વૈદિક શાસ્ત્રોએ સુતરના તાંતણામાં ઉચ્ચ કોટીના જીવન અને આદ્યાત્મીક મૂલ્યો ગુંથ્યા છે : અમિતભાઇ શાહ

ભાઇ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનની સંરક્ષણની પ્રતિજ્ઞાનું સ્નેહ પૂર્ણ શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તેમજ દેશના નાગરિકોને રક્ષાબંધન પર્વની અને શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નાળિયેરી પૂનમની શુભેચ્છાઓ પાઠવી હતી

અમિતભાઈ શાહે કહ્યું હતું કે સુતરના તાંતણે ભાઈ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનના સંરક્ષણની પ્રતિજ્ઞાનું અને ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન છે. બહેનોના હૃદયમાંથી નિષ્પન્ન થયેલ નિર્મળ પ્રેમનું આ સૂત્ર ભાઈને જીવનમાં આવનારી વિટંબણાઓને પાર કરવાની ચેતના પુરી પાડે છે, સાથે સાથે જીવન ધ્યેયને સિદ્ધ કરવા પથદર્શક બની રહે છે.

શાહે ઉમેર્યું હતું કે ભારત વૈદિક પરંપરાઓનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. આપણા વૈદિક શાસ્ત્રોએ સુતરના તંતુમાં ઉચ્ચ કોટિના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યો ગૂંથ્યા છે. એટલે જ પુરાણોમાં કહેવાયું છે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્ને તત્ર દેવતા”  તહેવારો આપણી ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરા છે. જેનાથી સાંસારિક સબંધો પ્રેમ અને વિશ્વાસ સાથે નવપલ્લિત થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય પરંપરાઓ અને વારસાના જતનની સાથે – સાથે જન ભાગીદારી અને જન જાગરણના તાંતણે દેશના નાગરિકોને સાંકળીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરવા યજ્ઞ આદર્યો છે. દેશની માતા- બહેનો- દીકરીઓના આત્મસન્માનની રક્ષા હેતુ ગ્રામીણ ક્ષેત્રે 9 કરોડ થી વધુ, શહેરોમાં 66 લાખથી વધુ ઘરેલું તેમજ 6 લાખથી વધુ જાહેર શૌચાલયોનું નિર્માણ કેન્દ્રની ભાજપા સરકારે કર્યું છે. આ ઉપરાંત ઉજ્વલા યોજના મારફત 12 કરોડથી વધુ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપી તેમના સ્વાસ્થ્યનું રક્ષણ અને જીવનને સુવિધાયુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ઉતરોતર આગળ વધારી રહ્યા છીએ.