Abtak Media Google News

અક્ષય તૃતિયાના દિવસે એવું શું બન્યું હતું જેથી આ તિથી ‘અક્ષય’ કહેવાય

સતયુગ જેવો કોઈ યુગ નહીં, વેદ જેવું કોઈ શાસ્ત્ર નહીં,ગંગાજી જેવું કોઈ તીર્થ નહીં,અક્ષય તૃતીયા જેવી કોઈ તિથિ નહીં…

વૈશાખ મહિનાની સુદ ત્રીજને દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય તે. અક્ષય તૃતીયાનો દિવસ સ્વયં સિદ્ધ થયેલો હોવાથી આ દિવસે શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી, તેથી તેને વણજોયું મુહૂર્ત કહેવાય છે. અને અક્ષય તૃતીયાને સૌભાગ્યનો દિવસ પણ કહેવાય છે.અક્ષય તૃતીયાનું મહત્વ તો બધા જાણે જ છે. પરંતુ આ દિવસે એવું શું બન્યું હતું કે જેણે આ તિથિને અક્ષય કરી દીધી !!

બ્રાહ્મણોના દેવતા શ્રી પરશુરામજી નો જન્મ અક્ષય તૃતીયા ના દિવસે થયો હતો. તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર કહેવાય છે, અને તેઓ અમર થઈ ગયા છે. રામાયણ અને મહાભારત બંનેમાં પરશુરામજી હતા અને હજુ આ કળિયુગમાં પણ તેઓ જીવંત હોવાનું મનાય છે. કળિયુગના અંતે ભગવાન કલ્કિ અવતાર લેશે જે વિષ્ણુ ભગવાનનો છેલ્લો અવતાર હશે, અને ત્યારે ભગવાન કલ્કિ નાં ગુરુ પરશુરામજી હશે. આમ પરશુરામજી ની ગણતરી ચિરંજીવી મહાત્માઓમાં થાય છે. જેથી અક્ષય તૃતીયાને પરશુરામ જયંતિ કે ચિરંજીવી તિથિ પણ કહેવાય છે.

અક્ષય તૃતીયાના દિવસે જ માં ગંગા નું અવતરણ પૃથ્વી ઉપર થયું હતું. તેમજ શાસ્ત્રોમાં કહ્યા મુજબ માં અન્નપૂર્ણા એ અક્ષય તૃતીયાના દિવસે જ અક્ષય પાત્ર હાથમાં લઈને મહાદેવજીને ભિક્ષા આપી હતી. કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે જ કુબેર ને ખજાનો મળ્યો હતો. તેમજ સતયુગ અને ત્રેતા યુગ ની શરૂઆત પણ અક્ષય તૃતીયાના દિવસે જ થઈ હતી, તેથી તેને યુગાદિ તીથી પણ કહેવાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દ્રૌપદીનું ચીરહરણ અક્ષય તૃતીયાના દિવસે જ થયું હતું, જેના ચીર પૂર્ણ થતા જ ન હતા. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અક્ષય તૃતીયાના દિવસે દ્રૌપદીના ચીર પુરાયા હતા. કૃષ્ણ સુદામા નું મિલન અક્ષય તૃતીયાના દિવસે જ થયું હતું અને શ્રીકૃષ્ણ દ્વારા સુદામાને અપાયેલું ધન અક્ષય બની ગયું હતું, જે ક્યારેય ખૂટ્યું ન હતું.

જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવે 400 દિવસની તપસ્યાના પારણા અક્ષય તૃતીયાના દિવસે શેરડીનો રસ પીને કર્યા હતા. 13 માસ ને 10 દિવસ ના આ તપને વર્ષીતપ કહેવાય છે. આજે પણ જૈન અનુયાયીઓ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના પારણા કરે છે. આમ જૈનોમાં અક્ષય તૃતીયાનું અનેરૂ મહત્વ છે.હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે દરેક શુભ કાર્ય કરીને તેનું અનેક ગણું શુભ ફળ મેળવી શકાય છે. આ વખતે 22 એપ્રિલને શનિવારે અક્ષય તૃતીયાનો પર્વ ગ્રહોના આધારે પણ શુભ ફળદાતા છે. મેષ રાશિમાં ચતુર્ગ્રહી મહાસંયોગ થયો છે. ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના થઈને બિરાજમાન છે.

વૃષભ રાશિમાં ઉચ્ચનો ચંદ્ર અને સ્વગ્રહી શુક્ર, તેમજ કુંભ રાશિમાં સ્વગ્રહી શનિદેવ બિરાજતા હોવાથી અક્ષય તૃતીયાનો દિવસ વિશેષ મંગલકારી છે.

અક્ષય તૃતીયાના દિવસે શ્રદ્ધાથી ગંગા સ્નાન કરવાથી અને ભગવત પાઠ પૂજન કરવાથી જીવનના દરેક કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી પોતાના પાપ અપરાધની ક્ષમા માગવાથી ભગવાન, પાપ કૃત્ય કરનારને માફ કરી દે છે અને પોતાની કૃપા વરસાવે છે. અક્ષય તૃતીયાના દિવસે અંદરના દુર્ગુણો ભગવાનના ચરણોમાં અર્પણ કરીને સદગુણોને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

– ચલતે ચલતે – નીતા મહેતા,રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.