Abtak Media Google News

એક વાતતો સ્વીકારવીજ પડે કે ઈશ્વરના સર્જનમાં જો સૌથી વધુ મૂલ્યવાન અને બારીકાઈ વાળું સર્જન હોય તો એ માણસ છે. એના સિવાયના દરેક સજીવોમાં કોઈને કોઈ કચાશ છે, કોઈને કોઈ ત્રુટી છે પરંતુ માણસનું સર્જન કરીને ઈશ્વરે એની તમામ કચાશ પુરી કરી છે.

તમામ જીવોમાં માણસ એકજ કારણથી ચડિયાતો છે કે એ સમજી – વિચારી શકે છે,અભિવ્યક્ત કરી શકે છે અને પોતાનો મત રાખી શકે છે. અન્ય જીવોમાં કદાચ આ નથી હોતું.

આ તમામ ખાસિયત બાળક લઈનેજ જન્મે છે પરંતુ એ જે પરિવાર,જે માહોલ,જે સમાજ અને જેવી વિચારસરણી વાળા લોકોના સંપર્કમાં વધુ રહે એવી છાપ ,એવા વિચારો અને એવી વૃત્તિ એની કેળવાય છે. મનુષ્ય એ ઈશ્વરનું અદભૂત સર્જન છે એ તો આપણે સૌ માનીએ છીએ પરંતુ આ જ મનુષ્યે ઈશ્વરની છબી ખરડી નાખી છે.

દરેક દેશની એક સમાજવ્યવસ્થા હોય અને એ વ્યવસ્થામાં ફિટ આવવું એ જે -તે  દેશના નાગરિકનું કર્તવ્ય પણ હોય. ભારત દેશ આઝાદ થયો અને જ્યારથી લોકશાહીનો યુગ શરૂ થયો ત્યારથી માણસ પોતાના વિશે વિચારતો થયો, પોતાના હિત જોતો થયો અને જેમ જેમ ’મારું શું?’ એ સવાલ વિશે વિચારતો અને એના જવાબ માટે પ્રવૃત્ત થયો એમ એમ એ મૂલ્યો મુકતો ગયો. વિશ્વના દરેક દેશમાં કોઈને કોઈ ત્રુટી હોવાની પરંતુ આપણા દેશની હાલની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે ભ્રષ્ટાચાર,અનીતિ અને માણસના મૂલ્યોનું પતન. આજે પોતાના સ્વાર્થ ખાતર માણસ તદ્દન સસ્તામાં વેંચાઈ રહ્યો છે અને આ મૂલ્યોનું પતન આખા દેશને ઉધઈ માફક કોરી રહ્યું છે. આપણે એ પણ જાણીએ છીએ કે અન્ય દેશોમાં અમુક નિયમો છે જે અનુસરવા પડે છે અને એ માટે કોઈ ખાસ મશીન કે કોઈ વોચ ગોઠવ્યા વગર પણ લોકો પોતાની જવાબદારી અને ફરજ સમજીને આ તમામ નિયમો પાળે છે  અને એ દેશના નાગરીક સાથે અન્ય દેશના નાગરિક પણ જે દેશમાં જાય ત્યાંના નીતિ નિયમોને આધીન રહે છે પરંતુ ભારત એકજ એવો દેશ છે કે જ્યા એકજ સૂત્ર ચાલે છે, ’નિયમો તોડવા એ જ અમારો નિયમ છે’.

કરોડોનું કૌભાંડ કરીને ફરાર થઈ ગયેલા ’મોટા નામો’થી આપણે સૌ વાકેફ છીએ પરંતુ આ આવ્યું ક્યાંથી? કઈ રીતે? અનીતિ અને ભ્રષ્ટાચારનું કારણ લોકશાહી માટેની આપણી ના-લાયકતા તો નથીને? એક કલ્પના કરીએ તો આઝાદી પહેલાંના ગુલામ ભારતમાં આપણે જીવતા હોત તો આપણી ફરજ અને જવાબદારી એટલીજ હોત કે બુદ્ધિને તાળું મારીને, આંખ બંધ કરીને ,કાન ખુલ્લા રાખીને માત્ર આદેશનું પાલન કરવું. પોતાના કે પરિવાર વિશે વિચારવાનો એ પ્રથામાં હક્ક નહતો. નીતિ અને મૂલ્યોનું પતન થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે.

