Abtak Media Google News

અબ આયા ઉંટ પહાડ કે નીચે…!!

“જેવા સાથે તેવા” રૂખ અપનાવી ભારતે કડક વલણ દાખવતા બ્રિટન ઝુંકયું; કોવિશિલ્ડને માન્યતા આપી જડ નિયમો રદ કર્યા

કોવિશિલ્ડના બંને ડોઝ લેનારા ભારતીયોને બ્રિટનમાં 10 દિવસ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે

કોરોના આવતા જ રસીની રસ્સાખેંચ જામી હતી. કોરોના હળવો પડ્યો પણ રસીની આ રસ્સાખેંચ હજુ થમવાનું નામ નથી લઈ રહી. બ્રિટન અને ભારત વચ્ચે જે માથાકૂટ ચાલી એ પણ આ રસીની રસ્સાખેંચનો એક ભાગ જ ગણી શકાય. ભારતીય રસી કોવિશિલ્ડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માન્યતા આપી તેમ છતાં બ્રિટન ‘વાંકુ’ ચાલ્યું અને કોવિશિલ્ડને માન્યતા ન આપી ભારત સામે શિંગડા ભરાવ્યાં પણ  ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી બ્રિટન માટે પણ કડક નિયમો લાગુ કર્યા. ભારતના આ કડક રૂખથી ઊંટ પહાડ નીચે આવી ગયું છે એટલે કે બ્રિટને અંતે ઝુકી ભારતની કોવિશિલ્ડને માન્યતા આપી તેના જડ નિયમોમાં ફેરફાર કર્યા છે.

કોરોના નિયમો અંગે ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે સમાપ્ત થાય તેવી સંભાવના છે. કારણ કે બ્રિટને ભારતીયો માટે બનાવેલા નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ભારતમાં બ્રિટનના હાઈ કમિશનરે કહ્યું- ભારતથી બ્રિટન જતા લોકોએ 11 ઓક્ટોબર પછી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે નહીં. જો કે, આ લોકોને કોવિશિલ્ડ અથવા અન્ય રસી(જે યુકે દ્વારા માન્ય છે)લેવી ફરજીયાત છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ, યુકે સરકારે કહ્યું હતું કે જેઓ ભારતથી યુકે આવી રહ્યા છે અને કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે, તેમને હજુ પણ 10 દિવસ માટે (જાણે રસી લીધેલી જ ન હોય તેમ) ક્વોરન્ટાઇન થવું પડશે.

બ્રિટનના આ નિર્ણયથી ભારતમાં વ્યાપક ટીકા થઈ. તેના વળતાં જવાબમાં ભારતે પણ આકરા પગલાં લીધા. ભારતે પણ બ્રિટનથી આવનારાઓ માટે 10 દિવસની ક્વોરેન્ટાઇન અને કોરોના ટેસ્ટ જરૂરી બનાવી દીધા. ભારતે ગયા સપ્તાહે ચેતવણી આપી હતી કે  અમે બ્રિટનને પણ તે જ રીતે જવાબ આપી શકીએ છીએ. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે બંને દેશોની સરકારો એકબીજા સાથે વાત કરી રહી છે. તેમણે ભારતીય પ્રવાસીઓ પરના બ્રિટનના પ્રતિબંધોને ભેદભાવપૂર્ણ ગણાવી આકરી ટીકા કરી હતી. જેના પરિણામ સ્વરૂપ અંતે બ્રિટનને ઝૂકી જડ નિયમો પાછા ખેંચી લીધા છે.

બ્રિટને ભારતના રસી પ્રમાણપત્ર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં રસીની રસ્સાખેંચ ઉભી થઈ છે. કોરોના આવ્યો ત્યારથી ઉદભવેલી આ રસીની રસ્સાખેંચ હજુ થમવાનું નામ નથી લઈ રહી. અગાઉ શરૂઆતમાં રસીની કિંમતો, આડઅસર, વિશ્વસનીયતાને લઈ રસ્સાખેંચ જામી હતી જ્યારે હવે આ સાથે વિભિન્ન દેશો વચ્ચે રસી અને રસીની વિશ્વસનીયતા તેમજ આ માટેના નિયમોને લઈ ખેંચતાણ ઉભી થઇ છે. ભારત-બ્રિટન વચ્ચે છેલ્લાં થોડાં સમયથી આ મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે. બ્રિટને પ્રવાસ અર્થે કોવશિલ્ડને માન્યતા આપી હતી. પરંતુ ભારતીયો માટે કેટલીક શરતો ઉમેરી હતી. ભારતે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

નવા નિયમો અનુસાર, કોવિડશિલ્ડ રસીના બંને ડોઝ મેળવનારા ભારતીયોને યુકે પહોંચ્યા બાદ પણ 10 દિવસ સુધી આઇસોલેટ રહેવું પડશે અને પરીક્ષણો પણ કરાવા પડશે. ભારતીય નાગરિકોએ બ્રિટનના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. આના જવાબમાં બ્રિટને કહ્યું કે કોવશિલ્ડ મેળવનારાઓ સાથે તેમને કોઈ સમસ્યા નથી. પણ તેઓ ભારતના રસી પ્રમાણપત્ર પર વિશ્વાસ કરી શકતા નથી. આમ, ક્વોરન્ટાઇન નિયમોની સાથે અગાઉ બ્રિટને ભારતીય રસીના પ્રમાણ પત્ર પર પ્રશ્નો ઉઠાવી અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેને લઈ પણ ભારતે આકરી ટીકા કરી હતી.

ભારતે પણ બ્રિટિશ પ્રવાસીઓ પર પણ કડક નિયંત્રણો લાદ્યા

બ્રિટનના જીદ્દી વલણને જોતા ભારત સરકારે પણ સામે કડક વલણ અપનાવ્યું હતું. ઓક્ટોબરની શરૂઆતમાં, ભારત સરકારે બ્રિટિશ નાગરિકોને ભારતમાં આગમન પર 10 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવાનો આદેશ આપ્યો હતો. ભારત દ્વારા બ્રિટિશ નાગરિકો માટે જારી કરાયેલા આ  નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે. બ્રિટિશ નાગરિકો માટે પ્રવાસ પહેલા 72 કલાકની અંદર પ્રસ્થાન પહેલાનો COVID-19 RT-PRC ટેસ્ટ જરૂરી. એરપોર્ટ પર પહોંચ્યા બાદ તે કોવિડ -19 RT-PCR ટેસ્ટ કરાવવાનો. પછી આગમનના 8 દિવસ પછી, બીજો કોવિડ -19 RT-PCR ટેસ્ટ  કરાવવો ભારતે ફરજીયાત ગણાવ્યો હતો. ભારતના આ કડક વલણ બાદ બ્રિટને નરમ પડી ભારતીયો માટેના જડ નિયમો પાછા ખેંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.