Abtak Media Google News

‘બા , મારી કઠણાઈની વાત શું કરું ? એક તો ઓરડો નાનો ને ફળિયું મોટું … અને ઈ પાંચેય બે’નનાં રૂપરંગ એવાં છે કે એમાં મારી ઘરવાળી કઈ ઈ વાતનો વિચાર કરવો પડે!’

તાવ !

નાગવાળાનાં કપડાં લેવા ગયેલો સવલો ઉપર ઓરડે પહોંચ્યો અને ઓરડા પાસે ઊભા રહી હળવે સાદે કહ્યું : ‘અરે , મીઠીબોન ! …’

‘કોણ ?’  કહેતી મીઠી દ્વાર પાસે આવી.

સવલાએ કહ્યું !  ઈ તો હું સવલો … નાના બાપુનાં લૂગડાં આપોને….’

ઓરડામાં એક તરફ ચાકળા પર બેઠેલી આલણદેએ કહ્યું :  ‘સવલા , અંદર આવ.’

‘ ખમ્મા મારાં બાને ! ખમ્મા સવિયાણાનાં ધણિયાણીને નારાયણ.  બા . નારાયણ.’  કહેતો કહેતો સવલો ઓ2ડામાં ગયો અને ચાકળા પર બેઠેલી આલણદેને જોઈને અવાક્ બની ગયો … શું રૂપ ? શું રુઆબ ? પંદર વરસની કાઠિયાણી કોઈને નાનું બાળ તો લાગે જ નહિ … અને એનો કડપ … ઓ હો હો … શું બાયડી મળી છે !

આલણદેએ કહ્યું :  ‘તારા નાના બાપુ શું કરે છે ?’

‘સીમમાંથી હમણાં જ પધાર્યા …. આ હાથમોં ધોઈને મોટાબાપુના ઓરડે ગીયા … આજ મોટા બાપુને પાછો તાવ આવી ગીયો છે … હું જીવરામ વૈદને બકોરવા ગીયો’તો … તે ..’

‘મોટા બાપુને તાવ આવી ગયો છે ?’

‘હા , મા …’

‘મીઠી , દરબારનાં કપડાં કાઢીને સવલાને દે … મજૂસમાં પડ્યાં  છે.!’્ર

‘જી …’  કહીને મીઠી મજૂસ તરફ ગઈ.

સવલાથી બોલાઈ જવાયું :  બા , ગનો માફ કરો તો નાના મોઢે મોટી વાત કરી નાખું.’

‘કઈ વાત છે ? તું તારે કહી નાખ …’

‘ કાંઈ નઈં , મા … હું મારા નાના બાપુનાં નસીબ જોઈને રાજીનો રેડ થઈ ગયો છું.’  સવલો બોલ્યો.

‘શેનાં નસીબ?’

‘નસીબદારને જ આપના જેવું રતન મળે, બા … આ કાંઈ જેવી તેવી વાત નથી ..’

‘અરે ગાંડિયા, મારામાં તે એવું શું હતું ?’  આલણદેએ કહ્યું,

‘બા , મને વાત કરતાં આવડે નઈં એટલે શું કહું ? બાકી આપ તો દેવક્ધયાને ય શરમાવો એવાં છો … હું તો રાજદરબારમાં રીયો છું ને ઘણી કાઠિયાણીઓને જોઈ છે … પણ બા , જે દી દીનોનાથ નવરો હશે તે દી જ આપને ઘડયાં હશે ! ધન છે મારા નાના બાપુને ! ’

પોતાનાં વખાણ સહુને પ્રિય હોય છે … એમાં ય સ્ત્રી પોતાના રૂપની પ્રશંસા સાંભળીને ભારે ગૌરવમયી બની જાય છે. આલણદેએ કહ્યું : ‘સવલા , તારી વહુ હજી સુધી આવી નઈં…’

‘ ઈ આવવાનું તો કરતી’તી , પણ કરમમાં કઠણાઈ ચોંટી હોય ત્યાં શું થાય ?’

‘ શું માંદી પડી છે ?’

‘ના , બા … ઈ માંદી પડે એવી તો છે જ નઈં … એની માટીમાં કોણ જાણે એવો મેળ છે કે તાવતરિયો પડખેય ચડતો નથી … આ તો એક નવી ઉપાધિ આવી પડી છે.’

આલણદેને સવલાની વાતમાં રસ પડતો હતો … કારણ કે દરબારગઢમાં આવ્યા પછી આ રીતે વાત કરનાર એને કોઈ મળ્યું નહોતું . તેમ, તેનો સ્વભાવ પણ એવો હતો કે ફઈબા પાસે ઘડીક બેસીને પોતાના ઓરડે ચાલી આવે ! તે બોલી :  કઈ વાતની ઉપાધિ આવી પડી છે?’

