Abtak Media Google News

મુંબઇ સ્થાયી થયેલા વયોવૃઘ્ધ વાંકાનેર આવ્યા ત્યારે જમીન બીજાના નામે વેચાણ થયા હોવાની ખબર પડી

અમદાવાદ મનપામાં મરણનો ખોટો દાખલો બનાવી કૌભાંડ આચરનાર અમદાવાદની બે બહેનો અને રાજકોટના ત્રણ શખ્સો સહીત પાંચ સામે નોંધાતો ગુનો

મુળ વાંકાનેરના અને મુંબઇ સ્થાયી રહેતા વૃઘ્ધ દંપતિની વાંકાનેરમાં આવેલી કરોડોની જમીન અમદાવાદની બે બહેનોએ ખોટા દસ્તાવેજો બનાવી રાજકોટના એકને વેંચી નાખી કૌભાંડ આચર્યુ હતું. જયારે મુંબઇથી વૃઘ્ધ દંપતિ વાંકાનેર પોતાની જમીન માટે આવ્યું ત્યારે તેમની જમીન બીજાના નામે થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને તપાસ કરતા અમદાવાદની બે બહેનોએ તેમના અમદાવાદ મનપાના મરણના દાખલા બનાવી જમીન વેંચી નાખી હતી. જેથી જેને પાંચ સામે  ગુનો નોંધાવતા છે.

વિગતો મુજબ વાંકાનેરના વતની અને મુંબઇ સ્થાયી થયેલા રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉ.વ.92)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના સુચિત રમેશ જોષી, અમદાવાદની મોના રજનીકાંત મહેતા, કુસુમ રજનીકાંત મહેતા, રાજકોટના રમેશ ડાયા વડોદરિયા અને જયંતી ધીરૂ સાકરિયાના નામ આપ્યા હતા.

રજનીકાંતભાઇ સંઘવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાંકાનેરમાં અલગ અલગ સર્વે નંબર નવથી વધુ જમીન તેમના નામની અને કબજાની આવેલી છે, તાજેતરમાં રજનીકાંતભાઇ વાંકાનેર લગ્નપ્રસંગે આવ્યા હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું હતું કે, તેમની માલિકીની જમીનનો તા.17 સપ્ટેમ્બર 2022ના દસ્તાવેજ થઇ ગયો છે, જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે અને કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દતાણીની પત્ની દર્શાવવામાં આવી છે તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી.

આરોપીઓએ જમીન માલિક રજનીકાંત અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહી દંપતીનું સરનામું અમદાવાદ દર્શાવવામાં આવ્યું હતું, બંનેને મૃત જાહેર કર્યા બાદ અમદાવાદની બંને મહિલાઓ પોતાને રજનીકાંતભાઇ સંઘવીની સીધી વારસદાર તરીકે દર્શાવી વારસાઇ એન્ટ્રી પડાવી હતી અને ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો, વારસદાર બન્યા પછી બંને મહિલાઓએ રાજકોટના સુચિત જોષીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. ત્રણ કરોડથી વધુની આ જમીન બારોબાર વેંચવાનો કારસો રચ્યાનુ સ્પષ્ટ થતાં પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.