Abtak Media Google News

વિજય હઝારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં તામિલનાડુને 311નો લક્ષ્યાંક આપતું સૌરાષ્ટ્ર: અર્પિત વસાવડા અને વિશ્ર્વરાજ જાડેજાને અર્ધી સદી ફટકારી

બીબીસીઆઇની વિજય હઝારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટના જયપુર સ્થિત વસાઇ માનસિંગ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા બીજા સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે શેલ્ડન જેક્શનની ફાંફડી સદીની મદદથી 310 રનનો તોતીંગ જુમલો ખડક્યો છે. જેની સામે તામિલનાડુની ટીમે 75 રનમાં 2 વિકેટો ગુમાવી દીધી છે.

વિજય હઝારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટના બીજા સેમિફાઇનલ મેચમાં તામિલનાડુના સુકાનીએ ટોચ જીતી સૌરાષ્ટ્રની ટીમને પ્રથમ બેટીંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. સૌરાષ્ટ્રનો આરંભ નબળો રહ્યો હતો. માત્ર 31 રનના સ્કોર પર ઓપનર હાર્દિક દેસાઇ 9 રન બનાવી પેવેલીયનમાં પરત ફર્યો હતો.

જો કે ત્યારબાદ વિશ્ર્વરાજ જાડેજા અને શેલ્ડન જેક્શને તામિલનાડુના બોલરોનો મક્કતાપૂર્વક સામનો કરતાં 92 ભાગીદારી નોંધાવી હતી. વિશ્ર્વરાજ 74 બોલમાં 52 રન બનાવી આઉટ થયો હતો. શેલ્ડન જેક્શને આજે તામિલનાડુના તમામ બોલરોની ખબર લઇ લીધી હતી. તેને 4 સિક્સર અને 11 ચોગ્ગાની મદદથી 134 રન ફટકાર્યા હતાં. સમગ્ર ટૂર્નામેન્ટમાં બેટીંગ અને બોલીંગથી સર્વોત્તમ પ્રદર્શન કરનાર પ્રેરક માંકડે પણ 32 બોલમાં આક્રમક 37 રન ફટકાર્યા હતાં.

અંતિમ ઓવરોમાં અર્પિતા વસાવડાએ આક્રમક બેટીંગ કરતા 40 બોલમાં 57 રન બનાવ્યા હતાં. સૌરાષ્ટ્રની ટીમે બીજા સેમિફાઇનલમાં નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 310 રનનો તોતીંગ જુમલો ખડકી દીધો હતો. શેલ્ડન જેક્શને આક્રમક સદી ફટકારી હતી. જ્યારે વિશ્ર્વરાજ જાડેજા અને અર્પિત વસાવડાએ અર્ધી સદી ફટકારી હતી.

311 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી તામિલનાડુની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. નારાયણ જગદીશન અને સુકાની વિજય શંકર, ચેતન સાકરિયાનો શિકાર બન્યા હતાં. આ લખાઇ રહ્યું છે ત્યારે તામિલનાડુની ટીમે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 75 રન બનાવી લીધા છે. જયપુર ખાતે રમાયેલી રહેલા અન્ય એક સેમિફાઇનલ મેચમાં હરિયાણાની ટીમે પ્રથમ દાવ લઇ 6 વિકેટના ભોગે 281 રન બનાવી, સર્વિસીસને 282 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેની સામે સર્વિસીસની ટીમે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 60 રન બનાવ્યા છે. બંને સેમિફાઇનલમાં વિજેતા બનનારી ટીમો વચ્ચે આગામી રવિવારે ફાઇનલ મેચ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.