‘ શું કહું , બા … મારા નાના બાપુના લગ્ન ટાંણે મારી ચાર સાળીઓને સંદેશો મોકલ્યો  તો … કોણ જાણે શું થીયું … સુદ કે વદનો ફે2 પડી ગયો કે રામ જાણે ! લગ્ન ઉપર કોઈ નોં આવ્યું..પણ આજ પોર દી ચડ્યે ચારેય સાળીયું કચાંબચાં સાથે આવી ગઈ.’  સવલાએ કહ્યું.

‘ આ તો સારું કે’વાય . આમાં કઠણાઈ કઈ વાતની ?’

‘બા , મારી કઠણાઈની વાત શું કરું ? એક તો ઓરડો નાનો ને ફળિયું મોટું … અને ઈ પાંચેય બે’નનાં રૂપરંગ એવાં છે કે એમાં મારી ઘરવાળી કઈ ઈ વાતનો વિચાર કરવો પડે!’

સવલાની વાત સાંભળીને આલઝદે આછું હસી,

મીઠીએ નાગવાળાનાં કપડાં સવલા પાસે મૂક્યાં . સવલાએ કહ્યું લઈને કહ્યું :  ‘બા , નારાયણ ….’

‘આમ કો’ક વાર આવતો રે’જે ને તારી વહુને કે’જ , ચારેય બે’નુંને લઈને કાલ આવે !’

‘કહીશ , બા …’   કહેતો કહેતો સવલો ઓરડા બહાર નીકળી ગયો.

જીવરામ વૈદ સાથે બીજા કોઈ માણસને મોકલ્યો હતો … સવલ જેવો કપડાં લઈને ઓરડામાં દાખલ થયો કે તરત નાગવાળાએ કહ્યું :  ‘અલ્યા , આટલી બધી વાર ?’

‘ ઓરડે ગીયો તો તે મારાં બાએ બે ઘડી રોકી રાખ્યો.’  કહી સવલાએ નાગવાળાના હાથમાં કપડાં મૂક્યાં.

નાગવાળો કપડાં બદલાવવા બાજુના ઓરડે ગીયો … સવલો ધમ્મરવાળાના પગ દબાવવા બેસી ગયો.

ધમ્મરવાળાએ કહ્યું :  ‘સવા, એક કામ કર્યને ?’

‘ફરમાવો , બાપુ …’

‘ મારો હુક્કો તૈયાર કરી આવ્ય … ક્યારની તલપ લાગી છે …’

‘ અબસાત આવ્યો …  કહીને સવલો ઊભો થયો.

ધમ્મરવાળાએ કહ્યું :  પાણી બદલાવજે.’

‘હા બાપુ …  કહીને સવલો હાથમાં હુક્કો લઈને બા’રો નીકળી ગયો.

થોડી જ પળોમાં નાગવાળો આવી ગયો.

રસોડે બે થાળીનું કહેવડાવેલું . એટલે એક બાનડી બે થાળિયુંમાં ખીચડી, ઘી , બે વાટકા કઢી,  અને લસણનો મસાલો લઈને ઓરડામાં આવી ..

એની જ પાછળ બીજી બાનડી દૂધનું બોધરણું, અને બે ત્રાંસળાં  લઈને આવી.

નાગવાળાએ કહ્યું :  ‘મોટા બાપુને તાવ છે એટલે એક થાળી પાછી લઈ જા..’

તરત ધમ્મરવાળાએ કહ્યું :  ‘નાગ , હું ખરું કહું છું હોં … પેટમાં ખીચડી પડશે કે મારી તાવ ઊતરી જાશે.’

‘બાપુ વૈદની વાત  માનવી જોઈએ….’

‘ તારી વાત સાચી , પણ હજી એની દવા કયાં આવી છે ? દવા લીધા પછી લાંધણ આદરી દઈ.’ ધમ્મરવાળાલએ કહ્યું

‘મારું મન નથી માનતું….’

‘ કાંઈ વાંધો નઈ આવે … પાંચમની છ કોઈ કરવાનું નથી.’  કહી કમ્મરવાળા ખાટલેથી ઊભા થયા.

બીજા ત્રણ ચાર માાસો બેઠા હતા તે ઊઠીને બહાર ગયા

. મોણ જેવી ખીચડી હતી.

દૂધપાક જેવી કઢી હતી …

પૂરેપૂરો પાકેલો દળદાર રોટલો હતો…

ડુંગળીનું શાક હતું …

બાપદીકરો જમવા બેસી ગયા.

તાવના કારણે ધમ્મરવાળાએ હંમેશ કરતાં ઓછું ખાધું … કારણ કે ખોટી ભૂખ હોય ત્યારે મન બહુ થાય . પણ પેટ તો ના પાડી ને જ ઊભું રહે.

સવલો હુક્કો ભરીને આવી ગયો.

