Abtak Media Google News

નવા સત્ર સંદર્ભની વિચારણા કરી તેની જાણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને કરો, અધ્યાપકોને ઘરે બેઠા ઉત્તરવહી ચકાસણીની વ્યવસ્થા ઉભી કરવા, ઓનલાઈન અભ્યાસક્રમ તૈયાર કરાવવાની જવાબદારી અધ્યાપકોને સોંપવા સહિતની માંગ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી સેનેટ સભ્ય

વર્તમાન સમયમાં કોરોનાને કારણે આપવામાં આવેલા લોકડાઉનમાં સમગ્ર દેશ અને બધું જ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે આ મહામારીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવી શકાય તેવું આયોજન કર્યું છે. ત્યારે ૩ લાખ વિદ્યાર્થી ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટિમ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લોકડાઉનને ૧ માસ થવા આવશે ત્યારે હજુ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના ભાવીને લઈ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ મામલે નવા સત્ર સંદર્ભની વિચારણા કરી તેની જાણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને કરો, અધ્યાપકોને ઘરે બેઠા ઉત્તરવહી ચકાસણીની વ્યવસ્થા ઉભી કરવા, ઓનલાઈન અભ્યાસક્રમ ત્યાર કરાવવાની જવાબદારી અધ્યાપકોને સોંપવા સહિતની માંગ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી સેનેટ સભ્ય ડો.નિદત બારોટે માંગ કરી છે. અને વીસી-પીવીસી ઉઠો, જાગો અને કામે લાગો તેવું સૂચન કર્યું છે.

Advertisement

ડો.નિદત બારોટે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ તાત્કાલીક ભવિષ્યના પ્લાનિંગ કરીને અઘ્યપકો અને વિધાર્થીઓ સમક્ષ મુકવા જોઈએ. જે રીતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૫ લાખ વિદ્યાર્થીઓ હોવા છતાં પરીક્ષા સંદર્ભે નિર્ણય કરી વિદ્યાર્થીઓને જાણ કરી છે તેમ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી-પીવીસી જાગે અને કંઈક નિર્ણય કરે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટી.વાયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેમની ઉત્તરવહી ચકાસવા અધ્યાપકોને ઘરે મોકલી ચકાસવાની વ્યવસ્થા કરવામાં આવે. નવા સત્ર સંદર્ભે અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને જાણ કરવી. પીએચ.ડી કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન મૂલ્યાંકનની છુટ આપવી. નવા સત્રથી કોલેજો શરૂ થાય તે પહેલાં શુ તકેદારી રાખવી તેની માર્ગદર્શિકા બહાર પાડવી સહિતની વ્યવસ્થા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી-પીવીસી તાત્કાલિક અસરથી યુનિવર્સિટીમાં બંધ થયેલા વહીવટને ચાલુ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.