Abtak Media Google News

મહારાષ્ટ્રના પાંચ લૂંટારા તમંચા, કોયતા અને ધારિયા સાથે ઘસી આવી દિલધડક લૂંટ ચલાવી હીરાના પાર્સલમાં રહેલા જીપીએસ સિસ્ટમથી ટ્રેક કરી બે કલાકમાં લૂંટનો ભેદ ઉકેલાયો

સુરતના સરથાણા શ્યામ મંદિર પાસે ગઇકાલે વહેલી સવાલે રુા.4.58 કરોડની કિંમતના હીરાના પાર્સલની થયેલી આંગડીયા લૂંટનો સુરત અને વાપી પોલીસે જીપીએસ સિસ્ટમને ટ્રેક કરી બે કલાકમાં ભેદ ઉકેલ્યો છે.  મહારાષ્ટ્રથી ઇક્કો કારમાં તમંચા, કોયતા અને ધારિયા સાથે આવેલા પાંચેય લૂંટારા મહારાષ્ટ્રમાં પહોચે તે પહેલાં વલસાડ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇએ વાપીના  બગવાડા ટોલનાકા પાસેથી ફિલ્મી ઢબે ઝડપી લીધા છે.

મુંબઇના નાલા સોપારાના ટ્રાવેલ્સ ચાલકે સૌરાષ્ટ્રમાંથી સુરત આવતા કરોડોની કિંમતના હીરાના પાર્સલની લૂંટનો પ્લાન બનાવી ચાર સાગરિતો સાથે મહિધરપુરામાં ગુજરાત આંગડીયા અને આર. જગદીશ આંગડીયા પેઢીના કર્મચારી અને ગનમેનને ઘાતક હથિયાર બતાવી ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી અને ટેકનોલોજીની મદદથી પોલીસે ફિલ્મી ઢબે માત્ર બે કલાકમાં દિલ ધડક લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

લૂંટના પગલે સુરત પોલીસે હાઇ-વે પર નાકાબંધી કરાવી જીપીએસ સિસ્ટમ ટ્રેક કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સરથાણા મથકનો સ્ટાફ લૂંટારાની ઇક્કો કારનો પીછો કરતા હતા તે દરમિયાન વાયર લેશ મેસેજથી એલર્ટ થઇ વલસાડ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ હિલ્પા સિંધા સહિતના સ્ટાફે વાપીના બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી પાંચેય લૂંટારા સાથે ઝપાઝપી કરી ઝડપી લીધા હતા. વલસાડ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મુંબઇના રાહુલ ઉતમ વાઘમારે, વારાણસીના જીતેન્દ્ર બદ્રનાથ તિવારી, મુંબઇના મોહમદ સૈયદ અલ્લાઉદીન, નાગપુરના રાજકુમાર ગીરધારી ઉખે અને પમોદ પ્રભાશંકર જટાર નામના શખ્સોની ધરપકડ કરી સુરત પોલીસને સોપી દીધા હતા.

મહિધરપુરા-ધીયા શેરીમાં આવેલા રતેશ્વર મહાદેવ મંદિર સામે ગુજરાત આંગડિયા પેઢીમાં રહેતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જગદીશ રાયચંદદાસ પટેલ (ઉ.વ.54 મૂળ રહે. જાખના, તા.ચાણસ્મા, જી.પાટણ) સવારે સાડા છ વાગ્યાના અરસામાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પાલિતાણાથી હીરાના પાર્સલ લઈને આવેલા આંગડિયા પેઢીના કર્મચારી દિપક દરબાર, સુરેશ પટલ, બાબુજી ઠાકોર અને જીતુ પટેલને લેવા માટે સરથાણ સ્થિત શ્યામધામ મંદિર ચાર રસ્તા નજીક ખોડલ છાયા સોસાયટીના નાકા પર ગયો હતો. જયાં દીપક અને સુરેશ પટેલ પાર્સલ લઇને આવ્યા હતા અને તેમના પાર્સલ ડ્રાઇવર જગદીશ અને ગનમેન શીવકુમાર રામસીયા શર્માએ ઇકો કારમાં મુકયા બાદ બાબુજી ઠાકોર અને જીતુ પટેલની રાહ જોઇને ઉભા હતા. દરમિયાનમાં તેઓ પણ આવી જતા તેમની પાસેના પાર્સલ પણ બસમાંથી ઉતારી ઇકો કારમાં મુકયા હતા.

જેની ગણતરીની મિનીટમાં જ ફિલ્મી સ્ટાઇલમાં ઇકો કાર ઘસી આવી હતી અને ગુજરાત આંગડિયા પેઢીની ઇકો કાર (નં.જીજે- 4-ઇએ-7528)ની સામે આડશ કરીને ઉભી રાખી હતી. કારમાંથી બુકાનીધારી પાંચ લૂંટારૂ ઘસી આવ્યા હતા અને કારમાં બેઠેલા બાબુજીને કોઇતા વડે બાનમાં લીધો હતો જયારે અન્યને રિવોલ્વરની અણીએ બાનમાં લઇ કોયતા વડે કારના કાચ તોડી તેમાંથી હીરાના પાર્સલના છ થેલા ઉપરાંત ત્રણ થેલી લૂંટી લીધી હતી. આ અરસામાં બસમાંથી ઉતરી રહેલા મહિધરપુરાની આર. જગદીશ આંગડિયા પેઢીના કર્મચારી મહેન્દ્ર રણછોડ અને તેમની કારના ડ્રાઇવર વિનુજી દરબાર પાસેથી પણ હીરાના પડીકા વાળું પાર્સલ મળી કુલ રૂ.4.58 કરોડના હીરા લૂંટી તેઓ કામરેજ તરફ ભાગી ગયા હતા. જગદીશ અને ગનમેન શીવકુમારે કારનો વાલક પાટિયા સુધી પીછો કર્યો હતો.

