્ટર જનરલ અહમદ શુજા પાશાને લાદેનની ઉપસ્થિતિ અંગે માહિતી હતી. પાકિસ્તાન સરકાર પર લાદેનને આશરો આપવાના આરોપ લાગ્યા હતા. એબટાબાદમાં જે જગ્યાએ લાદેન છૂપાયો હતો ત્યાંથી એક કિલોમીટરના અંતરેજ પાકિસ્તાનનું મિલિટરી બેઝ હતું. અમેરિકાએ ૯/૧૧ના માસ્ટર માઇન્ડ ઓસામાને શોધીને ઠાર કરવા મુદ્દે પાકિસ્તાનને અંધારામાં રાખ્યું હોવાનું ઇમરાન ખાને કહેતા હવે અમેરિકા પાકિસ્તાન સામે વધુ કડક પગલા લેશે તેવી શકયતા છે. મસુદ અઝહર સહિતના આતંકીઓ સામે પાકિસ્તાને બચાવના પગલા લેતા હવે યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં પણ પાકિસ્તાન એકલું પડી જશે તેવી ધારણા છે. અમેરિકાએ વધુ એકવખત પાકિસ્તાનને આતંકનું સ્વર્ગ ગણાવ્યું છે.

અમેરિકાએ રિલાયન્સ જીઓના વખાણ કર્યા

ચીનની કંપનીઓ ઉપરથી વિશ્ર્વનો વિશ્ર્વાસ ડગમગી રહ્યો છે ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ પોમ્પિયોએ કહ્યું કે, સમગ્ર દુનિયામાં હવે ચીની કંપનીઓની લહેર ખતમ થઈ રહી છે. દુનિયાની ઘણી ટેલિકોમ કંપનીઓ હુવેઇ સાથે વેપાર કરવાની મનાઈ કરી રહી છે. આ દરમિયાન તેમણે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સ્પેનની ટેલિફોનિકા, ઓરેન્જ, જિયો, બેલ કનાડા, ટેલસ અને રોજર્સ જેવી કંપનીઓ ઘણી સારી રીતે વેપાર કરી રહી છે. ચીનની હુવેઇ કંપની સૈન્યનું પીઠબળ ધરાવતી હોવાના આક્ષેપ તો અનેક વખત થઇ ચૂકયા છે ત્યારે હવે ચાઇનીઝ કંપનીના સ્થાને ભારતીય જીઓ સહિતની કંપનીઓના વખાણ અમેરિકા દ્વારા થયા હોવાનું જાણવા મળે છે.

‘કોમ્યુનિસ્ટ પાર્ટી એક મોટો ખતરો છે!’

ચીન સામ્યવાદી દેશ છે પરંતુ ચીનની નીતિ ઘણા વર્ષોથી સામ્રાજ્યવાદની રહી છે. ચીન દ્વારા પોતાના પાડોશી દેશને યેનકેન પ્રકારે દબડાવવામાં આવે છે. બીજીતરફ અમેરિકા સ્વતંત્ર દેશ છે અને દશકાઓથી અમેરિકાને કોમ્યુનિસ્ટ દેશો સાથે વાંધો છે. કયુબા હોય કે રશિયા, અમેરિકાને કોમ્યુનિસ્ટ સરકાર સાથે વાંકુ પડતું હોય છે. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સૈન્યની તૈનાતી જમીની વાસ્તવિકતા પર આધારિત હશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ અમેરિકન સંસાધનો ઓછા રહેશે. કેટલાંક અન્ય જગ્યાઓ પર રહેશે મેં હમણાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના ખતરાની વાત કરી છે, તેથી હવે ભારતને ખતરો છે, વિયેતનામને ખતરો છે, મલેશિયા, ઇન્ડોનેશિયાને ખતરો છે. દક્ષિણ ચીન સમુદ્રની સામે પડકારો છે. યુ.એસ.એ જોખમોને જોયા છે અને સાયબર, ઇન્ટેલિજન્સ અને સૈન્ય જેવા સંસાધનો કેવી રીતે વહેંચવા તે સમજ્યા છે.

અમેરિકાની સેના ક્યાં ક્યાં તૈનાત થઇ શકે છે?

ચીન ઘણા સમયથી ભારત ઉપરાંત વીએટનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ સહિતના દેશો ઉપર દાદાગીરી કરી રહ્યું છે ત્યારે અમેરિકા પહેલીવાર હિંદ મહાસાગરમાં લશ્કરી મથક ડિયોગાર્શિયા પહેલી વખત ૯૫૦૦ સૈનિકો તૈનાત કરશે. આ સિવાય તાઇવાન પણ પોતાને ત્યાં સેના તૈનાતી માટે જગ્યા આપી શકે છે. અમેરિકાના સૈન્ય ઠેકાણા જાપાન, દક્ષિણ કોરિયા, ડિયોગાર્શિયા અને ફિલિપાઇન્સમાં છે. આમ તો અમેરિકાના સૈન્ય થાણા આખા વિશ્ર્વમાં ઠેર-ઠેર પથરાયા છે. અલબત, ચીનની આડોડાઇને લઇને ઇન્ડોનેશિયા, મલેશિયા કે ફિલિપાઇન્સ સહિતના દેશોની નજીક અમેરિકા યુદ્ધ જહાજો તૈનાત કરી શકે છે. આ ઉપરાંત કોઇ દેશની ભૂમિનો ઉપયોગ પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.