Abtak Media Google News

ફાયર બ્રિગેડ, પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી: બ્લાસ્ટનું કારણ અકબંધ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન જીઆઇડીસીમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં ગત મધ્યરાત્રીએ અચાનક આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા કંપનીનો શેડ ધરાશાય થયો હતો. જેના કાટમાળમાં અનેક શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ પ્રચંડ બ્લાસ્ટના કારણે આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં અસર જોવા મળી હતી. ઘટનાને લઈને આજુબાજુની કંપનીમાંથી કામદારો પોલીસ, ફાયર વિભાગ અને એફએસએલની ટીમ તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ સરીગામ જીઆઇડીસી, દમણ, વાપી જીઆઇડીસી, નોટિફાઇડ સહિતની ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત અને ત્રણ કામદારોની લાશ મળી હતી. ઘટના સ્થળે 108 ટીમને જાણ થતાં 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વલસાડ જિલ્લા એસપી, પ્રાંત અધિકારી. મામલતદાર, જીપીસિપીના અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Img 20230228 Wa0012

ફાયર વિભાગની ટીમેં વીજ કંપનીને જાણ કરી પાવર સપ્લાય બંધ કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે કાટમાળમાં ફસાયેલા લોકોનું બચાવવા માટે ત્રણથી ચાર જેસીબીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં બે કામદારોને ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ કાટમાળમાંથી ત્રણ શ્રમિકોની લાશને કાઢવામાં આવી હતી. ઘટનાને લઈને વલસાડ એસપી, ઉમરગામ પ્રાંત અધિકારી, જીપીએસબી અને ઉમરગામ મામલતદારની ટીમ સહિત અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. બ્લાસ્ટ થવાના કારણ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.