Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનમાં સલાહ માટે આવેલ ફોનમાંથી 13% સ્ત્રીઓએ મોનોપોઝ વિશેની સમસ્યાઓ વ્યક્ત કરી જેના આધારે વિદ્યાર્થીની કર્તવી ભટ્ટે રીસર્ચ કરતા જાણવા મળ્યું કે કોરોનાને કારણે ભયની માનસિકતા અને સ્ત્રીઓની બદલાતી જીવનશૈલી મેનોપોઝ પર ઘણી અસર કર છે.

મેનોપોઝ એટલે જ્યારે કોઈ સ્ત્રીને માસિક સ્રાવ ન આવે એવી સ્થિતિ. મેનોપોઝ બાદ સ્ત્રી ગર્ભવતી થઈ શકતી નથી. મેનોપોઝ દરમિયાન સ્ત્રી માસિક સ્ત્રાવ થતો  નથી અને જો થાય તો પણ 3-4 મહિને એકાદ દિવસ માટે અને ખૂબ જ ઓછી માત્રા માં સ્રાવ થાય છે. મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં ઘણા માનસિક અને શારીરિક ફેરફાર થાય છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટે ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન માં ગાયનેક ડોક્ટર સાથે વાતચીત કરી જાણ્યું કે આ સમયે સ્ત્રીઓની માનસિકતા માં ઘણો ફેર આવે છે.

એસ્ટ્રોજન નામનો હોર્મોન ઘટી જવાથી તેની મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે. તેની અસર યાદ શક્તિ પર પડે છે, શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે, અનિંદ્રા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચિંતા, મનોદશા વિકૃતિ, આ સિવાય સ્ત્રી હોર્મોન માં પણ ફેરફાર થાય છે.

ગાયનેક ડોક્ટર બીનાબેન પરીખ (હાલ યુ,એસ,એ. સ્થિત છે) સાથેની વાતચીત થી જાણવા મળ્યું કે, કેટલીક સ્ત્રીઓમાં અવ્યવસ્થિત ખોરાક, જીવનશૈલી કે હોર્મોન  ના કારણે ઘણી તકલીફો જોવા મળે છે જે ખાસ શહેરી સ્ત્રીઓમાં વધુ છે. શહેરી સ્ત્રીઓ જેટલી ડોક્ટર પાસે જાય છે તેટલી ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ આવતી હોતી નથી. અમુક કિસ્સામાં 40 વર્ષ પહેલાં પણ મેનોપોઝ આવી જાય છે જેને પ્રીમેચયોર મેનોપોઝ કહેવાય છે. પ્રિમેચયોર મેનોપોઝના કિસ્સા શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તેનું કારણ અનિયમિત જીવનશૈલી, ખોરાક, અયોગ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ હોય શકે છે.

શહેરની સ્ત્રીઓ ની જીવનશૈલી માં અનિયમિતતા વધારે જોવા મળે છે. ભોજનનો કે ઊંઘનો સમય, ભોજનનો પ્રકાર, વાતાવરણ, તણાવ વગેરે બાબતો શરીરની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે જેથી મેનોપોઝના લક્ષણો તીવ્ર દેખાય છે અને લાંબો સમય ચાલે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓની જીવનશૈલી, ભોજન, વાતાવરણ વગેરે નિયમિત હોવાથી મેનોપોઝ ના લક્ષણો ની તીવ્રતા ઓછી જોવા મળે છે.

મેનોપોઝમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મનોવૈજ્ઞાનિક કારણોને લીધે શારીરિક લક્ષણોમાં ભિન્નતા

એક રીતે જોઈએ તો મેનોપોઝની સમસ્યાઓ દરેક સ્ત્રીઓ અનુભુવતી હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની તુલનાએ શહેરી વિસ્તારની સ્ત્રીઓ ને તકલીફ વધુ હોવાનું તારણ પણ મળી રહ્યું છે. શહેરી સ્ત્રીઓને હોર્મોન્સ માં પરિવર્તન, શારીરિક દુ:ખાવો, મુડ ડિસઓર્ડર, ચીડિયાપણું, ભોજનમાં અરુચિ, શરીરમાં બદલાવ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓની તુલનામાં વધુ જોવા મળે છે.

મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાયું કે શહેરી સમાજની સ્ત્રીઓ મેનોપોઝ વખતે થતા પરિવર્તન વિશે ઘણું જાણતી હોય છે ને જેના કારણે ઘણી વખત તે શારીરિક તકલીફ ન હોવા છતાં પણ એ તકલીફો અનુભવતી હોય છે. બીજું કારણ તેની જીવનશૈલી પણ છે. ભોજન ની રીતો અને કામ કરવાની રીતો પણ શહેરી સમાજની સ્ત્રીઓના મેનોપોઝ સમય પર અસર કરે છે.

કોરોનાના ભયે મેનોપોઝ ઉપર પણ અસર કરી છે

કોરોનાના ભયની સ્ત્રીઓની જેમ માસિક ધર્મની સાયકલ.પર અસર કરી તેમ મેનોપોઝ ઉપર પણ ખૂબ અસર કરી છે. ભયને કારણે સ્ત્રીઓમાં આ સમયમાં માનસિક પરિવર્તન સાથે ડિપ્રેશન અને તણાવ પણ ઉમેરાયા છે.

મેનોપોઝ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  •  તીખું, તળેલું ભોજન ન કરવું
  •  વજન ન ઉચકવું
  •  વિટામિન, કેલ્શિયમ વાળો ખોરાક લેવો
  •  ગમતું કાર્ય કરી તેમાં મન લગાડવું
  •  ગમતા ફૂલો અથવા ગમતી સુગંધ લેવી જેથી મન પ્રફુલ્લિત રહે
  •  યોગાસન પ્રાણાયમ કરવા
  •  હળવી કસરત કરવી
  •  સારા ગાયનેક ડોક્ટર ની મદદ લેવી
  •  જરૂર પડ્યે સાયકોલોજીકલ સપોર્ટ મેળવવો
  •  ઘરના સભ્યોએ મેનોપોઝ જે સ્ત્રીને શરૂ હોય તેનું ધ્યાન રાખી ખુશ રાખવાના પ્રયત્નો કરવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.