Abtak Media Google News

કોરોના આવતાની સાથે જ વૈશ્વિક મહામારીને નાથવા વિશ્વભરના દેશોની સરકાર, સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો સતત પ્રયાસોમાં ઝૂંટાઈ ગયા હતા. ટચુકડા એવા વાયરસને નાથવો તો નાથવો કઈ રીતે ? આ માટે રસી સહિતની દવાઓની શોધખોળના પ્રયાસ વધુ તેજ બની ગયા હતા. હાલ વિશ્વના ઘણા ખરા દેશોમાં અલગ-અલગ પ્રકારની રસી પણ વિકસિત થઈ ગઈ છે. પરંતુ આ રસી આવતાની સાથે જ સંઘર્ષભરી “રસ્સાખેંચ” પણ શરૂ થઈ ગઈ હતી. જે હજુ થમવાનું નામ નથી લઈ રહી. રસી પર 100 ટકા વિશ્વસનીયતાનો અભાવ તો તેની સંગ્રહ ક્ષમતા અને અલગ-અલગ કિંમતો વગેરે જેવા પડકારજન્ય પ્રશ્નોને લઈ રસીની રસ્સાખેંચ શરૂ થઈ હતી. જે આજે પણ વિશ્વભરના દેશો વચ્ચે જોવા મળી રહી છે. હાલ રસી પરના ગ્રીન પાસ અને સર્ટિફિકેટને લઈ નવો વિવાદ જામ્યો છે.

પોત-પોતાની રસીની બોલબાલા કરાવવા અમેરિકા, યુરોપ સહિતના વિશ્ર્વના તમામ દેશો વચ્ચે હરિફાઈ

પોતાના દેશમાં ઉત્પાદિત અને વિકસિત થયેલી રસી વિશ્વના તમામ દેશો સુધી પહોંચે, પોતપોતાની રસીઓની બોલબાલા વધે તે માટે તમામ દેશો પ્રયાસમાં છે. આ હેતુને ફળીભૂત કરવા અમેરિકા, યુરોપ સહિતના દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અમેરિકાએ થોડા દિવસ અગાઉ જાહેર કર્યું હતું કે તેની રસી મોડર્ના અને ફાયઝર મેળવનાર મુસાફરોને જ અમેરિકામાં ક્વોરન્ટાઈ રહેવા પરથી મુક્તિ આપવામાં આવશે. ચીને તો એવી પણ જાહેરાત કરી હતી કે તેની રસી લેનારા મુસાફરોને જ ચીનમાં પ્રવેશ મળશે.

ત્યારે હવે આવી જ રીતે યુરોપિયન યુનિયને ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર સિસ્ટમ લાગુ કરી જાહેરાત કરી છે કે આ પ્રમાણપત્રમાં સમાવિષ્ટ રસી લેનારને જ યુરોપિયન સંઘમાં હરવા ફરવા સહિતની છૂટ મળશે.  પણ ભારત માટે આ પ્રમાણપત્ર એટલા માટે વિવાદાસ્પદ બન્યો છે કારણ કે આ પ્રમાણપત્રમાં ભારતની કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીનો સમાવેશ જ કરવામાં આવ્યો નથી. ભારતે ઉગ્ર વિરોધ કરી યુરોપિયન સંઘને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ભારતની રસી કોવેક્સિન અને કોવિશિલ્ડને ડિજિટલ કોવિડ પ્રમાણપત્રો માટે સમાવિષ્ટ નહીં કરે તો ભારત પણ તેમની રસીના પ્રમાણપત્રોને માન્ય નહીં રાખે. ભારતીય આરોગ્ય અધિકારીઓ ઇયુના સભ્ય દેશોના લોકોને ભારતમાં મુસાફરી કરતી વખતે ક્વોરેન્ટાઇનમાં મૂકશે.

આ ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર શું છે ??

યુરોપિયન યુનિયનએ એક ફ્રેમવર્ક વિકસાવ્યુ છે. જેને યુરોપિયન યુનિયન ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર કહેવામાં આવે છે.  ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર એ બતાવે છે કે તમે કોરોના નેગેટિવ છો. અથવા જો પોઝિટબ આવી ગયા હોવ તો તે કોરોનાથી સાજો થયો છે કે નહીં ? તેણે રસી લીધી છે કે નહિ ? અને જો રસી લીધી છે તો તે કઈ રસી છે ? પ્રમાણપત્રમાં ઉલ્લેખિત રસી જ મુસાફરી માટે માન્ય ગણાશે તેમ જણાવવામાં આવ્યું છે.

આની મદદથી ભારતીય મુસાફરો સરળતાથી વિદેશ પ્રવાસ કરી શકશે. પરંતુ આ પ્રમાણપત્રમાં ભારતીય રસીનો ઉમેરો જ ન થતાં જો કોઈ ભારતીયે યુરોપમાં પ્રવાસ કરવો હશે તો અન્ય માન્યતા પ્રાપ્ત રસી લેવી પડશે. આથી ભારત યુરોપિયન સંઘના નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.