Abtak Media Google News

રાજકોટને છેલ્લા કેટલાંક દિવસથી વેક્સિનનો પુરતો જથ્થો પુરો પાડવામાં આવતો નથી. જેના કારણે કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઈવ કેન્સલ કરવામાં આવી રહી છે. આગામી 8મી જુલાઈથી શરૂ થતી પરીક્ષામાં 30 હજારથી વધુ વિદ્યાર્થી વેક્સિન લીધા વીના પરીક્ષા આપશે અને કોરોનાથી સંક્રમિત થવાની ભીતિ પણ ઉભી થવા પામી છે. જો રાજકોટને કોરોનાની વેક્સિનના પુરતા ડોઝ ફાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી મ્યુનિ.કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

એનએસયુઆઈના શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં આજે મ્યુનિ.કમિશનરને અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, એક તરફ ભાજપના આગેવાનો એવી ડંફાસો મારી રહ્યાં છે કે, વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ શહેરની 20 લાખની વસ્તીમાં રોજ માત્ર 6 હજાર જેટલા ડોઝ આપવામાં આવે છે.

છેલ્લા એક સપ્તાહમાં 3 કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઈવ કેન્સલ કરવામાં આવી છે. હજારો છાત્રો હવે કોરોનાના ભય વચ્ચે વેક્સિન લીધા વીના પરીક્ષા આપશે. આગામી દિવસોમાં જો રાજકોટને પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ફાળવવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.