Abtak Media Google News

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે એકના એક દિકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજતા આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે સાથે આપણી વિસરાતી જતી આ જુની પરંપરાને ફરી તાજી કરી સમાજને એક નવી રાહ ચીંધી છે.આજના હાયફાય યુગમાં લગ્નમાં દેખાદેખીમાં લોકો કરોડો રૂપિયાના ખર્ચે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વસતા અને મુળ ખોડુ ગામનાં રહીશ લાભુભાઇ ડાભીના દિકરા ધવલનાં લગ્નમાં જાન લઇ જવામાં આવી હતી. આજે ખોડુ ગામથી જાન વઢવાણ ખાતે આવી પહોંચી હતી.

હાલના સમયે દેખાદેખીમાં લોકો જાનમાં મોંઘી વૈભવી ગાડીમાં જાન લઇ જવાનો આગ્રહ રાખતા હોય છે અને આવી મોંઘી વૈભવી કાર માટે માત્ર કલાકો માટે ભાડે રાખી હજારો રૂપિયા ખર્ચ પણ કરતા હોય છે ત્યારે લાભુભાઇએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે દિકરાની જાન બળદગાડામાં યોજી હતી. જેમાં બળદગાડાને સુંદર શણગારવામાં આવ્યું હતું.જેમાં બળદોને પણ શીંગડીયાળા એટલે કે શીંગડા પર ભરત ભરેલા કાપડનો શણગાર, મશીયાળા એટલે કે બળદના મોં ના ભાગને પણ શણગારમાં આવ્યો હતો. તેમજ ઝુલુ એટલે કે બળદની પીઠ પર રાખવામાં આવતા કપડાને પણ શણગારવામાં આવ્યા હતા. બળદગાડામાં જાન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમી સંસ્કૃતિને બદલે આપણી ઐતિહાસિક પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતુ.

અને આ શણગારેલા બળદગાડામાં આવેલી જાન સમગ્ર વઢવાણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રાચીન સમયની યાદોને લોકોના માનસપટ પર ફરી એકવાર જીવંત કરી દીધી હતી. આપણી વિસરાતી જતી આ જુની પરંપરાને ફરી તાજી કરી સમાજને એક નવી રાહ ચીંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.