Abtak Media Google News

સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી વચનામૃત ગ્રંથને 200 વર્ષ પુરા થતાં 200 કુંડી મહાવિષ્ણુ યાગનું ભવ્ય આયોજન

જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે. છેલ્લા 7 મહિનાથી પ્રત્યેક પુનમે વિવિધ સંસ્થાના સંતો દ્વારા વચનામૃત પર્વ ઉજવાઇ રહેલ છે.

Advertisement

પુનમના પુનિત પર્વે વડતાલ મંદિરના સભા મંડપમાં, શા.માધવપ્રિયદાજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપી ગુરુકુલ દ્વારા, બાલકૃષ્ણદાસજી સ્વામી, ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં 7મું વચનામૃત પર્વ સંકીર્તન, વચનામૃત આધારિત પ્રશ્નોત્તરી તથા કથામૃત દ્વારા ઉજવાયું હતું. પાર્ષદ ઉદય ભગતે વડતાલ વચનામૃત આધારિત તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

આ પ્રસંગે પાર્ષદ શામજી ભગતે જણાવેલ કે વચનામૃતતો ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃત ગ્રન્થએ રહસ્ય ગ્રન્થ છે. તમામ શાસ્ત્રોનો સાર વચનામૃતમાં જોવા મળે છે. મનુષ્ય જન્મની સાર્થકતા શેમાં છે તેની સમજણ આપણને વચનામૃત આપે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત ગીતા, ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે.

આ પ્રસંગે રીબડા ગુરુકુલના સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ વિસ્તારપૂર્વક વચનામૃતનું વિવેચન કર્યું  હતું. ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વચનામૃત અંતર્ગત આવતા ભકતોના ચરિત્રો કહ્યા હતાઅને આ વચનામૃત પર્વ ઉજવવામાં મંદિરે જે સહકાર આપ્યો હતો તેનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મંદિરના ચેરમેન દેવપ્રસાદદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું આગામી કાર્તિકી સમૈયા પ્રસંગે આયોજીત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં વડતાલ ખાતે વિશ્વના વિવિધ દેશોમાંથી 10 થી 15 લાખ ઉપરાંત ભાવિકો દર્શનાર્થી ઉમટશે એવી ધારણા છે ત્યારે તેના ઉતારા વગેરેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

વચનામૃતને 200 વર્ષ પુરા થાય છે ત્યારે 200 કુંડી વચનામૃત મહાયજ્ઞનું સમગ્ર આયોજન એસજીવીપીના ભક્ત્પ્રિકાશદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગુરુકુલ પરિવાર  દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે બાપુ સ્વામીએ વડતાલ ધામ ટેમ્પલ બોર્ડના સેવાકાર્ય અને 7માં વચનામૃત પર્વમાં શ્રદ્ધા સાથે ભાગ લેવા પધારેલ એસજીવીપી પરિવારના સભ્યોને હ્રદયપૂર્વક બિરદાવ્યા હતા.

આ પ્રસંગે લાલજી મહારાજ સૌરભપ્રસાદજી મહારાજ વધારતા સંતોએ પૂર્ણકુંભથી વેદના ગાનસાથે સ્વાગત કર્યુ હતું. તેઓએ વડતાલ ધામનું માહાત્મ્ય અને વચનામૃતના દિવ્ય વચનોની નિશ્ચયાત્મક ઝાંખી કરી પોતે એસજીવીપી ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા તે યાદ તાજી કરી હતી. આ પ્રસંગે કોઠારી  સંતસ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.