બદલાતા સમય સાથે સૌથી વધુ કોઈ સમસ્યા વકરી હોય તો એ દેખાદેખી અને એકબીજાથી આગળ નીકળવાની હોડ. મિત્રો-મિત્રો વચ્ચે,પડોશી-પડોશી વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે જે એકબીજાથી આગળ નીકળી જવાની હોડ છે એણે અનેક મૂલ્યો અને સંસ્કારને નેવે મૂકી દીધા છે. ઈર્ષ્યા, દેખાદેખી અને શ્રીમંત થવાની લાલસમાં માણસ મૂલ્યોથી ગરીબ થઈ રહ્યો છે. વધતી જતી સુખ સુવિધા, મોંઘવારી, ખાનપાનમાં વૈવિધ્ય, ફેશનનો મારો અને એકજ દેશમાં જીવાઇ રહેલી અનેક દેશોની જીવનશૈલીએ માણસનું મગજ સુન્ન કરી નાખ્યું છે. એ દિશાશૂન્ય બની ગયો છે. માણસ ખુદ પોતાની જરૂરિયાત,સગવડ અને શોખની વ્યાખ્યા ભૂલી ગયો છે. પહેલાંના સમયના શોખ એ આજના સમયની જરૂરિયાત બન્યા છે એ સાચું પરંતુ સાથેસાથે આજના સમયમાં પણ નવા શોખે સ્થાન લીધું છે.

બદલાતા જીવનધોરણને લઈને આજે હવે દરેક વ્યક્તિએ પોતાનું એક લેવલ પકડી લીધું છે જે  પોતાના ઘર,જ્ઞાતિ,સમાજમાં મોભાદાર જીવવા માટે જાળવી રાખવું આવશ્યક છે. વસ્તીવધારો, રોજગારલક્ષી વિકાસની ઓછી તકો,  અભ્યાસ મુજબની  નોકરીની ઓછી તકો અને ઉચ્ચ અભ્યાસ પછી બદલાઈ જતી વિચારસરણીએ આવક અને ખર્ચનું સંતુલન ખોરવી નાખ્યું છે. આજે ઉચ્ચ શિક્ષણ પછી એને અનુરૂપ નોકરી નહિ મળતાં અને આટલું ભણ્યા પછી અન્ય કામ નાનું લાગવાથી બેકાર રખડતા યુવાનોની સંખ્યા કઈ ઓછી નથી. નવરું મન શેતાનનું ઘર હોય છે એમજ આવા યુવાનો દેશદ્રોહી પ્રવૃત્તિ માં વગરવિચાર્યે જોડાઈ રહ્યા છે. સમાજમાં મોભાદાર જીવન જીવવા માટે કમાવાના શોર્ટકટ શોધી લેતા થયા છે.

માણસ ખરીદવા અને વેચવાનું સૌથી મોટું કોઈ ક્ષેત્ર હોય તો એ છે રાજકારણ. આપણાં દેશનું સૌથી મહત્વનું છતાં સૌથી નબળું પાસું હોય તો એ છે તળિયે ગયેલું રાજકારણ. એકપણ સારી ,પ્રતિષ્ઠિત અને મૂલ્યવાન વ્યક્તિ રાજકારણનો પડછાયો પણ નથી ઇચ્છતી.  આપણે હંમેશ એવું કહીએ છીએ કે નૈતિક મૂલ્યો જેમના સચવાયેલા છે એવી વ્યક્તિજ રાજકારણમાં પ્રવેશે તો જ રાજકારણને ઉગારી શકાશે પરંતુ એવી વ્યક્તિ કેટલી? અને એને કોણ રાજકારણમાં સ્થાન આપે? અને આવે તો પણ એ એના મૂલ્યોને વળગેલો રહી શકે? આ તમામ સવાલો રાજકારણ પર સૌથી મોટો હથોડો છે. ચૂંટણી કોઈપણ હોય માણસ ત્યાથીજ વેચાવાની શરૂઆત કરે છે. ચૂંટણી સમયના બે પક્ષનું વજન એની માણસ ખરીદવાની ક્ષમતા નક્કી કરે છે. ક્યારેક સવાલ એ થાય કે સત્તા માટે આટલી ગિરાવટ છે? પણ ના, દરેક વખતે એ ગિરાવટ માત્ર સત્તા માટે નથી હોતી. સત્તાથી મળતા આર્થિક લાભો સૌથી મહત્વના હોય છે. આપણાં દેશના રાજકારણીઓ નું આજીવિકાનું સાધન શુ? જવાબ મળશે ’રાજકારણ’. તો શું રાજકારણને ધર્મ,ભક્તિ કે દેશસેવા નહિ સમજતા એને વ્યવસાય સમજવો? જો હા, તો વ્યવસાયમાં તો કશુંક ખરીદવા માટે કશુંક વેચવાનું હોય છે. તો સવાલ એ થાય કે રાજકારણીઓ શુ વેંચી રહ્યા છે? સંસ્કાર,મૂલ્યો,નીતિમત્તા,સમાજ,માણસ કે પછી આખેઆખો દેશ?