ઘટનાની જાણ થતા ગુજરાત આંગડિયા પેઢી માલિક ચિરાગ પટેલ અને આર. જગદીશ આંગડિયા પેઢીના જગદીશભાઇને થતા તેઓ પણ તુરંત જ દોડી આવ્યા હતા. બીજી તરફ સરથાણા પીઆઇ વિરલ પટેલ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘસી ગયા હતા. આંગડિયા પેઢી દ્વારા પાર્સલના થેલામાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાથી પોલીસે તુરંત જ તેના આધારે લોકેશન ટ્રેક કરી વાપી નજીક બગવાડા ટોલ નાકા પાસેથી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની મદદથી ભાગી રહેલા લૂંટારૂઓની ઇકો કાર ઝડપી પાડી પાંચ લૂંટારૂને ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાંચને હવાલે કર્યા છે.

જીપીએસ ટ્રેકરની સિસ્ટમ ફાયદાકારક: રેન્જ ચંદ્રશેખર

દક્ષિણ ગુજરાતના રેન્જ આઇજી વી . ચંદ્રશેખર દ્વારા અમલ કરાયેલી નવી પોલિસી જીપીએસ ટ્રેકરની સાથે ખૂબ જ ફાયદાકરક નીવડી હતી .  કોઈપણ શહેરમાં લૂંટની ઘટનાની જાણ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના હાઈવે પરના તમામ ટોલનાકા અને ચેક પોઈન્ટ પર ખાસ ચેકિંગ શરૂ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે . જેના ભાગરૂપે  સિસ્ટમ ફાયદાકારક નીવડી હતી.

રાજકોટની પેઢીના 40 નંગ હીરા લૂંટાયા હતા

સુરતના મહિધરપુરા ખાતે ગુજરાત આંગડીયા અને આર. જગદીશ આંગડીયા પેઢીના રુા.4.58 કરોડના હીરાના પાર્સલની લૂંટ થઇ તેમાં રાજકોટની પેઢીના 40 નંગ હીરા, ભાવનગરના 56 નંગ, પાલિતાણાના 40, જૂનાગઢના 40 અને અમરેલીના 50 નંગ હીરાના પાર્સલની લૂંટ થઇ હતી.

વલસાડ  ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇએ ઝપાઝડપી કરી પાચેય લૂંટારાને પકડયા

સુરતથી રુા.4.58 કરોડની કિંમતના હીરાના પાર્સલની થયેલી દિલ ધડક લૂંટના ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના પાંચેય લૂંટારાને વલસાડ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પી.એસ.આઇ. હિલ્પા સિંધાએ વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે ઝપાઝડપી કરી ધરપકડ કરી સુરત પોલીસને સોપી દીધા છે.

જી.પી.એસ.થી આરોપીઓનું લોકેશન ટ્રેસ થયું અને લુંટનો ભેદ ઉકેલાયો

સુરતમાં આંગડિયામાં ખાસ જીપીએસ ટ્રેકર સિસ્ટમ ફીટ કરવામાં આવ્યું હતું . જેને લઇને આંગડિયાની તમામ વિગત જીપીએસ થકી આંગડિયા પેઢીને મળી રહે . લૂંટારૂઓએ લૂંટ ચલાવેલા આંગડિયા પેઢીના પાર્સલમાં આ જીપીએસ સિસ્ટમ સૌથી મહત્વની ભૂમિકામાં રહ્યું હતું . લૂંટ બાદ આંગડિયા પેઢીના માલિકે પોલીસને જીપીએસ ટ્રેકર અંગેની તમામ વિગત આપી હતી . ત્યારબાદ પોલીસે જીપીએસ ટ્રેક કરી લૂંટારૂઓ મુંબઇ હાઈવે તરફ ભાગતા હોવાનું જાણવા મળ્યું હતું.

ગુનેગારો માટે ગુજરાતની ધરતી પર કોઇ જગ્યા નથી: હર્ષ સંધવી

આ લૂંટની ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે , સુરત પોલીસ અને વલસાડ પોલીસની ટીમને હું આજે અભિનંદન આપું છું . બંને પોલીસની ટીમોએ મળીને બંદૂક ધારી લૂંટારૂઓ દ્વારા સુરતમાં વહેલી સવારે આંગડિયા લઈને જતા આંગડિયા કર્મી પાસેથી પાર્સલોની લૂંટ ચલાવીને હજી વલસાડ સુધી પહોંચે તે પહેલા જ વલસાડ પોલીસ સાથે સુરત પોલીસે સંકલન કરી ગુનેગારોને પકડી પાડ્યા . માત્ર ગણતરીના કલાકોમાં ગુનેગારોને પકડ્યા છે . તેમના હથિયાર પણ જમા કરી લેવામાં આવ્યા છે . જે જે લોકોના આંગડિયા લૂંટી લેવામાં આવ્યા હતા તેમના સંપૂર્ણ આંગડિયા સુરક્ષિત છે તે પણ કબજે કરવામાં આવ્યા છે . અને ગુનેગારી માટે ગુજરાતની ધરતી પર કોઇ જગ્યા નથી તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.