દવા લેવા ગયેલો માણસ પણ બહાર ઊભો હતો.

વાળું કરીને ઊભા થતાં ધમ્મરવાળા બોલ્યા :  ‘હવે કોઠે ટાઢક વળી … અલ્યા સવલા ! લાવ , હુક્કો લાવ … અને રાજીને બોલાવીને અહીં જરાક સરખું કરાવી લે.’

ઢોલિયે બેસીને ધમ્મરવાળાએ ધુમ્રપાન શરૂ કર્યું.

નાગવાળો પણ ભોજન કરીને ઊભો થઈ ગયો હતો. તેણે સવલા સામે જોઈને કહ્યું : ‘હું બાપુ પાસે બેઠો છું . તમે બધા રસોડે વાળુ કરી લો !’

‘બધાને રસોડે લઈ જઈશ . મારે તો આજ ઘીરે ગયા વગર છૂટકો નથી !’

‘ તમારાં લગન તો કે’દુનાં પતી ગીયાં … પણ મારે ત્યાં આજ શરૂ થીયાં છે . એકસામટી ચાર સાળીયું સાગમટે આવી છે … !’

‘સારું … રસોડેથી જ જોઈ તે લેતો જાજે અને તરત પાછો વળજે !’

ઓરડો સાફસૂફ થઈ ગયો . દવા લેવા ગયેલો માણસ અંદર આવ્યો અને નાગવાળાના હાથમાં દવા આપતાં બોલ્યો :

વૈદ્યબાપાએ ત્રણ પડીકિયું આપી છે . એક અટાણે લેવાની, બીજી કાલ સવારે ને ત્રીજી કાલ બપોરે ! પાણીમાં લેવાનું કહ્યું છે વૈઘબાપા પોતાની મેળે કાલ સાંજના આવી જશે.’

‘ બીજી કાંઈ ભલામણ કરી છે ?’

‘ ના…’

‘ સારું … તું રસોડે જા ને વાળુ કરી લે.’

બાપુની ખબર કાઢવા માટે આવેલા પાંચસાત માણસો બહાર ઓસરીએ બેઠા હતા તે અંદર આવ્યા … ડાયરાના ચારપાંચ સાથીઓ પણ અંદર આવ્યા.

એક જાજમ બિછાવી હતી. સહુ તેના પર બેસી ગયા. નાગવાળાએ પિતા સામે જોઈને કહ્યું :  ‘દવાની પડીકી લઈ લેશો?’

‘જીવરામની દવા ભારે વહરી હોય છે … કડવી તો એવી હોય કે અફીણનેય એક બાજુ મૂકી દે.આ હમણાં બીતાં બીતાં થોડુંક ખાધું છે … તે સૂતી વખતે લઈશ..’

કપૂરચંદ કામદાર પણ આવી ગયા અને બોલ્યા :  ‘કેમ છે, બાપુ?’

ધમ્મરવાળાએ કહ્યું :  ‘આમ તો કાંઈ નથી, કપૂરચંદ ! આ નાગે વેન લીધું તે દવા મંગાવી. બાકી , અમથું તાવલું આવે એમાં આટલો ભો શેનો હોય ?’

કપૂરચંદ કામદારે કહ્યું :  ‘ભો દશમનને … પણ હું વૈદરાજ પાસે જઈને આવું છું. એણે તો મને કીધું કે તાવ પોણે મહિને ઊતરશે.’

‘વૈદ્ય તો વાયડો ને વહેમી જ હોય ! તાવ થોડી વારમાં જ ઊતરી જશે ! આમ તો પરસેવો વળવા માંડ્યો છે…’

ચારેક ઘડી વાતો કરીને ધમ્મરવાળાએ પુત્ર સામે જોઈને કહ્યું :  ‘જો નાગ … તાવ ભાગ્યો કે નઈં ?’

નાગવાળાએ પિતાના હાથ પર હાથ મૂક્યો . પછી તેમણે કહ્યું :  બાપુ , શરીર ગરમ તો લાગે છે !’

‘ એટલો ગરમાવો તો રીયે ! ’

ડાયરાના બેચાર સાથીઓ પણ બોલી ઊઠયાં: ‘નરવાઈનો ગરમાવો તો સારો કાયા ટાઢી બોળ થઈ જાય ઈ સારૂ નઈ.’

આમ , વાતોમાં ને વાર્તામાં રાતનો બીજો પહર પૂરો થવા આવ્યો એટલે નાગવાળાએ ઊભા થઈને કહ્યું : ‘બાપુ, હવે તમે સૂઈ જાઓ … દવાની પડીકી પાણીમાં લઈ લો.’

