Abtak Media Google News

ત્રણ વેપારીઓ પાસે જથ્થો વધુ નીકળતા જાહેરનામાના 30 દિવસની અંદર નિકાલ કરવાની સૂચના

અબતક, રાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા કઠોળના સ્ટોક અર્થે છ મોટા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ વેપારીઓ પાસે જથ્થો વધુ નીકળતા જાહેરનામાના 30 દિવસની અંદર નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારના તા.2 જુલાઈ 2021ના આદેશ તેમજ ગુજરાત સરકારના આવશ્યક ચીજવસ્તુ( લાયસન્સ, સ્ટોક અને નિયંત્રણ) સુધારા આદેશ- 2021 અન્વયે કઠોળ ( મગ સિવાય)ની જણસીનું તા.31/10/2021 સુધી સ્ટોક મર્યાદા લાગુ પડેલ છે. તપાસ સમયે સ્ટોક મર્યાદાની બહાર જથ્થો મળી આવે તો આ જથ્થો જાહેરનામાની તારીખથી 30 દિવસની અંદર જથ્થો નિકાલ કરવાનો રહે છે. તેવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે..

આ સુધારા આદેશ અન્વયે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 6 પેઢીને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તરઘડીમાં આવેલ ભેડા બ્રધર્સમાં દેશી ચણા અને કાબુલી ચણાનો સ્ટોક મર્યાદા કરતા 361 મેટ્રિક ટન વધુ જણાયો હતો. તરઘડીના એચ. ભેડા બ્રધર્સમાં દેશી ચણા અને કાબુલી ચણાનો સ્ટોક મર્યાદા કરતા ઓછો હતો. જ્યારે પરાપીપળીયામાં રઘુલીલા એગ્રો.માં ચણા, અડદ, તુવેર અને મગનો સ્ટોક મર્યાદા કરતા ઓછો હતો. દાણા પીઠમાં સુદર્શન ઇન્વેસ્ટમેન્ટમાં તુવેરનો સ્ટોક લીમીટ કરતા 195.14 મેટ્રિક ટન વધુ નીકળ્યો હતો.

બેડી માર્કેટ યાર્ડમાં તાજ ઇમ્પેક્ષ લી.માં ચણાનો સ્ટોક તપાસ સમયે 200.75 મેટ્રિક ટન વધુ જણાયો હતો. જ્યારે બેડી માર્કેટ યાર્ડમાં સોમનાથ ટ્રેડિંગ કંપનીમાં ચણાનો જથ્થો મર્યાદા કરતા ઓછો જ જણાયો હતો. આમ કુલ 3 પેઢીને ત્યાં સ્ટોક મર્યાદાથી વધુ જણાયો હોય તેઓને જાહેરનામાંના 30 દિવસમાં આ સ્ટોકનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પુરવઠા વિભાગ દ્વારા હજુ પણ વેપારીઓને ત્યાં સ્ટોક સબંધીત ચેકીંગ ચાલુ જ રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.