Abtak Media Google News

તાલુકાના નાનકડા ગામોમાં આધુનિક સુવિધાઓ

સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો બહુધા આદિજાતિ વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર છે. કુદરતનું ભરપુર સૌંદર્ય આ તાલુકાને મળ્યું છે આમ તો વિજયનગર તાલુકો પોળો જંગલો માટે જાણીતો છે પરંતુ વિજયનગર માત્ર પોળો જ નહીં પરંતુ અહીંની ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ વારસા-વૈભવ માટે જાણીતો સરહદી તાલુકો છે.

આ વિસ્તારનુ એક નાનકડું રૂડું રૂપાળું ગામ રાજપુર સાબરકાંઠાનું બીજું પુંસરી ગામ બનવા જઈ રહ્યું છે. ગામના સરપંચશ્રી પંકજભાઇ પટેલ જણાવે છે કે, માંડ ૮૦૦ની વસ્તી ધરાવતુ આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગામ વિકાસયાત્રાની પગદંડીની ઝાંખી કરાવે છે. નાનકડા ગામમાં દરેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે ગામમાં પ્રાથમિક શાળા, હેલ્થ સેન્ટર, ક્ધયા અને કુમાર નિવાસી આશ્રમશાળાઓ, દેના બેન્ક, એ.ટી.એમની પણ સુવિધા  છે. આ નાનકડા ગામમાં આઈ.ટી.આઈ કોલેજ છે ગામમાં નગરપાલિકાની જેમ સ્વચ્છતા અભિયાન ચલાવાય છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છ ગામ નિર્માણ ગુજરાત નિર્માણ માટે ગામમાં અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઘરે ઘરે જઈને લોકો દ્રારા ટ્રેક્ટરથી કચરો એકઠો કરવામાં આવે છે અને અન્યત્ર ખાડો બનાવી આ કચરાનો નિકાલ કરવામાં આવે છે. ગામમાં નલ સે જલ ના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અભિગમ દ્વારા સ્વચ્છ શુધ્ધ પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે ગામમાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જન્મે તે હેતુથી આઇ.ટી.આઇ કોલેજમાં  એન.સી.સી  ચલાવવામાં આવે છે. તેના થકી યુવાનો આર્મીમાં ભરતી થવા માટે સુસજ્જ બને છે.

વધુમાં સરપંચ જણાવે છે કે, આ વર્ષે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ મંત્ર એક બાળ, એક ઝાડ અનુસાર ગ્રામજનોએ આ ગામમાં ૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરેલ છે અને તેના જતનનો સંકલ્પ કર્યો છે. હરિયાળા વનો હરિયાળી ધરતીને સાકાર કરી રહ્યા છે. વળી ગ્રામજનોના દિવસની શરૂઆત ભજન આરતી દ્વારા થાય અને મનને પ્રફુલ્લીત કરી  માનસીક શક્તિમાં વધારો થાય તે માટે સમગ્ર ગામમાં લાઉડ સ્પીકર દ્વારા સવાર-સાંજ આરતી ભજન કરવામાં આવે છે. આ નાનકડા ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બની શકે તે હેતુથી ગામ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે.સૌને સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ગામનો વિકાસ આટલા પૂરતો સિમિત ન રહેતા ગામમાં સૌના આરોગ્યની ચિંતા કરીને અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ આવેલું છે જે ગ્રામજનોના આરોગ્ય સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.

આ ગામમાં મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે તે માટે દૂધ મંડળી પણ ચલાવવામાં આવે છે સાથે નાના બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે દુધનો સમતોલ આહાર નાના ભૂલકાઓને અપાય છે. મહિલાઓ પોતાના ઘરે રાખેલ ગાય ભેંસના દૂધને ડેરીમાં જમા કરાવી સ્વાવલંબી બની આજીવીકા રળે છે. મહિલાઓ શુભ-અશુભ પ્રસંગે રીવાજ મુજબ  એક સાથે સ્નાન કરી શકે તે માટે ગામમાં એક જાહેર સ્નાનાગાર છે. ગામ અરવલ્લીની ગિરીકંદરાઓમાં આવેલુ છે. જેથી ગામની ફરતે પ્રોટેકશન વોલ બનાવેલી છે. ખરેખર સાબરકાંઠા વિજયનગરનું આ નાનકડું રાજપુર ગામ સરકારની યોજનાઓના લાભ થકી પ્રગતિના પથ પર આગળ કદમ માંડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.