Abtak Media Google News

સાતમી સદીથી તેરમી સદી સુધીના અલભ્ય પ્રાચીન શિલ્પો પણ નિહાળી શકાશે

ભારતીય સંસ્કૃતિના ઇજનેરી કૌશલ્યોમાં શિલ્પ-સ્થાપત્ય કલા બેનમુન છે. સૌ પ્રથમ ગુફાઓમાં અલંકરણરરૂપે રચનાઓ થતી, ત્યારબાદ સ્થાપત્ય કલા ગુફાઓથી ભવન નિર્માણ તરફ આગળ વધી, સ્તૂપ, મંદિરો, મહેલો, કિલ્લાઓ, મસ્જિદોમાં વિસ્તરવા લાગી. આવા અદભુત પ્રાચીન વારસાની જાળવણી કરવા માટે કેન્દ્ર સરકારની સાથસાથે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે.

Advertisement

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારૂપ સ્થાપત્યોના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવાય, એ ઉદેશથી ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અને 18 એપ્રિલના રોજ ’વલ્ર્ડ હેરીટેજ ડે’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક – સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટ શહેરમાં જ્યુબિલી બાગ ખાતે આવેલા વોટસન મ્યુઝિયમ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક વારસારૂપ સ્થાપત્યોના સંરક્ષણ માટે લોકજાગૃતિ અર્થે ’સૌરાષ્ટ્રનો સ્થાપત્યકીય કલા વારસો’ રજૂ કરતી કલાવશેષોની ચૂંટેલી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.

વોટસન મ્યુઝિયમના ક્યુરેટર  સંગીતાબેન રામાનુજએ જણાવ્યું હતું કે અહીં પ્રદર્શિત તસવીરોમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામની શૈલ ગુફાઓ, જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામનું સાંકળેશ્વર મહાદેવ મંદિર, ધોરાજીનો દરબારગઢ, જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં આવેલ નવલખા મંદિર, ગણેશ મંદિર, રામપોળ દરવાજો, સોનકંસારીના દેરા ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનો ગંગવોકુંડ અને તેની ઉપરના ચાર મંદિરો તથા  પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામનો મંડાપોળ દરવાજો, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં આવેલો મોડપર દરવાજો સહીત સૌરાષ્ટ્રના ભવ્ય પ્રાચીન સ્થાપત્યકીય વારસાને ઝાંખી કરાવવામાં આવી છે.

આ પ્રદર્શન નિહાળવા વોટસન મ્યુઝીયમમાં આવતા મુલાકાતીઓ મ્યુઝીયમમાં પ્રદશિત કરવામાં આવેલા ઘુમલી સ્થાપત્ય સહિત સાતમી સદીથી તેરમી સદી સુધીના વિવિધ પ્રાચીન શિલ્પો પણ નિહાળી શકશે. એટલું જ નહીં, સાંજે 4 વાગ્યે આવનાર મુલાકાતીઓના સમૂહને દેશના સૌ પ્રથમ હેરીટેજ સીટી અમદાવાદ અને ગુજરાત-સૌરાષ્ટ્રના સ્થાપત્યો તેમજ વોટસન મ્યુઝીયમની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે તા. 21 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન આયોજિત વોટસન મ્યુઝિયમમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના સ્થાપત્યકીય ઇતિહાસ આલેખતા રાજ્ય રક્ષિત સ્મારકોનું તસવીર પ્રદર્શન નિહાળવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.