આ સવાલ ખૂબ મોટો છે અને ગંભીર પણ. કો-ઓપરેટિવ બેંક હોય, સહકારી મંડળી હોય કે અન્ય કોઈ સેકટર હોય એમાં પ્રતિનિધિત્વ કરી રહેલી વ્યક્તિનું વાસ્તવમાં આજીવિકાનું સાધન શું( ઓન પેપર નહિ, વાસ્તવમાં) એ વિશે આપણે ક્યારેય વિચાર્યું છે? સરકારી કામો માટે થતા ખરીદ-વેચાણમાંથી ’કટકી’ એ જ મોટાભાગે આવા લોકોની મુખ્ય આજીવિકા હોય છે અને એ માટે જ સત્તા પોતાના ખિસ્સે કરવા માટે માણસ ખરીદવાની પ્રક્રિયાઓ શરૂ થઈ. ધાક-ધમકી,લાગણી, નાના ક્ષણિક આર્થિક લાભોના પ્રલોભન વડે માણસ ખરીદી સત્તા સંભાળનાર આગળ જતાં એ જ સત્તાનો પણ સોદો કરે.

સત્તા પર આવવા માટે મૂલ્યો મુકવા પડે અને મૂલ્યોને જાળવી રાખીને સત્તા મેળવવી આજના સમયમાં અશક્ય છે. ગુજરાતમાં દારૂબંધીનાં નિયમનો ભંગ સૌથી વધુ જો કોઈએ કર્યો હોય તો એ ગુજરાતના રાજકારણીઓએ. દારૂના વ્યસનને પાળવા- પોષવા અને એને માણસની નબળાઈ બનાવવાનું કામ પહેલા પગથિયાનાં અછૂત રાજકારણીઓએ કર્યું છે. પોતાના પક્ષે એક મત મેળવવા માટે ઘરદીઠ દારૂની બોટલો અપાય..!! વિચારતો કરો જે દેશમાં આજે પણ એક ટંક ભૂખ્યો સુઈ રહેનાર વર્ગ પણ છે ત્યાં ભોજન પહોંચાડવાને બદલે દારૂની બોટલો પહોંચાડાય છે. ક્યાં ગયા આપના સંસ્કાર? આપણી દેશદાઝ? આપણી ગામ, સમાજ,અને દેશ તરફની વફાદારી?

સમય બદલાયો એની સાબિતી આપતા ટેક્નોલોજીના વિકાસના સિક્કાની બીજી બાજુ એ પણ છે કે માણસના મૂલ્યોનો રકાસ થયો છે. કોઈ સંસ્થા,કોઈ સમાજ,કોઈ શિક્ષક કે માતાપિતા બાળકમાં મૂલ્યોનું સિંચન કરી શકશે પરંતુ એને ટકાવવા માટેતો સમજવ્યવસ્થામાં ધરમૂળ બદલાવ આવશ્યક છે. ક્ષણિક લાભ માટે વેચાઈ જતો માણસ દેશ માટે સૌથી મોટું જોખમ છે અને આવા જોખમને જો ઉગતાંજ ડામવામાં નહિ આવે તો એક દિવસ એ આખી વ્યવસ્થાને ભરખી જશે.

શું  મનુષ્ય અવતારરૂપે ઈશ્વર તરફથી મળેલી સર્વશ્રેષ્ઠ ભેંટને આમ માત્ર નજીવા સ્વાર્થ માટે વેચી નાખીને દેશની પ્રગતિમાં અવરોધ ઉભો કરીને આપણે શિક્ષિત,સમૃદ્ધ કે નિતિવાન હોવાનો દાવો કરી શકીશું?

મિરર ઇફેક્ટ :

અભણ,અંગૂઠાછાપ અને બેકાર રાજકારીઓના સ્વાર્થે સંસ્કાર અને નીતિમત્તા જેવી દ્રૌપદીને દાવમાં મુકનાર વ્યકતિ જ નપુંસક સમાજનું નિર્માણ કરવા માટે જવાબદાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.