Abtak Media Google News

મનહર પ્લોટમાંથી લોડેડ પિસ્ટલ સાથે ઝડપાતા પોલીસે પગેરૂ દબાવતા પરપ્રાંતિય શખ્સ સહિત બે શખ્સની ધરપકડ

શહેરમાં મનહર પ્લોટ 07 માં કોળી શખ્સ હથિયાર સાથે આંટાફેરા કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી વિજય પ્લોટના કોળી શખ્સને પીસ્ટલ – બે કાર્તિસ સાથે ઝડપી લઈ રૂ. 20,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે વિજય પ્લોટના શખ્સને પીસ્ટલ સપ્લાય કરનાર મૂળ યુપીના સપ્લાયરને શાપરમાંથી તમચા તથા કારટીસ સાથે ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ  મનહર પ્લોટ-7 માં આવેલા પુલ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે અને વેચવાની પેરવીમાં હોવાની એસીપી ક્રાઇમની ટીમના એએસઆઇ આર.કે.જાડેજા, સી.બી.જાડેજાની ટીમને પેટ્રોલિગ દરમિયાન માહિતી મળતા પોલીસ સ્ટાફ સાથે તુરંત મનહર પ્લોટ દોડી જઇ વિજય પ્લોટ-9માં રહેતો હાર્દિક ઉર્ફે ઘોડો પ્રવીણ સોલંકીને ઝડપી પાડી તેની તલાશી લેતા નેફામાંથી એક સાડા છ ઇંચ લાંબી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેમજ પેન્ટના ખિસ્સામાંથી બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.હથિયાર અંગે પૂછપરછ કરતા હાર્દિક ઉર્ફે ઘોડો ગેંગેંફેંફેં કરવા લાગ્યો હતો. જેથી તેને પોલીસમથક લઇ જવાયો હતો. પોલીસ સકંજામાં સપડાઇ ગયેલા હાર્દિકની આકરી પૂછપરછ કરતા તે લોહાનગરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. આ હથિયાર પંદર દિવસ પહેલા એક બબલુ ભૈયા નામના શખ્સ પાસેથી રૂ.10 હજારમાં ખરીદી કરી હતી. અને તે ઊંચા ભાવે વેચવા ગ્રાહક શોધતો હતો ત્યારે સકંજામાં સપડાઇ ગયાની કબૂલાત આપી છે.જે પૂછપરછના આધારે એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આર.કે.જાડેજાએ સપ્લાયર ગુડડન ઉર્ફ બબલુ હબીબખાન પઠાણ ( ઉ.વ 32) ( રહે.શાપર કોટડા સાંગણી ) ની ધરપકડ કરી તેની પાસેથી તમંચો જીવતા કાર્ટુસ નંગ 2 મળી રૂ. 5200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા હાર્દિકને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.આરોપીને નાનપણથી ઘોડેસવારીનો શોખ હોય મિત્રો બધા તેને હિતેશને બદલે ઘોડો કહીને બોલાવતા હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.