સવલો પણ આવી ગયો . નાગવાળાએ પિતાને દવાની પડીકી આપી . પડીકી મોઢામાં નાખી … પાણીથી દવા ઉતારીને ધમરવાળાએ મોઢું બગાડતાં કહ્યું : ‘રૂવાડાં ખખડાવી નાખે એવી દવા છે …’

‘નાગવાળાએ બાપુને ઢોલિયા પર સુવાડી દીધા ને સવલા સામે જોઈને કહ્યું .  ‘તું પગ દબાવ … હું બા’રો ઓસરીમાં બેઠો છું … બધાને વિદાય કર્યા પછી આવીશ.’

એમ જ થયું.

સહુને વિદાય કરીને નાગવાળો ઓરડામાં આવ્યો અને બાપુના કપાળ પર હાથ મૂક્યો … કપાળ ધખતું હતું . ધમ્મરવાળાએ કહ્યું :   ‘જા બેટા , તું હવે સૂઈ જા … મને કાં’ક નિરાંત છે ! ’

‘બાપુ , તાવ તો વધતો હોય એમ લાગે છે … હું અહીં એક ઢોલિયો નંખાવું છુ.’  કહી નાગવાળો બહાર નીકળ્યો અને બહાર બેઠેલા બે માણસોને પોતાની પથારી ઓરડામાં કરવાની આજ્ઞા કરી.

તરત આજ્ઞાનો અમલ થઈ ગયો. નાગવાળો પુન: ઓરડામાં આવ્યો અને સવલા સામે જોઈને બોલ્યો :  ‘સવલા, અધરાતનું ટાણું થીયું છે … હવે તું ઓસરીમાં સૂઈ જા . .. જરૂર પડશે તો તને બોલાવીશ.’

ધમ્મરવાળાએ કહ્યું :  ‘નાગ , તું તારે ઓરડે જા .મારા માટે ગભરાવાની જરૂર નથી … તારી ધ2વાળીને હજી અહીં નવુંસવું કે’વાય..બિચારી એકલી અકળાશે …’

વચ્ચે જ નાગવાળાએ કહ્યું :  ‘બાપુ , ઘરવાલાની ચિંતા નથી . એના પિયરની બે બાનડિયું છે . એટલે અકળાવાનું કોણ કારણ નથી … અને બાપને આ રીતે તાવમાં મૂકીને દીકરો બાયડી પાસે જાય ઈ સારું કેમ કે’વાય ? ’

ધમ્મરવાળો કશું બોલ્યા નહિ.

સવલો ઊઠીને ઓસરીમાં ગયો.

નાગવાળો પિતાના ઢોલિયે બેસીને પગ દાબવા માંડયો.

ધમ્મરવાળાએ કહ્યું :  ‘ભાઈ , ! સુઈ જા મને હવે ઊંઘ આવે  છે.

‘પણ તાવ તો વધતો હોય એમ લાગે છે !’

‘તને લાગતું હશે … પણ મારા મનને નિરાંત છે ! તું હવે સૂઈ જા…’

નાગવાળો ઊઠીને પોતાના ઢોલિયે આવ્યો . તેણે ઓરડામાં બળતો એક દીવો રામ કરી નાખ્યો અને બીજા દીવાની વાટ સંકોરી નાખી . ..ત્યાર પછી તે પથારીમાં પડ્યો.

ધમ્મરવાળાને તાવ વધી રહ્યો હતો … પણ દીકરાને ચિંતા ન થાય એટલા માટે આંખો બંધ કરીને પડ્યા હતા. એમને એમ પણ થતું હતું કે વાળુ ન કર્યું હોત તો સારું થાત . જો તાવ વધશે તો આ વાળુનો જ વાંક ગણાશે … !

તેઓ મનમાં બોલ્યા :  જેવી નારાયણની ઇચ્છા … હવે મોત આવે તોય કંઈ વાંધો નથી … નાગની મા કેટલાય વખતથી વાટ જોતી બેઠી છે … એની ઇચ્છા પૂરી થઈ ગઈ છે … મારું કામ પણ પૂરું થયું છે … હવે કોઈ અબળખા રહી નથી . હે ભગવાન, હવે મારા પર કિરપા કરીને મારી જીવદોરી ખેંચી લેજો . કામ પત્યા પછી રોકાવું ઈ ભારરૂપ  છે.

આ રીતે વિચાર કરતા ધમ્મરવાળા મનમાં ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા.

આખા દિવસનો થાક્યો પાક્યો નાગવાળો ઢોલિયામાં પડતાં જ નિદ્રાદેવીના ખોળે રમવા માંડ્યો.

અને બહાર ઓસરીમાં સવલાનું નાસિકા સંગીત રાત્રિની નીરવતાને પડકારી રહ્યું હતું.

પણ પોતાના ઢોલિયે પોઢેલી આલણદે અકળામણ અનુભવી રહી હતી … જરાક સંચર થાય ને તે બારણા તરફ જોતી હતી … તેના મનમાં અનેક કલ્પનાઓ ઘૂમતી હતી …

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.