Abtak Media Google News

પ્રમુખ, મંત્રી સહિત 12 શખ્સો સામે ગુનો નોંધી નવ શખ્સની ધરપકડ

વિસાવદરના કાલસારી સેવા સહકારી મંડળીના મંત્રીએ 2018/19 ના વર્ષમાં મંડળીના રૂ. 6,77,804ની કરેલ ઉચાપતમાં મદદગારી કરનાર અને સને 2021/22 ના વર્ષમાં બેંકના રૂ. 12,19,059 નહિ ભરી તેમજ મંડળીનું રેકોર્ડ પણ નહીં આપતા, વિસાવદર તાલુકાની કાલાસારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિતના 12 શખ્સો સામે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ ફરિયાદ નોંધાવતા સહકારી ક્ષેત્રમાં હલચલ મચી જવા પામી છે. બીજી બાજુ વિસાવદર પોલીસે આ ગુન્હામાં કાલસારી સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિત 9 શખ્સોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

વિસાવદરના કાલસારી સેવા સહકારી મંડળીના મંત્રી સંજયભાઈ છગનભાઈ વઘાસિયાએ સને 2018/19 ના વર્ષમાં  મંડળીના 6,77,804 જેટલા રૂપિયાની પોતાના અંગત ફાયદા સારું ઉચાપાત કરી, મંડળીમાં કે બેંકમાં જમા નહીં કરાવી, ખોટા  ડોક્યુમેન્ટ ઊભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ હતો. જ્યારે મંડળીના પ્રમુખ સહિતના 11  આરોપીઓએ તેમાં તેને મદદગારી કરી તેમજ મંડળીએ સને 2021/22 ના વર્ષમાં બેંકના રૂ. 12,19,059 નહિ ભરી તેમજ મંડળીનું રેકોર્ડ પણ નહીં આપતા, વિસાવદર તાલુકાની કાલાસારી મંડળી ફડચામાં ગયેલ હતી.

દરમિયાન વર્ષ સન. 2018 થી આજ દિન સુધી ચાલી આવતી કાલસારી સેવા સહકારી મંડળીની આ બાબતે અંતે  જુનાગઢ સહકારી બેંકનાં મેનેજર મુસ્તાકભાઇ હબીબભાઇ મુલતાની એ કાલસારી સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત કુલ 12 આરોપીઓ સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વિસાવદર પો.ઇન્સ. આર.બી. ગઢવીએ આ ફરિયાદ અનુસંધાને તપાસ હાથ ધરી 9ની ધરપકડ કરી છે.

જેમની સામે ફરિયાદ થયેલ છે તે કાલાસારી સેવા સહકારી મંડળીના હોદેદારો મધુભાઈ જીવાભાઇ પદમાણી, કિરીટભાઈ બચુભાઈ ગોળ, રમેશભાઈ ભીખાભાઈ કિકાણી, ધીરુભાઈ  પ્રેમજીભાઈ ઠુંમર, બાબુભાઈ ધનજીભાઈ વઘાસિયા, ગાંડુભાઇ મોહનભાઈ ચાવડા, મણીભાઈ માયાભાઈ  સરધારા, વિનુભાઈ મોહનભાઈ વઘાસિયા, દુર્લભભાઈ લાધાભાઈ ભાલિયા, છગનભાઈ લવાભાઈ  વઘાસીયા, સંજયભાઈ છગનભાઈ વઘાસિયા, નકુલભાઈ ધીરજલાલ ઠુંમર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.